એક યુવાન નામ શિખર, કોલેજ બાદ પોતાનું સ્ટાર્ટ અપ શરૂ કર્યું અને જોતજોતામાં ઘણો સફળ થઇ ગયો.ત્રણ વર્ષમાં તેની પાસે તેને જે વિચાર્યું હતું,જેનાં સપનાં જોયાં હતાં તે બધું જ ગાડી ,બંગલો ,ઓફીસ બધું જ આવી ગયું.તેનાં પરિવારજનો, મિત્રો ,પ્રોફેસર બધાં તેની સફળતાથી ખુશ હતાં. પણ જેમ બધા સાથે થાય છે તેવું જ શિખર સાથે થયું.સફળતાની રાઈ તેના મગજમાં ચઢી ગઈ,અભિમાન આવી ગયું.તે વિચારવા લાગ્યો કે હું એકદમ સ્માર્ટ અને હોશિયાર બિઝનેસમેન છું. મારા જેવું કોઈ નથી અને બધાને મારી સાથે બિઝનેસ કરવો છે. આ બધા વિચારોથી તેની વાણી અને વર્તન ઉદ્ધતાઈ અને અકળ ભરેલા થઈ ગયાં. શિખર હંમેશા પોતાની અકડમાં જ રહેતો.
હું જાતમહેનતે આટલો સફળ બન્યો છું એટલે તેનો આગ્રહ રહેતો કે ઘરમાં ,બિઝનેસમાં ,મિત્રવર્તુળમાં બધે જ તે અને માત્ર તે કહે તેમ જ થવું જોઈએ અને જો એમ ન થાય તો તે તરત ગુસ્સે થઇ જઈને કોઈનું પણ અપમાન કરી નાખતો. શિખરના આવા વર્તનથી મિત્રો દૂર થવા લાગ્યાં, પરિવારજનો પણ નાછૂટકે જ તેની સાથે વાત કરતા.તેની સાથે કામ કરતાં લોકો તેનાથી ડરતાં અને માત્ર ચિઠ્ઠીના ચાકર બની જેટલું કહેવામાં આવતું તેટલું જ કરતાં.બિઝનેસમાં શિખરની સાથે કામ કરતાં લોકો શિખર જે કહે તે કરતાં ,તેને કોઈ નવો વિચાર કહેતાં અચકાતાં, શિખરની કોઈ ભૂલ હોય તેમને દેખાય તો પણ કહેતા ડરતાં.
ઓફીસના આવા વાતાવરણ અને શિખરના અકડાઈભર્યા વર્તનની અસર ધીમે ધીમે બિઝનેસ પર પણ દેખાવા લાગી.માર્કેટમાં કોમ્પીટીશન તો વધતી જ જતી હતી,શિખરના તુમાખીભર્યા સ્વભાવને લીધે કસ્ટમર પણ દૂર ભાગતાં અને ધીમે ધીમે સાથે કામ કરવાવાળાં પણ નોકરી છોડી જવા લાગ્યાં.શિખરનો બિઝનેસ લગભગ અડધાથી પણ ઓછો થઈ ગયો.શિખર થોડો ચિંતામાં પડ્યો પણ પોતાની અકડાઈ છોડી શકતો ન હતો. રાત્રે શિખર જાગતો ગેલેરીમાં ઊભો હતો,શિખરના પપ્પા તેની પાસે આવ્યા અને બોલ્યા, ‘કેમ ઊંઘ નથી આવતી?’ શિખર કંઈ બોલ્યો નહિ.તેના પપ્પાએ કહ્યું, ‘બેટા, ગુસ્સે ન થાય તો એક વાત કહું.
તને ખબર છે કે મને પર્વતારોહણનો બહુ શોખ છે અને તારું નામ પણ શિખર એટલે જ પાડ્યું છે.તું પહેલાં મારી સાથે ટ્રેકિંગ પર આવ્યો જ છે. તને યાદ છે પહાડ ચઢવાનો એક નિયમ છે કે ઝૂકીને ચાલવું.જો તમે ઝૂકીને ચાલશો તો ઉપર શિખર સુધી પહોંચી શકશો.બેટા આ નિયમ જીવનમાં પણ લાગુ પડે છે.જીવનમાં સફળતાના શિખર પર પહોંચવું હશે અને ત્યાં રહેવું હશે તો તારે તારી અકડાઈ છોડવી પડશે.બધા સાથે નમ્રતાથી ઝૂકીને વર્તન કરવું પડશે.બધાને સન્માન આપવું પડશે તો તું જિંદગીમાં સફળતાના શિખરે પહોંચી શકીશ.’ શિખરે ચૂપચાપ કંઈ બોલ્યા વિના પપ્પાની વાત સાંભળી લીધી અને મનોમન પોતાની ભૂલ સુધારી લેવાનો નિર્ણય કર્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.