Charchapatra

આદિવાસી નેતાની છબીમાં કેટલું વજન?

ભારત આઝાદ થયો અને ગામડાનો છેવાડાનો વ્યક્તિ સરકારના લાભથી અળગો રહી ન જાય તે માટે ત્રિ-સ્તરીય પંચાયતી રાજ અમલમાં આવ્યું. આજે ૭૭ વર્ષ ઉપર થવા છતાં ઘણાં ગામડાંમાં વીજળી નથી. આરોગ્ય સુવિધાઓ નથી. આદિવાસી નેતાઓ હંમેશા પક્ષ પાર્ટીમાં ચૂંટાઈ જાય પછી સામે પક્ષ સાથે આક્ષેપબાજી સિવાય કશું કરતાં નથી. રાજકીય પાવર એવો હોવો જોઈએ કે જ્યાં ઊભા છે ત્યાંથી વાત રજૂ કરતી વખતે આઘાપાછા થવા ન જોઈએ. પણ આદિવાસી નેતાઓનો આવો અવાજ જોવા મળ્યો નથી.

શું ગુજરાતમાં સારા નિર્ણય લઈ શકે તેવા આદિવાસી નેતાઓ નહિ? જે પદ ભોગવી ગયા તે પોતાનું આર્થિક ઉપાર્જન કરીને સત્તાનો દુરુપયોગ કર્યો છે. ગામડાનાં લોકોનો અવાજ તો ત્યાંનો ત્યાં જ છે. જોહારના નામે જાહોજલાલી ક્યાં સુધી? આદિવાસી દિન તરીકે ઉજવણી કરવા માટે જે ઉઘરાણી કરવામાં આવે છે તે મોજશોખ માટે છે? નાણાંનો યોગ્ય વપરાશ થયો તેવો અહેસાસ થાય છે. આદિવાસી વિસ્તારમાં ફાળો એક પ્રથા બનીને આગેવાનો પૂરતો જ રહી ન જાય તે જોવાનું કામ સર્વ આદિવાસી ભાઈ બહેનોનું છે. આજે આદિવાસીના નામે ઘણાં સંગઠન બનવા જઈ રહ્યાં છે. તેનાથી એક અવાજ બનશે કે તૂટશે?
તાપી    – હરીશ ચૌધરી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top