અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયેલની મદદથી ગાઝા પટ્ટી પર કબજો જમાવીને ત્યાં ફ્રેન્ચ પદ્ધતિનું રિવિયેરા બનાવવાનાં સપનાં જોઈ રહ્યા છે, પણ આરબ દેશોના નેતાઓ યુદ્ધના વિનાશ પછી ગાઝાના પુનઃનિર્માણ માટે કોઈ અલગ જ પ્રકારની યોજના ઘડી રહ્યા છે. ઇજિપ્ત દ્વારા ઘડવામાં આવેલી આ યોજના બાબતમાં ચર્ચા કરવા માટે આરબ લીગના નેતાઓ ૪ માર્ચે ઇજિપ્તની રાજધાની કૈરોમાં મળ્યા હતા. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ કહ્યું કે તેમની યોજનાને આરબ લીગ દ્વારા સ્વીકારવામાં આવી છે.
ઇજિપ્ત દ્વારા તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટ દસ્તાવેજ મુજબ પાંચ વર્ષીય યોજના રજૂ કરવામાં આવી છે, જેમાં ૫૩ અબજ ડોલરનો ખર્ચ કરવાની માંગણી કરવામાં આવી છે. આ યોજના હેઠળ બધાં પેલેસ્ટિનિયનો તેમની જમીન પર જ રહેશે. આ સમિટમાં ભાગ લેવા માટે જોર્ડનના રાજા અબ્દુલ્લા બીજા, બહેરીનના રાજા હમાદ બિન ઇસા અલ ખલીફા, કતારના અમીર શેખ તમિમ બિન હમાદ અલ થાની, કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ ખાલિદ અલ-હમાદ અલ-સબાહ, સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અને યુએઈના ઉપરાષ્ટ્રપતિ શેખ મન્સૂર બિન ઝાયેદ અલ નાહ્યાન પહોંચ્યા હતા. આ ઉપરાંત લેબનોન, સીરિયા, ઇરાક, સુદાન અને લિબિયાના રાષ્ટ્રપતિઓ પણ આવ્યા હતા.
આ સમિટમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની ગેરહાજરીને કારણે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ અને યુએઈના રાષ્ટ્રપતિની આ સમિટમાં હાજરી ન આપવી એ દર્શાવે છે કે તેઓ બંને પેલેસ્ટિનિયનો પ્રત્યે કેટલા ગંભીર છે. રાજનીતિના જાણકારો કહે છે કે સાઉદી અરેબિયા અને યુએઈ અમેરિકાની કઠપૂતળીઓ છે. પેલેસ્ટિનિયનો અંગે આપણે તેમની પાસેથી કંઈ અપેક્ષા રાખી શકીએ નહીં. ગાઝા પટ્ટી માટે એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પની યોજના છે અને બીજી તરફ ઇજિપ્તે પણ પોતાની યોજના રજૂ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઇજિપ્તને પેલેસ્ટિનિયનોને ત્યાં વસાવવા માટે કહી રહ્યા હતા. જો આરબ દેશો દ્વારા તૈયાર કરવામાં આવેલી દરખાસ્તને અમલમાં મૂકવી હોય તો અમેરિકાની સંમતિ લેવી પડશે.
આ બેઠકમાં ૧૧૨ પાનાનો ડ્રાફ્ટ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો છે. ડ્રાફ્ટ દસ્તાવેજ મુજબ પંચવર્ષીય યોજનાના પ્રથમ છ મહિનામાં કાટમાળ સાફ કરવામાં આવશે અને કામચલાઉ મકાનો બનાવવામાં આવશે. તેનો ખર્ચ લગભગ ત્રણ અબજ ડોલર થશે. આ પછી આગામી બે વર્ષમાં બે લાખ ઘરો બનાવવામાં આવશે. બીજા તબક્કામાં બે લાખ વધુ ઘરો બનાવવામાં આવશે. ૨૦૩૦ સુધીમાં લાખો નવાં ઘરો તૈયાર થઈ જશે, જેમાં લગભગ ૩૦ લાખ લોકો રહેશે. આ ઉપરાંત અહીં એરપોર્ટ, ઔદ્યોગિક ક્ષેત્ર, હોટેલ અને પાર્ક પણ હશે.
ઇજિપ્તના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ગાઝાનું સંચાલન એક સ્વતંત્ર પેલેસ્ટિનિયન સંસ્થા સંભાળશે. ઇજિપ્તની આ યોજનાને યુરોપિયન યુનિયન અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. કૈરોમાં આરબ લીગની આ બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે હું આરબ દેશોની આ યોજનાને મજબૂત સમર્થન આપું છું. યુનો આ યોજનાને અમલમાં મૂકવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. દરમિયાન, યુરોપિયન યુનિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ આ યોજનાનું સ્વાગત કર્યું અને કહ્યું કે ઇજિપ્તની યોજનાથી પેલેસ્ટિનિયનોમાં આશાઓ જાગી છે. તેમણે કહ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં પેલેસ્ટિનિયનોએ ઘણું સહન કર્યું છે, જેનો હવે અંત આવી શકે છે.
ઇજિપ્તે ૫૩ અબજ ડોલરની યોજના રજૂ કરી છે, પરંતુ તે પોતાની રીતે કેટલી રકમ ચૂકવી શકે તેવી સ્થિતિમાં છે? સાઉદી અને યુએઈ વિના આ શક્ય નથી. આ બે આરબ દેશો છે, જેમની પાસે આરબ લીગમાં પૈસા છે. નથી લાગતું કે આ બંને દેશો ઇઝરાયલ અને અમેરિકા વિરુદ્ધ જવાની કોઈ યોજના સાથે આવશે. આરબ લીગ ઘણા દાયકાઓથી ગાઝા પટ્ટીનો વિકાસ કરવાની વાત બોલતી રહી છે. ઇજિપ્ત, જોર્ડન, લેબનોન, સીરિયા, સુદાન પાસે કેટલા પૈસા છે? કતાર અને કુવૈતમાં પણ ઇઝરાયલ અને અમેરિકા સામે જવાની હિંમત નથી. જો પેલેસ્ટિનિયનો અંગે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવનો અમલ ન થઈ શકે, તો આરબ લીગના ઠરાવનો અમલ કોણ કરશે?
ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સિસીએ કહ્યું કે પેલેસ્ટાઇનને સાર્વભૌમ દેશ બનાવ્યા વિના શાંતિ શક્ય નથી. આરબ લીગની બેઠકની શરૂઆતમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિએ કહ્યું કે શાંતિ બળથી આવી શકતી નથી અને તમે લોકો પર બળનો ઉપયોગ કરી શકતા નથી. તે જ સમયે, ઇઝરાયલના વિદેશ મંત્રાલયે કૈરોમાં આરબ લીગની બેઠકને નિષ્ફળ ગણાવી અને કહ્યું કે ગાઝાની વાસ્તવિકતા પર ચર્ચા કરવામાં આવી નથી. યુએઈ અને ઇજિપ્તમાં ભારતના રાજદૂત રહેલા નવદીપ સિંહ સુરી કહે છે કે જ્યાં સુધી અમેરિકા તરફી હોવાની વાત છે, તો આખી આરબ લીગ આવી જ છે. એ વાત સાચી છે કે સાઉદી અરેબિયા અને યુએઈ અમેરિકા તરફી છે, પણ શું ઇજિપ્ત, જોર્ડન, લેબનોન, કતાર અને કુવૈત અમેરિકા તરફી નથી? એ વાત બિલકુલ સાચી છે કે ઇઝરાયલ અને અમેરિકાની સંમતિ વિના તેનો અમલ કરવો મુશ્કેલ છે. ઇઝરાયલ હજુ પણ ગાઝા પર નિયંત્રણ ધરાવે છે.
ઇજિપ્તના રાષ્ટ્રપતિએ બેઠક પછી X પર એક પોસ્ટમાં કહ્યું કે મને ખુશી છે કે ગાઝાના પુનર્નિર્માણ પર આરબ દેશો વચ્ચે એક કરાર થયો છે. આ યોજનાને સફળ બનાવવા માટે, આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી કોઈ પણ દરખાસ્ત અથવા વિચારનું સ્વાગત છે. અમને અમારા આરબ ભાઈઓ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી સમર્થનની અપેક્ષા છે. યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા બ્રાયન હ્યુજીસે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે ગાઝા હમાસના નિયંત્રણમાં રહી શકે નહીં.
એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી હમાસ ગાઝામાં રહેશે ત્યાં સુધી ઇઝરાયલ યુદ્ધ બંધ નહીં કરે. આવી સ્થિતિમાં, આરબ દેશો માટે ઇજિપ્તની યોજનાને અમલમાં મૂકવી ખરેખર મુશ્કેલ કાર્ય છે. ગલ્ફ દેશ યુએઈ ગાઝાના પુનર્નિર્માણ માટે ભંડોળ આપવા માંગતો નથી. તે જ સમયે, ઇજિપ્ત માટે ગાઝામાંથી હમાસને ખતમ કરવાનું સમર્થન કરવું સરળ નથી. ગાઝામાં હમાસની હાજરી અંગે આરબ દેશો એકબીજામાં વિભાજિત થઈ શકે છે. નવદીપ સુરી કહે છે કે પુનર્નિર્માણ પ્રસ્તાવ ત્યારે જ શક્ય બનશે જ્યારે હમાસ અંગે આરબ દેશો વચ્ચે સર્વસંમતિ હશે. પ્રોફેસર પાશા કહે છે કે ટ્રમ્પે અમેરિકાને ગાઝા પર નિયંત્રણ મેળવવા કહ્યું હતું અને આરબ દેશોની એકતા આની વિરુદ્ધ છે.
સાઉદી અરેબિયા અને કતાર ઇજિપ્તની યોજના સાથે છે, પરંતુ યુદ્ધ પછી ગાઝામાં બાકીના પેલેસ્ટિનિયનોની જેમ હમાસને રાજકીય ભૂમિકા મળે તે તરફેણમાં છે. બંને ઇચ્છે છે કે હમાસ હથિયાર છોડી દે પણ રાજકીય ભૂમિકામાંથી દૂર ન થાય. યુએઈ ઇચ્છે છે કે હમાસ ગાઝામાંથી સંપૂર્ણપણે બહાર થઈ જાય. અમેરિકાએ હમાસને આતંકવાદી જૂથોની યાદીમાં મૂક્યું છે. યુએઈ પણ ગાઝાની સુરક્ષા માટે આરબ દેશોમાંથી સૈનિકો મોકલવાનો વિરોધ કરી રહ્યું છે. ઇજિપ્ત ઇચ્છે છે કે હમાસ અને અન્ય પેલેસ્ટિનિયન જૂથો મિસાઇલો અને રોકેટ સોંપી દે કારણ કે તેનો ઉપયોગ ઇઝરાયલ પર હુમલો કરવા માટે થઈ શકે છે. હમાસના વરિષ્ઠ વાટાઘાટકાર ખલીલ અલ-હયાએ આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
યુએઈ ગાઝાના પુનર્નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે પરંતુ જ્યાં સુધી હમાસ ત્યાં છે ત્યાં સુધી તે આમ કરશે નહીં. પ્રોફેસર પાશા કહે છે કે પેલેસ્ટિનિયનોને લઈને આરબ દેશોમાં ઘણા મતભેદો છે. જ્યારે પેલેસ્ટિનિયન પ્રદેશના રાષ્ટ્રપતિ બોલવા આવ્યા, ત્યારે તેમણે કહ્યું કે તેમની પાસે દસ મિનિટથી વધુ સમય નથી કારણ કે તેમને બીજે ક્યાંક જવું પડશે. આ બતાવે છે કે આરબ નેતાઓ પેલેસ્ટિનિયનો પ્રત્યે કેટલા ગંભીર છે. આમાં ઇઝરાયલ, ભારત, અમેરિકા અને યુએઈનો સમાવેશ થાય છે. ગાઝા પટ્ટીનો વિકાસ આરબ દેશો કરવા માગતા હોય તો સૌથી મોટી સમસ્યા ભંડોળની છે. સાઉદી અરેબિયા પણ એ જ વહાબી ઇસ્લામિક દેશ નથી જે ઇસ્લામના નામે પૈસા આપે. સાઉદીએ આ બધું ઘણા સમય પહેલાં બંધ કરી દીધું છે. આવી સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે વિકાસ માટેનું ભંડોળ ક્યાંથી આવશે?
