Columns

તમારા બાળકને કઈ રીતે વ્યસ્ત રાખશો?

ક્ટર, મારું 4 વર્ષનું બાળક મને છોડતું નથી. મારે મારી 9 વર્ષની દીકરીને ભણાવવાનું, ઘરનું કામ કરવાનું અને નાના બાળકને પણ સાચવવાનું. હું મારા માટે 15 મિનિટનો બ્રેક પણ મેળવી શકતી નથી. હું નથી ઈચ્છતી કે તે ટીવી જુએ પણ તો પછી હું તેને કેવી રીતે વ્યસ્ત રાખું?’’
જો તમને લાગે કે તમે પણ આવી જ પરિસ્થિતિમાં છો તો તમે એકલા નથી. હું દરરોજની પ્રેક્ટિસમાં આ સમસ્યા ઘણી વાર સાંભળું છું. ભલે તે ન્યુક્લિયર ફેમિલી હોય, સંયુક્ત પરિવાર હોય કે સિંગલ પેરેન્ટ ફેમિલી. તમે હોમમેકર છો, વર્ક ફ્રોમ હોમ કરો છો કે પછી બંને વર્કિંગ પેરન્ટ્સ છો, તમારા બાળકને યોગ્ય રીતે બિઝી રાખવા માટે હંમેશાં સંઘર્ષ કરવો પડે છે. આ સ્થિતિનું મુખ્ય કારણ સામાન્ય રીતે વયને અનુરૂપ રમકડાં, રમતો અને પ્રવૃત્તિઓ વિશે જાગૃતિનો અભાવ છે કે જે બાળકને વ્યસ્ત રાખવામાં મદદ કરી શકે છે. ઉંમર અનુસાર યોગ્ય રમત રમવાથી બાળકનો શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસ સારી રીતે થાય છે. રમતથી એમની વિચારશક્તિ ખીલે છે, ધૈર્ય વધે છે, હારજીતને સમતોલ ભાવથી સ્વીકારતા શીખે છે.
પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનું ધ્યાન અને બેસવાનો સમયગાળો 20 મિનિટથી વધુ નથી હોતો. તેઓ સરળતાથી વિચલિત થઈ જાય છે, ખૂબ જ સરળતાથી રસ ગુમાવે છે પરંતુ યાદ રાખો કે તેઓ ખૂબ જ જિજ્ઞાસુ હોય છે, સહેલાઈથી હસી શકે છે અને સૌથી અગત્યનું ખૂબ જ ઝડપથી શીખે છે. માતાપિતા અને પરિવારના સભ્યો બાળક સાથે વાત કરવા અને આનંદ માણવા માટે સમય ફાળવવા તેયાર હોવાં જોઈએ. જ્યારે બાળક કંઈક યોગ્ય કરી રહ્યું હોય ત્યારે તેની પ્રશંસા કરવી જોઈએ. સંતાકૂકડી, અભિનય, ટ્રેઝર હન્ટ, ગીતો ગાવાં, રેતીનો કિલ્લો બનાવવો, સાબુના પરપોટા ફૂંકવા જેવી પ્રવૃત્તિઓ પોતાનું કામ કરતાં કરતાં પણ બાળક સાથે કરી શકાય.
સંતાન સાથે વય પ્રમાણે ક્યારે, કઈ, શા માટે અને કેવી રીતે ચોક્કસ પ્રવૃત્તિઓ દાખલ કરવી તે વિશે અહીં કેટલીક ગાઈડલાઈન્સ છે!
1.પરિસ્થિતિ :
મારી દીકરી પાસે ઘણી બધી ઢીંગલી છે છતાં નવી ઢીંગલી માટે જીદ કરે છે. પછી બે દિવસ રમીને કંટાળી જાય અને ફરીથી એક નવી માંગે છે!
નિયમ:
મોંઘાં રમકડાં ન ખરીદો. 7 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે કેટલાંક મૂળભૂત રમકડાં જેમ કે બ્લોક્સ, બોલ, કલરિંગ બુક્સ, ટ્રાઇસિકલ/ સાઈકલ અથવા મ્યુઝિકલ રમકડાં પર્યાપ્ત છે. આ બાળકોને ડ્રેસિંગ, વાસણો સાથે ઘર ઘર રમવું કે એને વગાડીને અવાજ કરવો, પૂઠાનાં ખોખામાંથી ખુરશીટેબલ, ટનલ્સ, ડુંગર બનાવીને રમવામાં આનંદ આવે છે. મોટાં બાળકો માટે તેમને વધુ અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં, ઔપચારિક શિક્ષણ તરીકે રમતગમતમાં સામેલ કરવાનું શરૂ કરો. તેઓ બોર્ડ ગેમ્સ, પત્તાં રમવા, કેરમ વગેરેનો પણ આનંદ માણશે. વાર્તાઓ સાંભળવી અથવા વાંચવી એ દરેક ઉંમર માટે યોગ્ય પ્રવૃત્તિ છે. તમારા બાળકને પુસ્તકાલયમાં લઈ જાવ!

  1. પરિસ્થિતિ:
    હું હજુ પણ મારાં 6 વર્ષનાં જોડિયાં બાળકોને હાથે જમાડું છું કારણ કે તેઓ જાતે જમતાં નથી. મને કલાક થાય એમને જમાડતાં! હું મોબાઈલ નહિ બતાવું તો એ પૂરતું જમતાં જ નથી! સવારે સ્કૂલે જવા માટે તૈયાર કરવામાં પણ એટલો સમય જાય છે. હું કંટાળી જાઉં છું
    નિયમ:
    તેમને હંમેશાં સ્વ-સહાય પ્રવૃત્તિઓ વહેલા શીખવો. 4 વર્ષનું બાળક જાતે જ ખાવા, બ્રશ, સ્નાન, ટોયલેટ અને કપડાં પહેરવા સક્ષમ બની જાય છે. અહીં માતાપિતા તરીકે આપણે જ તેમને આ બાબતો શીખવવામાં નિષ્ફળ જઈએ છીએ. તેમને નાની ઉંમરથી જ પોતાનાં કામ જાતે કરતાં શીખવો. એ ભૂલો કરશે, ખાવાનું ઢોળશે, વાર લાગશે પણ તમે ધીરજ રાખો. એમની સાથે રહીને એમને તક આપો. એ આત્મનિર્ભર થશે તો તમે ચોક્કસ મોકળાશ અનુભવશો.
  2. પરિસ્થિતિ:
    હું રસોઈમાં વ્યસ્ત હોઉં અને એમના પપ્પા ઓફિસેથી થાકીને આવેલા હોય. અમે બાળકો સાથે ક્યારે રમીએ?
    નિયમ:
    બાળકને ઘરકામમાં મદદરૂપ થવા પ્રોત્સાહિત કરો. બાળકોને ઘરનાં કામમાં મદદ કરવી ગમે છે. 3 વર્ષનું બાળક ડિનર ટેબલ સેટ કરવામાં અને સાફ કરવામાં ખુશીથી મદદ કરશે. 2 વર્ષનું બાળક કપડાં છૂટાં પાડવામાં કે કપડાં પર પિન મૂકવામાં મદદ કરી શકે છે. 4-5 વર્ષનું બાળક વાસણ ગોઠવવામાં મદદ કરી શકે. 10 વર્ષનું બાળક કાર ધોવામાં અને 12 વર્ષનું બાળક કરિયાણાની ખરીદી કરવામાં મદદ કરી શકે.
    4.પરિસ્થિતિ:
    મારું બાળક રાતે 1 વાગ્યા પહેલાં સૂતું નથી. હું ક્યારેક તેને રાત્રે 10 વાગ્યે લાઈટો બંધ કરી સૂવડાવવાનો પ્રયત્ન કરું છું પરંતુ તે હજુ પણ રમવા માંગે છે. ઘણી વાર રડીને બાળક 5 મિનિટ વધુ રમવાની જીદ કરે છે!
    નિયમ:
    હંમેશાં તમારી અને તમારા બાળકની દિનચર્યા ગોઠવો! 9 મહિનાની ઉંમર પછી તમારું બાળક સીમાઓ અને દિનચર્યાઓને સમજે છે. દિવસની દિનચર્યાનું આયોજન કુટુંબના નિત્યક્રમ મુજબ કરી શકાય છે- તેથી જ્યારે દરેક વ્યક્તિ જમે ત્યારે બાળક પણ જમી લે અને તેની ઊંઘ, રમવાની અને શૌચક્રિયાની દિનચર્યાઓ સેટ થઈ જાય. આનાથી બાળકને ક્રોધાવેશ વિના એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સરળતાથી સંક્રમણ કરવામાં મદદ મળશે.
  3. પરિસ્થિતિ:
    મારા બાળકે ભૂલથી તેની રમકડાની કારની બેટરી ગળી લીધી, અમારે હોસ્પિટલ દોડવું પડ્યું!
    નિયમ:
    હંમેશાં એવાં રમકડાં આપો જે સારી ગુણવત્તાવાળાં પ્લાસ્ટિક અથવા લાકડાંમાંથી બનેલાં હોય, જેમાં બિન-ઝેરી રંગ હોય. રમકડાં સહેલાઈથી તૂટવાં જોઈએ નહીં અથવા છૂટક નાના ભાગો ન હોવા જોઈએ જે અકસ્માતનું કારણ બની શકે છે. રમતી વખતે બાળકોને હંમેશાં તીક્ષ્ણ વસ્તુઓથી દૂર રાખો. તેમને પાર્કિંગની જગ્યામાં રમવા દો નહીં.
  4. મુસાફરી માટે તૈયાર રહો! મુસાફરી કરતી વખતે બાળક ઊંચકી શકે એવી તમારા બાળકના મનપસંદ રમકડાં ધરાવતી નાની કીટ સાથે રાખો. દા.ત. મોલ્ડિંગ ક્લે, ક્રેયોન્સ અને કાગળ, રુબિક્સ ક્યુબ અથવા કોઈ પણ પઝલ્સ, હાથમાં લઈ રમી શકાય એવાં રમકડાં (ફિજેટ ટોયઝ) પત્તાં. મોટાં સંતાનો સાથે અંતાક્ષરી, મેમરી ગેમ્સ, વર્લ્ડ ગેમ્સ જેવી રમતો ટ્રાવેલિંગ વખતે રમી શકો છો. 7. સૌથી અગત્યનો નિયમ: તમારા બાળકને રમી રહ્યા પછી દર વખતે ઊંચુંનીચું કરવાનું શીખવો. એની પાસે જ વસ્તુઓ, રમકડાં વ્યવસ્થિત મુકાવવાં જોઈએ. એક સમયે માત્ર 2-4 રમકડાં જ રમવા આપો. બધાં રમકડાં વારાફરતી રમવા આપો. એક સાથે બધાં જ રમકડાં આપો નહીં. તમારા બાળક સાથે રમવું એ ખાવાનો ખેલ નથી! તમારે સર્જનાત્મક રહેવું પડશે, ધીરજ રાખવાની અને સૌથી અગત્યનું તમારા બાળક સાથે રમવાનો અને ટાઈમ સ્પેન્ડ કરવાનો આનંદ લેવાની જરૂર છે!

Most Popular

To Top