Editorial

ટ્રમ્પનું ગેરકાયદે માઇગ્રન્ટ વિરોધી અભિયાન કેટલું સફળ રહેશે?

ચાર વર્ષના ગાળા પછી ફરી એકવાર અમેરિકાના પ્રમુખ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી વખતે જ  વચન આપ્યું હતું કે તેઓ જો પ્રમુખ બનશે તો અમેરિકામાં ગેરકાયદે રહેતા વિદેશી  વસાહતીઓને અમેરિકામાંથી કાઢી મૂકશે. અને પ્રમુખપદે બેસતાની સાથે તેમણે ઉગ્ર માઇગ્રન્ટ વિરોધી અભિયાન શરૂ કર્યું છે જેમાં પહેલા તબક્કામાં તો અમેરિકામાં ઠેર ઠેરથી ગુનાખોરીમાં  સંડોવાયેલા માઇગ્રન્ટોને શોધી શોધીને તેમની ધરપકડો કરવામાં આવી રહી છે અને તે પછીના તબક્કામાં જેઓ ગંભીર ગુનામાં સંડોવાયેલા ન હોય પરંતુ ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ્યા  હોય કે પછી કાયદેસર રીતે પ્રવેશીને પછી મુદ્દત પુરી થયા બાદ ગેરકાયદે રીતે રોકાઇ ગયા હોય તેવા ઇમિગ્રન્ટોને શોધીને તેમને હાંકી કાઢવાનું કામ શરૂ કરવામાં આવશે. અને નાના પાયે  આ કામ પર શરૂ થઇ જ ગયું છે.

ટ્રમ્પના આ અભિયાનની અસર આમ તો વિશ્વના ઘણા દેશોને વધતે ઓછે અંશે થઇ રહી છે કારણ કે ઘણા બધા દેશોમાંથી અમેરિકામાં લોકો ગેરકાયદે રીતે  પ્રવેશ્યા છે કે ગેરકાયદે રીતે રહી રહ્યા છે. જો કે ટ્રમ્પના આ અભિયાનની સૌથી વધુ અસર અમેરિકાના દક્ષિણી પાડોશી દેશ મેક્સિકો પર થઇ રહી છે કારણ કે મેક્સિકોના પોતાના તો ઘણા નાગરિકો અમેરિકામાં ગેરકાયદે વસે જ  છે પણ વિશ્વના અન્ય ઘણા દેશોના લોકો પણ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવા માટે મેક્સિકોનો રૂટ અપનાવે છે કારણ કે મેક્સિકો અમેરિકા સાથે એક લાંબી, ખુલ્લી જમીન સરહદ ધરાવે છે,  જ્યાંથી ઘણા પોઇન્ટ પરથી અમેરિકામાં પ્રવેશી શકાય છે.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે વસતા વિદેશી વસાહતીઓની સામૂહિક હકાલપટ્ટીઓ કરવાના પોતાના વચનનો  અમલ શરૂ કરી દીધો છે ત્યારે અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવી રહેલા આવા ઇમિગ્રન્ટોને હાલ આશરો આપવા માટે મેક્સિકોએ અમેરિકા સાથેની પોતાની સરહદ નજીક વિશાળ તંબુઓ  ઉભા કર્યા છે. ચિહુઆહુઆ સ્ટેટના એક અધિકારીએ જણાવ્યું હતું કે હકાલપટ્ટી થઇને આવતા મેક્સિકનોનું  પ્રમાણ વધતું  જશે અને શરૂઆતમાં તેમને આ તંબુઓમાં રખાશે. તેમણે જણાવ્્યું હતું કે અન્ય દેશોના હકાલપટ્ટી પામેલા લોકોને મેક્સિકો સિટીમાં મોકલી દેવાશે કે પછી દક્ષિણ  મેક્સિકોમાં મોકલાશે જેવું અગાઉ કરાયું હતું.

 એવી માહિતી મળે છે કે ટ્રમ્પે હોદ્દો સંભાળ્યો તેના પહેલા જ દિવસે એટલે કે મંગળવારે અમેરિકાના જુદા જુદા ભાગોમાંથી કુલ ૩૦૮ ગેરકાયદે વસાહતીઓની ધરપકડ કરવામાં આવી છે.  અમેરિકામાં બીજા દેશોમાંથી પ્રવેશીને ગેરકાયદે ઇમિગ્રન્ટ તરીકે રહેતા આ લોકોમાંથી મોટા ભાગનાઓ અપરાધીઓ છે જેમાંના કેટલાક સામે તો અપહરણ, બળાત્કાર, હત્યા જેવા ગંભીર  આરોપો છે.  શુક્રવારની માહિતી પ્રમાણે આ ધરપકડ કરાયેલા લોકોની  સંખ્યા પ૦૦ની આસપાસ પહોંચી ગઇ છે. બીજી બાજુ, પેન્ટાગોને જણાવ્યુ હતું કે તે આગામી દિવસોમાં અમેરિકાની દક્ષિણી સરહદની સુરક્ષિત કરવા માટે ૧૫૦૦ સૈનિકોને પણ ત્યાં તૈનાત  કરી રહ્યું છે.  આ સૈનિકો સ્થાનિક સુરક્ષા કર્મચારીઓની મદદ કરશે. અમેરિકી સંરક્ષણ મુખ્યાલય પેન્ટાગોન દેશના ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરીટીને ગેરકાયદે વસાહતીઓની હકાલપટ્ટી  માટે લશ્કરી વિમાન પણ પુરું પાડશે. આ ફક્ત શરૂઆત છે અને સૈનિકોની સંખ્યા બાદમાં બદલાઇ શકે છે એમ સંરક્ષણ સચિવ રોબર્ટ સાલેસીસે જણાવ્યું હતું. દાયકાઓમાં પ્રથમ વખત એવુ  બની રહ્યું છે કે અમેરિકી સૈનિકોને લડાઇને બદલે કોઇ બીજી ભૂમિકામાં મોકલાઇ રહ્યા હોય.

અમેરિકામાંથી ગેરકાયદે માઇગ્રન્ટોને કાઢી મૂકવાનું અભિયાન જોરશોરથી શરૂ તો કરી દેવામાં આવ્યું છે પરંતુ તેનું સાતત્ય કેટલું જળવાઇ રહેશે અને તે કેટલું સફળ રહે તે જોવાનું રહે છે. અમેરિકા પ્રત્યે ભારત સહિત વિશ્વના અનેક દેશોના લોકોને તીવ્ર આકર્ષણ છે અને લોકો અમેરિકામાં કાયદેસર નહીં તો ગેરકાયદેસર રીતે પણ પ્રવેશવા માગતા હોય છે અને ઘણા બધા લોકો અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશી જાય છે. અમેરિકાને મેક્સિકો અને કેનેડા જેવા દેશો સાથે વિશાળ જમીન સરહદ છે અને આ સરહદેથી અને દરિયાકાંઠાઓ પરથી ઘણા લોકો અમેરિકમાં ગેરકાયદે રીતે પ્રવેશતા હોય છે અને અમેરિકાના વિશાળ વિસ્તારમાં, અને અનેક શહેરોમાં ગમે ત્યાં વસીને ગેરકાયદે રીતે પ્રવેશીને વસતા હોય છે અને સ્થાનિક ધંધાઓને સસ્તા પગારના નોકરો મળી રહેતા હોવાથી તેઓ તેમને આશરો આપતા હોય છે. આવું લાંબા સમયથી ચાલી રહ્યું છે. અને આવા લોકોને શોધી કાઢવાનું પણ થોડુ મુશ્કેલ હોય છે. આથી ટ્રમ્પનું આ અભિયાન કેટલું સફળ રહે તે હવે જોવાનું રહે છે.

Most Popular

To Top