અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સત્તામાં વાપસી એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વના ઘણા ભાગોમાં ઉથલપાથલ ચાલી રહી છે. મધ્ય પૂર્વના ઘણા દેશો એકબીજાની સાથે લડી રહ્યા છે, જ્યારે યુક્રેન અને રશિયા લગભગ ત્રણ વર્ષથી એકબીજા પર હુમલા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પનો દરેક નિર્ણય અમેરિકાની વિદેશ નીતિને નવો વળાંક આપશે. ડોનાલ્ડ ટ્રમ્પના શપથ લીધા પછી તરત જ લીધેલા તેમના નિર્ણયોથી એ વાતની ખાતરી થઈ જશે કે કોણ તેમનો મિત્ર છે અને કોણ તેમનો દુશ્મન છે.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના શપથગ્રહણ સમારંભમાં ચીનના પ્રમુખ શી જિનપિંગને આમંત્રણ આપ્યું છે, પણ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ નથી આપ્યું તે માત્ર નરેન્દ્ર મોદીની જ નહીં પણ સમગ્ર ભારતની ચિંતા વધારનારું છે. નરેન્દ્ર મોદી વારંવાર ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ પોતાના દોસ્ત તરીકે કરતા હતા; પણ રાજકારણમાં કોઈ કાયમી શત્રુ હોતા નથી તેમ કાયમી મિત્ર પણ હોતા નથી. રાજકારણીઓનો મિત્ર તેમનો સ્વાર્થ જ હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારંભમાં મુકેશ અંબાણીને અને નીતા અંબાણીને આમંત્રણ મળ્યું છે, પણ ગૌતમ અદાણીને આમંત્રણ નથી મળ્યું તેનાં બે કારણો છે. એક તો તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીક છે અને બીજું અમેરિકામાં તેમના ઉપર ભ્રષ્ટાચારનો કેસ ચાલી રહ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક વિદેશ નીતિમાં અમેરિકન હિતોને પ્રાધાન્ય આપવામાં આવશે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. ટ્રમ્પ સત્તામાં આવતાં પહેલાં જ કેનેડામાં સત્તાપલટો કરાવવામાં સફળ થયા છે. હવે તેઓ કેનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવવામાં સફળ થાય છે કે કેમ તે જોવાનું રહે છે. તેઓ કેનેડાની જેમ ગ્રીનલેન્ડને પણ અમેરિકાનો હિસ્સો બનાવવા માગે છે, પણ તેમ કરતાં તેમણે નાટોના દેશો સાથે સંઘર્ષમાં ઊતરવું પડશે. ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળ દરમિયાન સૌથી વધુ પરિવર્તન અમેરિકાના યુરોપ અને નાટો સાથેના સંબંધોમાં જોવા મળશે. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના નાટોના સહયોગી દેશો પર વધુ આર્થિક બોજ ઉઠાવવા દબાણ કરશે, જેનાથી યુરોપ અને અમેરિકા વચ્ચેના સંબંધો નબળા પડી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ શાસન દરમિયાન રશિયા સાથેના સંબંધો સુધરવાની આશા છે.
ટ્રમ્પ રશિયા-યુક્રેનમાં યુદ્ધ ખતમ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને જલ્દી મળવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. આગામી કેટલાક સમય માટે અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધો સુધારવા પર જોર આપવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલાં અમેરિકા અને નાટોના સભ્ય દેશો વચ્ચેના મતભેદોને ખુલ્લી રીતે ઉજાગર કરશે. ચીન સાથેના સંબંધો સુધારવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને તેમના શપથ ગ્રહણ માટે વ્યક્તિગત રીતે આમંત્રણ મોકલ્યું હતું. જોકે શી જિનપિંગ શપથગ્રહણ સમારંભમાં જવાના નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સાથે નવી શરૂઆત કરવા માંગે છે. ચીને ભલે ઉપરાષ્ટ્રપતિને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા મોકલ્યા હોય, પરંતુ ચીન સાથેનો આ હનીમૂન પીરિયડ લાંબો સમય નહીં ચાલે તેવું લાગ્યા વિના રહેતું નથી. ચીન સાથેના વેપાર અને તાઈવાનના મુદ્દે જો ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ વધુ કડક બનશે તો તેનાથી એશિયામાં રાજદ્વારી સ્થિરતા સામે ખતરો ઉભો થશે. ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સાથે ક્યા પ્રકારે સંબંધો રાખે છે તેના આધાર પર અમેરિકાના ભારત સાથેના સંબંધો પણ નક્કી થશે.
ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ પહેલાં જ ઈઝરાયેલ-હમાસ કરારમાં ટ્રમ્પના આગમન પછી થનારા ફેરફારોની ઝલક જોવા મળી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે હમાસ સાથે કડક હાથે કામ લેવાની ધમકી આપી હતી, જેને કારણે હમાસને સમાધાન કરવાની ફરજ પડી હતી. તેવી જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે કડક વર્તન કરી શકે છે, પણ હમાસ અને ઇરાન વચ્ચે મોટો ફરક છે. જો અમેરિકા ઇરાનને છંછેડે તો રશિયા ઇરાનના ટેકામાં ઊભું રહે અને મોટું યુદ્ધ થઈ જાય તેમ છે. આ કારણે ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન સામે કોઈ પણ મોટું પગલું ભરતાં પહેલાં રશિયા સાથેના પોતાના સંબંધો મજબૂત બનાવે તેવી સંભાવના છે. આ માટે ટ્રમ્પ રશિયા વિરુદ્ધ યુક્રેનને મદદ આપવાનું બંધ કરી દે તો યુક્રેનનું યુદ્ધ ચપટી વગાડતાં પૂરું થઈ જશે.
આવનારા દિવસોમાં ટ્રમ્પ ખુલ્લેઆમ ઈઝરાયેલને સમર્થન કરતા જોવા મળશે. આ નીતિ મધ્ય પૂર્વમાં નવા વિવાદને જન્મ આપી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રની સકારાત્મક અસર ભારત અને અમેરિકાના સંબંધો પર જોવા મળશે, પરંતુ કેટલાક પડકારો પણ રહેશે. ચીનની વધતી શક્તિ સામે અમેરિકા ભારતને મજબૂત ભાગીદાર તરીકે જોઈ શકે છે. પાકિસ્તાનના આતંકવાદી નેટવર્ક સામે ટ્રમ્પનું વલણ પણ ભારતના પક્ષમાં રહેશે. ટ્રમ્પ શાસન દરમિયાન H1B વિઝા નિયમોને લઈને ભારત મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. ભારતીય પ્રોફેશનલ્સ માટે અમેરિકામાં નવી નોકરી મેળવવી મુશ્કેલ બની શકે છે. અમેરિકન ઉદ્યોગ પ્રત્યેની સંરક્ષણવાદી નીતિઓ વેપાર સંબંધોને પણ અસર કરી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં માનવાધિકારના રેકોર્ડ પર હજુ સુધી કંઈ ટીકાત્મક કહ્યું નથી. ભારતની મોદી સરકાર માટે આ સાનુકૂળ સ્થિતિ છે. કાશ્મીરમાં પુલવામા હુમલા વખતે પણ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના સ્વરક્ષણના અધિકારનું સમર્થન કર્યું હતું. જ્યારે બિડેન પ્રશાસન માનવ અધિકાર અને લોકશાહીના પ્રશ્ને ભારત વિરુદ્ધ વધુ અવાજ ઉઠાવી રહ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે વર્ષ ૨૦૨૧માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટકોર કરતાં કહ્યું હતું કે આપણે આપણા સંબંધિત દેશોમાં લોકતાંત્રિક સિદ્ધાંતો અને સંસ્થાઓનું રક્ષણ કરીએ તે મહત્ત્વનું છે.
ડેમોક્રેટિક પાર્ટીના શાસન દરમિયાન લોકશાહી અને માનવ અધિકારના મુદ્દાઓ પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. પાકિસ્તાન અંગે ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ શું હશે તેની સાથે ભારતનાં હિતો પણ જોડાયેલાં છે. જુલાઈ ૨૦૧૯માં પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન ઈમરાન ખાન અમેરિકાના પ્રવાસે હતા. અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં ઇમરાન ખાનનું સ્વાગત કરી રહ્યા હતા. સાથે જ ટ્રમ્પે કાશ્મીર પર મધ્યસ્થીની વાત કરી હતી. આ દાયકાઓ પછી બન્યું હતું જ્યારે એક અમેરિકન રાષ્ટ્રપતિએ કાશ્મીર પર મધ્યસ્થીની વાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે ભારતના વડા પ્રધાન મોદી પણ ઇચ્છે છે કે તેઓ કાશ્મીર પર મધ્યસ્થી કરે.
ભારતે ટ્રમ્પના દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને આવું કંઈ કહ્યું નથી. ભારતની સત્તાવાર નીતિ છે કે તે કાશ્મીર પર કોઈની મધ્યસ્થી સ્વીકારશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પે હંમેશા ક્લાઈમેટ ચેન્જની વાતને નકારી કાઢી છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકામાં હવામાનની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ભારે ઠંડીના કારણે ડોનાલ્ડ ટ્રમ્પને કેપિટોલ બિલ્ડીંગની અંદર તેમનો શપથ ગ્રહણ સમારોહ યોજવાની ફરજ પડી છે. કેલિફોર્નિયા વિસ્તારમાં લાગેલી ભીષણ આગ અને તેના કારણે થયેલી તબાહીએ ટ્રમ્પની સામે ક્લાઈમેટ ચેન્જનો મુદ્દો લાવી દીધો છે, પરંતુ ટ્રમ્પે પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટ સાથે અસંમતિ વ્યક્ત કરી છે. અમેરિકાની પીછેહઠ વૈશ્વિક ક્લાઈમેટ ચેન્જના પ્રયાસોને મોટો ફટકો આપશે.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને ફરીથી મહાન બનાવવા માગે છે, પણ તેનું સાધન લશ્કરી તાકાત ન હોઈ શકે પણ આર્થિક તાકાત જ હોઈ શકે. અમેરિકાની વર્તમાન આર્થિક તાકાતનો પાયો તેનો આર્થિક વિકાસ નથી પણ ડોલરની તાકાત છે. જો અમેરિકાનો ડોલર રિઝર્વ કરન્સી તરીકેનું સ્થાન ગુમાવી દેશે તો તેને ગબડતો કોઈ અટકાવી નહીં શકે. અને જો ડોલર ગગડ્યો તો અમેરિકાના આર્થિક સામ્રાજ્યનો અંત આવશે અને તે સાથે તેની લશ્કરી તાકાત પણ નબળી પડી જશે. જો અમેરિકા લશ્કરી રીતે નબળું પડી જશે તો ડોનાલ્ડ ટ્રમ્પ તેનું વિસર્જન કરવામાં નિમિત્ત બનશે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
