Comments

ચીનની અર્થવ્યવસ્થા વિષેની આગાહીઓમાં કેટલો દમ છે?

યુએસ પ્રમુખ જો બિડેને ચીનની અર્થવ્યવસ્થાને ‘ટિકીંગ ટાઇમ બોમ્બ’ ગણાવી છે. ચીનની અર્થવ્યવસ્થા ભલે અત્યારે અમેરિકા કરતાં વધુ ઝડપથી વધી રહી હોય, પણ ઘણા નિષ્ણાતો પણ ચીનની અર્થવ્યવસ્થા પર ઘેરાં વાદળો છવાયેલાં હોવાની વાત કરે છે. સામે એક દલીલ એવી છે કે ચીન ફરી એક વાર આવા દાવાઓને અવગણી વૃદ્ધિના માર્ગે આગળ વધશે. ચીન વિષે આશાવાદીઓમાં પણ એક વ્યાપક સંમતિ છે કે ચીનમાં ડબલ-ડિજિટ અથવા ઊંચા આંકમાં વૃદ્ધિનો યુગ સમાપ્ત થઈ ગયો છે.

વિશ્વ બેંકના ભૂતપૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી જસ્ટિન યિફુ લિન, જેઓ હવે પેકિંગ યુનિવર્સિટીના ડીન છે, તેઓ આશાવાદ વ્યક્ત કરતાં કહે છે કે ચીન વાર્ષિક ૮ ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે. ભૂતપૂર્વ ચાઇનીઝ પ્રીમિયર લી કેકિઆંગે ૨૦૨૩ માટે લગભગ પાંચ ટકા વૃદ્ધિનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જે પ્રમાણમાં ખૂબ નીચો કહી શકાય કેમ કે બેઝ વર્ષ ૨૦૨૨ ઝીરો કોવિડ નીતિને લઈને ચીનની અર્થવ્યવસ્થા માટે ખૂબ ખરાબ રહ્યું છે.

એટલે ચાલુ વર્ષની મંદી આંકડાકીય જાળમાં ઢંકાઈ જવાની શકયતા છે. પ્રશ્ન એ છે કે શું ચીનનો વિકાસ ધીરે ધીરે ધીમો પડશે કે પછી અચાનક એમાં ઘટાડો થશે? ઉલ્લેખનીય છે કે અમેરિકા જેવા સમૃદ્ધ દેશોનો વિકાસ દર બે થી ત્રણ ટકા છે. નિષ્ણાતો માને છે કે માળખાકીય સમસ્યાઓને કારણે ‘ચીન મોડેલ’ ધસી રહ્યું છે. ચીનની વસતી વૃદ્ધ થઈ રહી છે, કર્મચારીઓ ઘટી રહ્યા છે, દેવું વધી રહ્યું છે, રિયલ એસ્ટેટ માર્કેટ ધરાશયી થઈ ગયું છે. હાઇ-સ્પીડ રેલ, પુલ, સબ વે જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણોનું વળતર ખૂબ ઓછું છે.

ચીનના સૌથી મોટા વેપારી ગ્રાહકો – અમેરિકા અને યુરોપ સાથેના તેના સંબંધો વણસી રહ્યા છે. ઉપરાંત કોવિડ કટોકટીને ચીની સરકારે જે રીતે હેન્ડલ કરી તે જોઈએ ઘરઆંગણાના ગ્રાહકો ડરીને ખર્ચ ઘટાડી રહ્યા છે. લગભગ ત્રણ વર્ષ સુધી ઝીરો કોવિડ નીતિ બાદ ચીને વસતીના એક મોટા ભાગને રસી આપ્યા વિના ડિસેમ્બર ૨૦૨૨માં અચાનક પ્રતિબંધો હટાવ્યા. ફ્રેડ હચિન્સન કેન્સર રિસર્ચ સેન્ટરના સંશોધકોના અંદાજ મુજબ લોકડાઉન પછીના પ્રથમ બે મહિનામાં લગભગ વીસ લાખ લોકો મૃત્યુ પામ્યાં હશે.

ચીનની આર્થિક સમસ્યાઓ વચ્ચે ચીનનો આર્થિક ઉદય કેટલો નોંધપાત્ર રહ્યો છે તે જાણવા જેવું છે. ૧૯૮૦માં, જ્યારે ચીન પ્રથમ વખત માર્કેટ રીફોર્મનો પ્રયોગ કરી રહ્યું હતું, ત્યારે તેની અર્થવ્યવસ્થા અમેરિકા કરતાં ૧૧ ટકા હતી. ૧૯૯૭-૯૮માં એશિયન નાણાંકીય કટોકટી અને ૨૦૦૮-૦૯માં વૈશ્વિક નાણાંકીય કટોકટીનો સામનો કરવા છતાં, IMFના અંદાજ મુજબ, આજે તે ૭૧ ટકા જેટલી મોટી છે. લાખો ચાઇનીઝો ગરીબીની રેખાથી ઉપર ઊઠ્યા છે અને દેશ ટેક્નોલોજી લીડર બની ગયો છે.

ભારત સરકારના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને જણાવ્યું હતું કે, ચીનની વર્તમાન સમસ્યાઓ હોવા છતાં, આપણે એ ન ભૂલવું જોઈએ કે ચીને જે સિદ્ધ કર્યું છે તે માનવજાતે ક્યારેય ન જોયેલો મોટો આર્થિક ચમત્કાર છે. ૨૦૧૧માં, તેમણે એક પુસ્તક પ્રકાશિત કર્યું જેમાં આગાહી કરવામાં આવી હતી કે ચીનની અર્થવ્યવસ્થા ૨૦૩૦ની આસપાસ અમેરિકાને પાછળ છોડી દેશે.

ચીનની વર્તમાન સમસ્યાઓ છતાં તેઓ આજે પણ એ આગાહીને વળગી રહ્યા છે. તેઓ હજુ પણ અપેક્ષા રાખે છે કે બાકીના દાયકામાં ચીન યુએસ કરતાં વધુ ઝડપથી વિકાસ કરશે. ચીની અર્થવ્યવસ્થા વિષે આશાવાદીઓ એવી દલીલ કરી રહ્યા છે કે ચીન હમણાં જ ઝીરો કોવિડ નીતિમાંથી બહાર આવ્યું છે. આ ગાળામાં લોકોની આવક ઘટી ગઈ હતી અથવા બંધ થઈ ગઈ હતી ત્યારે આવી મંદી સ્વાભાવિક છે. થોડો સમય જતાં ધીમે ધીમે ગાડી પાટે ચડતાં ફરી અર્થવ્યવસ્થા ગતિ પકડશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top