Columns

દાન કરવાની રીત

એક સંતના શિષ્યો આશ્રમનાં સમાજસેવાનાં કાર્યોને આગળ વધારવા માટે ભંડોળ એકઠું કરવા માટે ગામે-ગામ ફરી રહ્યા હતા.એક નગરના નગરશેઠનું નામ દાનવીર શેઠ તરીકે પ્રખ્યાત હતું.બે શિષ્યો તે શેઠની હવેલી પર ગયા અને સેવાકાર્યો જણાવી ભંડોળની માગણી કરી. શેઠ બોલ્યા, ‘હું તમારા સંપૂર્ણ કાર્ય માટે ધન રાશિ આપીશ,તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી.પણ હું કહું તેમ કરવું પડશે.’બધું જ ભંડોળ એક જ શેઠ આપશે તે સાંભળી શિષ્યો એટલા ખુશ થઇ ગયા કે આગળ કંઈ સાંભળ્યું જ નહિ અને બોલ્યા, ‘મહાદાની શેઠજી તમારી ઉદારતાને વંદન છે. ચાલો અમારી સાથે આશ્રમમાં અમારા ગુરુજી આપને મળીને ખૂબ ખુશ થશે.’

શિષ્યો શેઠને આશ્રમમાં લઇ ગયા અને સંતને જણાવ્યું કે આ ઉદાર શેઠ બધો જ ખર્ચ આપવા તૈયાર છે.સંતે શેઠ સામે જોયું, શેઠજી નમન કરતા બોલ્યા, ‘મહંતજી, આપ માંગશો એટલુ ધન હું આપીશ.બસ મારી એક જ નાની શરત છે કે જેટલા પણ સમાજસેવાનાં કાર્યો તમે કરો તેમાં મારાં માતા-પિતા અને દાદા દાદીનાં નામ લખેલાં હોવાં જોઈએ. મને બીજું કંઈ નથી જોઈતું.’ સંત માત્ર એટલું બોલ્યા, ‘તમારું કોઈ દાન મને સ્વીકાર્ય નથી. ચાલ્યા જાવ તમારા પૈસા લઈને અહીંથી.’શેઠજી આવો જવાબ સાંભળી ચોંકી ગયા. આજ સુધી તેમને આટલું મોટું દાન સ્વીકારવાની ના પાડનાર કોઈ મળ્યું ન હતું. શેઠજી બોલ્યા, ‘મહંતજી, તમે કેમ આમ કહો છો.હું દાન આપવા માંગું છું અને તમે ના પાડો છો. હજી વધુ ધન જોઈએ છે તો હું તે પણ આપવા તૈયાર છું.’

સંત બોલ્યા, ‘તમારા પૈસા દાન છે જ નહિ. હું સમાજ માટે પરબ ,કૂવા ,દવાખાના, શાળા,ધર્મશાળા વગેરે બનાવવા માંગું છું અને તમે તો પૂર્વજોનું કબ્રસ્તાન બનાવવા માંગો છો એટલે તમારું દાન સ્વીકાર્ય નથી.’ શેઠજી કંઈ સમજ્યા નહિ. તેમણે થોડા ઢીલા અવાજમાં કહ્યું, ‘મહંતજી, કેમ આમ કહો છો? હું તો મારા પૂર્વજોનું નામ જીવંત રાખવા માંગું છું તેમાં મારી શું ભૂલ છે?’ સંત બોલ્યા, ‘દાન આપવા સામે કોઈ શરત ન હોય, માત્ર સમાજસેવાની નિ:સ્વાર્થ ભાવના હોય.તમારા દાનમાં શરત છે…તમે દાન નહિ, દેખાડો કરો છો.

પૈસા આપીને તમારા પૂર્વજોના નામની તકતી ખરીદો છો, તમારા મનમાં બધા તમારી વાહ વાહ કરે અને તમારા પરિવારને યાદ રાખે તેવી લાલસા છે અને જે દાન નિ:સ્વાર્થ ભાવ સાથે ન આપવામાં આવે તો તે દાન નથી લેનારને સુખ આપતું ન આપનારને.સાચું કહેજો, આજ સુધી તમે અનેક વાર ધન આપ્યું હશે, જેને તમે ‘દાન’કહો છો પણ શું તમને તે આપ્યા બાદ આંતરિક સુખ અને શાંતિનો અનુભવ થયો છે?’ શેઠજીએ ના પાડી. તે પોતાની ભૂલ સમજી ગયા.તેઓ ધનની પોટલીઓ સંતના ચરણમાં મૂકી ચુપચાપ ચાલ્યા ગયા પણ રાત્રે શેઠને સાચે જ અત્યાર સુધી ન થયો હોય તેવો ખુશી અને આત્મશાંતિનો અનુભવ થયો અને દાન કરવાની સાચી રીત સમજાઈ ગઈ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top