Business

ખોરાક વારંવાર ગરમ કરવો કેટલું હિતાવહ?

વાસી ખોરાકથી થતાં ગેરફાયદા વિશે આપણે જાણ્યું. હવે આ અંકે આપણે એ સમજીએ કે વારંવાર ગરમ કરવાથી ખોરાકમાં રહેલાં પોષક તત્ત્વોને શી અસર થાય છે અને તે સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી હોઈ શકે?

આજકાલ સમય મળે ત્યારે ખૂબ બધું રાંધીને ફ્રીજમાં મૂકી દેવાની અને જરૂર પડે ત્યારે ફરી ગરમ કરી ખાઈ લેવાની વ્યવસ્થા અમલમાં આવી છે. આ માટે ઘરની સ્ત્રીઓ કામે જતાં થતો સમયનો અભાવ કારણભૂત હોઈ શકે કે પછી વાસી અને વારંવાર ગરમ કરવાથી ખોરાકનાં પોષક તત્ત્વોના પ્રમાણને થતું નુકસાન વિશેનું અજ્ઞાન કારણભૂત હોઈ શકે. વળી ખૂબ ગરમ ખોરાક ખાવાનો આગ્રહ પણ એક કારણ હોઈ શકે જેથી ક્યારની બનાવીને રાખેલ રસોઈ જમતી વખતે ફરી ગરમ કરીને જ પીરસવી એ ઘરની પ્રણાલી હોઈ શકે.

ખૂબ ગરમ ખોરાક ખાવા ટેવાયેલાં લોકોને સામાન્ય તાપમાનવાળો ખોરાક પણ ભાવતો નથી અને ઘરની સ્ત્રીઓને પણ આદત પડી હોય છે વારંવાર ગરમ કરી – કરીને ખોરાક પીરસવાની પણ આ વારંવાર ગરમ કરવાની આદતથી કેટલીક વખત આપણે પોષક તત્ત્વો ગુમાવવાની સાથોસાથ કેટલાક હાનિકારક તત્ત્વો પણ ખોરાકમાં ભેળવતા હોઈએ છીએ.  તો આવો આ અંકે સમજીએ કે રાંધેલો ખોરાક વારંવાર ગરમ કરવાના શું ગેરફાયદા છે?  કયા કયા ખાદ્યપદાર્થો બિલકુલ બીજી વાર ગરમ ન કરવા જોઈએ અને જો ગરમ ન કરવા હોય તો અન્ય શું ઓપ્શન હોઈ શકે?

નીચે જણાવેલા ખાદ્યપદાર્થો બિલકુલ ફરી વાર ગરમ કરવા ન જોઈએ

ભાત
ભાત એ કદાચ સૌથી વધુ ફરી ગરમ કરવામાં આવતો ખાદ્યપદાર્થ છે. ચોખામાં  આંતરડાં માટે ઉપયોગી એવાં કેટલાંક જીવાણુઓ રહેલાં છે જેને આપણે ‘સ્પોર્સ’ તરીકે ઓળખીએ છીએ. રાંધેલા ભાત લાંબો સમય સુધી રૂમના તાપમાને રહેતા આ સ્પોર્સનું બેક્ટેરિયામાં રૂપાંતરણ થાય છે અને જો આ ભાતને ફરી ગરમ કરવામાં આવે તો આ બેક્ટેરિયા ‘હાનિકારક બેક્ટેરિયા’માં રૂપાંતરણ પામી ડાયેરિયા થવા માટે જવાબદાર બની શકે. રાંધેલા ભાત બચ્યા હોય તો થોડું પાણી લઈ તેમાં ઉકાળી લેવા જેથી નુકસાનકારક બેક્ટેરિયાનું ઉત્પાદન ઓછું થઈ શકે.

તળેલા તેલમાં ફરી તળવું
તેલને ઊંચા તાપમાને તળવાથી તેના રાસાયણિક બંધ નુકસાન પામે છે અને તે નુકસાનકારક ધુમાડા ઉત્પન્ન કરે છે. આ હાનિકારક  તેલમાં ફરી વાર અન્ય વસ્તુ તળવાથી ખોરાકમાં ઝેરી રસાયણો ભળે છે જે શરીરમાં કોલેસ્ટેરોલ જેવી ચરબીના પ્રમાણમાં વધારો કરી હૃદયરોગ માટે કારણભૂત થઈ શકે. બને ત્યાં સુધી ઓછું તેલ લેવું, ધીમા તાપે તળવું અને શક્ય હોય તો એક વાર તળ્યા બાદ એ તેલનો નિકાલ કરી દેવો.

બટાકા 
બટાકામાં પુષ્કળ પ્રમાણમાં સ્ટાર્ચ રહેલ છે. આ સ્ટાર્ચ ગરમ થતાં ‘બોત્યુલીઝમ’ નામના બેક્ટેરિયાનું ઉત્પાદન કરે છે જે ફૂડ પોઇઝનીંગ માટે કારણભૂત હોઈ શકે. ફરીથી ગરમ કરવાને બદલે બટાકાની વાનગીઓને ફ્રીજની બહાર થોડો સમય રાખી, ઠંડક ઊડી જાય પછી ફરી આરોગી શકાય.

પાલકની ભાજીની વાનગીઓ
 પાલકની વાનગીઓ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ભરપૂર આયર્ન અને કેલ્શિયમ ધરાવતી પાલકની ભાજી જો ફરી વાર ગરમ કરવામાં આવે તો ભાજીમાં રહેલા નાઇટ્રેટનું નાઈટ્રાઈટમાં રૂપાંતરણ થાય છે જે ઝેરી હોવાનું માનવામાં આવે છે અને કેન્સર થવા માટેનું કારણભૂત પરિબળ પણ હોઈ શકે.

ઈંડાં
 અન્ય પ્રોટિન ખોરાકની માફક ઈંડાં પણ ફરી ગરમ કરવાથી તેની પ્રોટિનની ગુણવત્તા બગડે છે જે સ્વાસ્થ્ય માટે જોખમી થઈ શકે છે. ઈંડાંની વાનગી સ્ટોર કરી ફરી ખાવાથી પણ પેટ બગડવાની શક્યતા રહેલી છે.

દાળ
આપણી માન્યતા એવી છે કે દાળ ખૂબ ઉકળવાથી તેનો સ્વાદ વધુ આવે છે જે કેટલાક અંશે સાચી પણ છે પરંતુ એક વાર રંધાઈ ગયેલી દાળને વારંવાર ઉકાળવાથી તેમાં રહેલા પ્રોટિનની ગુણવત્તા બગડે છે અને આપણા શરીરને જરૂરી એવા એમિનો એસિડ પૂરતી માત્રામાં મળી રહેતા નથી. દાળને શક્ય હોય ત્યાં સુધી જમવાના ખૂબ સમય પહેલાંથી રાંધીને ન રાખો.

દૂધ 
દાળની જેમ જ વારંવાર ગરમ કરવાથી દૂધ તેની પ્રોટિન ગુણવત્તા ગુમાવે છે. કોથળીમાં મળતું દૂધ પેશ્ચ્યુરાઈઝ થયેલું હોય છે.  પેશ્ચ્યુરાઈઝડ દૂધ એક વાર ગરમ થઇ જ ચૂક્યું હોય છે. એને ફરી ગરમ કરવાની જરૂર રહેતી નથી.  જરૂરિયાત જેટલું દૂધ લઇ બાકીનું દૂધ ગરમ કર્યા વગર ફ્રીઝમાં રાખી શકાય જેથી તેનો પ્રોટિનની ગુણવત્તા બગડતી અટકાવી શકાય.

Most Popular

To Top