અમેરિકાની આ વાત છે. એક નાનકડો છોકરો ફૂટપાથ પર રમતો હતો અને રમતાં રમતાં તેને સેન્ટનો એક સિક્કો મળ્યો. એક ડોલરના સો સેન્ટ થાય. મફતમાં એક સેન્ટ મળી ગયો એટલે તે ખૂબ ખુશ ખુશ થઈ ગયો. મહેનત કર્યા વિનાનો મળેલો એક સેન્ટ તેને બહુ વ્હાલો લાગ્યો. હવે તેના મનમાં એક લાલસા જાગી ગઈ. તેને એક ટેવ પડી ગઈ. તે જ્યાં જતો, જ્યારે બહાર નીકળતો ત્યારે બસ રસ્તામાં નીચે પડેલા સિક્કાઓને શોધ્યા કરતો.
આ સિક્કાઓની શોધમાં કે સતત નીચું જોઈને ચાલ્યા કરતો. તેની નજર પર કોઈ સિક્કો પડ્યો છે કે નહિ તે જ શોધતી હતી અને આ શોધમાં તેને ઘણા સિક્કા મળ્યા અને મોટા થયા બાદ પણ તેની આ ટેવ ચાલુ જ રહી. આખી જિંદગી દરમિયાન એક સેન્ટનો સિક્કો નહીં તેણે ઘણા એક સેન્ટના સિક્કા, પાંચ સેન્ટના, 10 સેંટના, 50 સેન્ટના સિક્કા મેળવ્યા. ક્યારેક તો ડોલરની નોટો પણ મળી. આટલા પૈસા તેને કંઈ પણ મહેનત કર્યા વિના મળ્યા. સામે ગુમાવ્યું શું?
આ પ્રશ્ન સાચે જ ઊંડાણમાં વિચારીને પૂછવા જેવો છે. વગર મહેનતના પૈસા ભેગા કરવાની લાલસામાં માત્ર નીચું જોઈને જ પડેલા પૈસા ગોતવાની ટેવમાં જ તેનું ચિત્ત રહેતું હતું એથી તેણે આજુબાજુ કશું જ ક્યારેય કંઈ જ જોયું નહીં. તેને છ વર્ષનો હતો ત્યારે પહેલો સિક્કો મળ્યો હોય અને આજે તે 18 વર્ષનો થયો તો આટલા વર્ષના ગાળામાં તેણે બધા જ સુંદર સૂર્યોદય,રંગીન સૂર્યાસ્ત, સરસ મજાનાં મેઘધનુષો વસંતમાં ખીલતાં પુષ્પો પાનસરના રંગ બદલતાં પાંદડાઓ એ બધું જ તેણે ક્યારેય જોયું નહીં.
આ બધો જ આનંદ ગુમાવ્યો. ભૂરા આકાશ, તેમાં ફરતાં વાદળાં, તેમાં ઊડતાં પંખીઓ એ તરફ ધ્યાન ક્યારેય ગયું જ નહીં. રસ્તા પર પસાર થતાં અસંખ્ય લોકોનું સ્મિત પણ તેણે ક્યારેય જોયું હોય એવું તેને યાદ જ નથી. રસ્તા પરથી કોઈ સિક્કો મળે એ આશામાં છોકરાએ કુદરત અને જીવનની નાની નાની ખુશીઓ સાથેનો નાતો તો ક્યારેય બાંધ્યો જ નહીં. સિક્કો મળવા જેવી નાનકડી બાબતો સામે તેણે કેટલી બધી ખુશીઓ ગુમાવી.
આ એક નાનકડી વિચિત્ર ટેવની વાત પણ જીવન સાથે એને સાંધીએ તો સિક્કો મેળવવા જેવી ક્ષુલ્લક બાબતોની જેમ આપણે પણ ટીકાઓનો ડર, અણગમતું બન્યાનું દુ:ખ, જે વસ્તુ ક્યારેય કદી કદાચ બનવાની જ નથી તેવા ખોટા ભય નીચે જીવીએ છીએ. સાવ નગણ્ય બાબતો પર આપણે એટલું બધું ધ્યાન આપી દઈએ છીએ, ખોટી વાતો માટે મનને દુઃખી કરી લઈએ છીએ અને તે જ વિચારોમાં રહીને નીચે જોઈને ઊંધું ઘાલીને પૈસા પાછળ દોડવામાં જ આપણે જીવન પૂરું કરી નાખીએ છીએ અને ઊંચે જોતાં જ નથી. આજુબાજુ વિખરાયેલો વેરાયેલો કુદરતી આનંદ આપણે માણી શકતાં નથી. ખોટી ખોટી નાની નાની વાતોથી આપણે મનને એટલું દુઃખી કરીએ છીએ કે પછી ઈર્ષ્યા, નિંદા, લોભ, લાલચમાં એટલાં બધાં વ્યસ્ત રહીએ છીએ કે આપણે જીવનનો સાચો આનંદ મેળવી શકતાં જ નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.