ઘણા કમર્ચારીઓ નોકરી બદલવા ઉચ્છુક હોય છે પરંતુ પહેલા ઇન્ટરવ્યુંમાંથી બહાર ફેંકાઈ જાય છે. એનું મુખ્ય કારણ નોકરી બદલવાની ઈચ્છા ધરાવતા કર્મચારીને પોતાને શું આવડે છે તેનો ખ્યાલ હોય છે પરંતુ ઇન્ટરવ્યુ લેનાર કંપનીને ખરેખર શું પ્રોફાઈલ જોઈએ છે તેનો તેમને ખ્યાલ હોતો નથી.જે દિવસે નોકરી ઇચ્છનાર જ્યાં ઇન્ટરવ્યુ આપવા જતો હોય અને જે જગ્યાની શું જરૂર છે તેની વિગત લઇ જશે એ દિવસે તેના સિલેક્શનના ચાન્સીસ વધી જશે. જ્યારે નોકરી બદલવાનો સમય આવે છે ત્યારે સૌ પ્રથમ તમારી મુલાકાત કંપનીના HR ડિપાર્ટમેન્ટ જોડે થતી હોય છે. નોકરી બદલવા ઇચ્છતો કેન્ડિડેટ જ્યારે ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરતો થતો હોય છે ત્યારે તે તેની ટૅક્નિકલ અને ફંકશનલ સ્કિલ પર વધારે ભાર મૂકતો હોય છે.
જ્યારે સૌ પ્રથમ લેવાતા HR એટલે કે હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટના ઇન્ટરવ્યૂને લોકો ગંભીરતાથી લેતા નથી. કેન્ડિડેટની માનસિક સ્થિતિ અને કેપેબિલિટી નક્કી કરવા માટે HR રાઉન્ડનો ઇન્ટરવ્યૂ બહુ મહત્ત્વનો ગણાય છે. એ પણ સત્ય છે કે જો તમે પ્રથમ તમારો ઇન્ટરવ્યૂ હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ જોડે સફળતાપૂર્વક પાર પાડો તે પછી જ બીજા ટૅક્નિકલ ઇન્ટરવ્યૂ માટે તમારી પસંદગી થાય છે. તમારી પહેલી ઇમ્પ્રેશનથી જ નક્કી થાય છે કે તમે જોબ માટે ફિટ છો કે નહીં. આથી જોબ ઇચ્છુક ઉમેદવારોએ પહેલા થનારા HR ઇન્ટરવ્યૂ રાઉન્ડને ખૂબ જ ગંભીરતાથી લેવું. હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ જોડે તમારો પહેલો ઇન્ટરવ્યૂ થાય ત્યારે તમને લાગશે કે કેવા સરળ પ્રશ્નો પૂછવામાં આવે છે, પરંતુ આ સહેલા લાગતા અગત્યના પ્રશ્નો પાછળ શું માહિતી મેળવવા HR મેનેજરનો આશય હોય છે એ અંગેની માહિતી મેળવીએ.
પ્રશ્ન : તમારા કુટુંબ વિષે જણાવો.
જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેનો મુખ્ય હેતુ તમારો કેવા વાતાવરણમાં ઉછેર થયો છે તે જાણવાનો છે. તમે સોનાની ચમચી સાથે જન્મ્યા છો કે તમે તમારા ફેમિલીએ કરેલા સંઘર્ષના સાક્ષી છો તે જાણવાનો પ્રયત્ન HR મેનેજર કરતા હોય છે. જો તમે સંઘર્ષમય જિંદગી જોઈ હશે તો તમને નોકરી અને પૈસાનું મૂલ્ય વધારે સમજાશે અને તમે કંપની જોડે મહેનતથી કામ કરી શકશો.
પ્રશ્ન : તમારી સ્ટ્રેન્થ અને વિકનેસ જણાવો.
આ પ્રશ્નનો ભાવાર્થ એવો છે કે તમે કેવી સુંદરતાથી જરાય કોઈપણ પ્રકારના અભિમાન વગર તમારી સારી છબી રજૂ કરી શકો છો અને એ જ રીતે શું તમે જાણો છો કે તમારી નબળાઈ શું છે અને તેને સુધારવા માટે તમે શું પ્રયત્નો કરી રહ્યા છો? અહીં એ પણ ચેક કરવામાં આવે છે કે ભવિષ્યમાં તમારાથી કંઈ ભૂલ થાય તો તમે એ ભૂલ સ્વીકારવા અને ફરીથી એવી ભૂલ ન થાય તે અંગે કેટલે અંશે તૈયાર છો. આ દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નથી કે તેની કોઈ નબળાઈ ન હોય. આથી નબળાઈના પ્રશ્ન અંગે જરા પણ મૂંઝાવું નહીં અને ખુલ્લા દિલથી વાત કરવી.
પ્રશ્ન : આવતાં પાંચ વર્ષમાં તમારી જાતને તમે ક્યાં જુઓ છો?
આ પ્રશ્નનો સીધો અર્થ એ છે કે તમે તમારી લાઇફ વિશે કંઈ વિચાર્યું છે કે નહીં. તમે પ્લાનિંગ કરી શકો તેવી વ્યક્તિ છો કે નહીં તે જાણવાનો મુખ્ય ઇરાદો છે. મોટાભાગના ઉમેદવાર આ પ્રશ્નના જવાબમાં તેઓ ક્યાં પહોંચવા માગે છે તે કહે છે પરંતુ પાંચ વર્ષમાં તમે જે કંપનીમાં કામ કરશો ત્યાં તમે કેટલો ફાળો આપી, કંપનીના કામને શ્રેષ્ઠતા આપી શકો છો તે વાત કોઈ કરતું નથી. તમે પાંચ વર્ષમાં તમારા પ્લાનિંગ વિશે જરૂર કહો, પરંતુ પાંચ વર્ષમાં તમે કંપનીમાં શું યોગદાન આપી શકો છો તેની ચર્ચા કરવાનું ભૂલતા નહીં.
પ્રશ્ન : તમે જ્યાં ઇન્ટરવ્યૂ આપવા ગયા છો તે કંપની વિશે તમે શું જાણો છો?
આ પ્રશ્ન પૂછવાનો અર્થ એવો છે કે તમે જે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો તે કંપનીની પ્રાથમિક માહિતી તમારી પાસે છે કે કેમ, આના ઉપરથી તમે આ જોબ માટે કેટલા ગંભીર છો તેનું તારણ નીકળે છે. તમે જે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે જાવ તે કંપનીનું વાર્ષિક ટર્ન ઓવર કેટલું છે, તે કંપનીની પ્રોડક્ટ શું છે, માર્કેટમાં તે કંપનીનું શું સ્થાન છે અને કંપનીની શું સારી બાબતો છે તેની જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે. આવા તો ઘણા પ્રશ્નો પુછાઈ શકે. કહેવાનો ભાવાર્થ એ છે કે પ્રશ્ન ભલે ઘણો સરળ લાગે પરંતુ એની ગહેરાય ઘણી હોય છે. આથી દરેક પ્રશ્નને ખૂબ જ ગંભીરતાથી લેવો અને તે અંગે ઊંડાણપૂર્વક અને સહેલાઈથી સમજાઈ શકે તે રીતે જવાબ આપવા. જેથી તમે HR રાઉન્ડમાં સારી ઇમ્પ્રેશન જમાવી શકશો.