28 જાન્યુ.25નો કાર્તિકેય ભટ્ટનો લેખ જો કે વિદ્યાર્થીઓની આત્મહત્યા વિશે એક બહુ વિકરાળ સમસ્યા છે. કોઈ દિવસ ખાલી નથી જતો કે વર્તમાનપત્રમાં આત્મહત્યાના સમાચાર પ્રગટ થતા ન હોય. તેમાં વિદ્યાર્થીઓ સહિત સમાજના વિવિધ વર્ગનાં લોકો હોય છે. આત્મહત્યાને નિવારવા ઈસ્લામ શું કહે છે તે જણાવવા આ પત્ર લખ્યો છે. ઈસ્લામ કર્મના સિધ્ધાંતમાં નહીં, કિસ્મત (પ્રારબ્ધ)ના સિધ્ધાંતમાં માને છે. કસોટીના સિધ્ધાંતમા માને છે. અર્થાત્ માનવી પર જે મુસીબતો આવી પડે છે તે તેની કસોટી કરવાના લીધે આવે છે. જો મુસીબત આવી પડે છે તે તેની કસોટી કરવાના લીધે આવે છે. જો મુસીબત આવી પડે તો ઈશ્વરનો પાડ માનવો. મુસીબતમાં તૂટી નહીં જવું, નિરાશ નહીં થઈ જવું જોઈએ.
અને રાહતમાં છકી નહીં જવું, ઘમંડ નહીં કરવો જોઈએ. અંતિમ ઈશદ્ત હઝ. મુહમ્મદ સલ.એ એક બહુ સુંદર પ્રાર્થના બતાવી છે. આપ ફરમાવે છે : તમારામાંથી જેને કોઈ દુ:ખ પહોંચ્યું હોય તેના લીધે તેણે મોતની કામના હરગિઝ નહીં કરવી જોઈએ, જો તેને આમ કરવું અનિવાર્ય લાગતું જ હોય તો તેણે એમ કહેવું જોઈએ; ‘‘હે ઈશ્વર, તું મને ત્યાં સુધી જીવતો રાખ, જ્યાં સુધી મારી જિંદગીમાં ભલાઈ (ઈષ્ટ-શુભ-લાભ) હોય અને મને ત્યારે મોત આપ જ્યારે મોતમાં મારા માટે ભલાઈ હોય’’(બુખારી શરીફ : 5671) મને આશા છે કે આ પ્રાર્થનાથી કોઈ પણ માનવીને આત્મહત્યાથી રોકવા માટે સક્ષમ નીવડશે. અલ્લાહ-ઈશ્વર બધાને સદ્બુધ્ધિ આપે.
સુરત -અબરાર અહમદ રફઅત.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મફતની રેવડી નહિ, નોકરી આપો
હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ મફતની રેવડીની જાહેરાત કરી. હવે દિલ્હીની ચૂંટણીમાં મફત રેવડીની રાજકીય પક્ષોએ સ્પર્ધા શરૂ કરી દીધી છે. દિલ્હી દેશની રાજધાની છે એટલે બધા પક્ષો એટીકેટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ લોકોને મફત રેવડી નહિ, નોકરી જોઇએ છે. દેશનાં કરોડો શિક્ષિત યુવક-યુવતીઓ નોકરી માટે ભટકી રહ્યાં છે. કેન્દ્રના અને રાજ્યનાં વિવિધ ખાતાંઓમાં લાખો જગ્યાઓ ખાલી પડેલી છે. પરંતુ સરકારો ભરતી કરતી નથી. જે થોડી ઘણી ભરતી કરવામાં આવે છે, એ કોન્ટ્રાકટ સિસ્ટમમાં કરવામાં આવે છે. એમાં જે પગાર મળે છે, એમાં કુટુંબનું ભરણપોષણ પણ થતું નથી. કોન્ટ્રાકટ સિસ્ટમમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ થતો રહે છે. માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ બધી જગ્યાઓ નિયમિત ઉમેદવારો થકી ખૂબ જલ્દીથી ભરવાની તાતી જરૂર છે. સરકારે બાંગલા દેશમાં જે ઘટના બની છે એમાંથી બોધપાઠ લેવો જોઇએ.
નવસારી – દોલતરાય એમ. ટેલર.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.