Columns

હર્બલ દવાઓ વડે કેન્સર મટાડવાના નવજોત સિંહ સિદ્ધુના દાવામાં કેટલું તથ્ય છે?

પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ હર્બલ ચિકિત્સા વડે તેની પત્નીનું કેન્સર મટ્યું હોવાનો દાવો કરીને તબીબી જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. સિદ્ધુએ જાહેરાત કરી હતી કે તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુ હવે કેન્સરથી મુક્ત છે. સિદ્ધુએ પોતાના અમૃતસર નિવાસસ્થાને આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ દાવો કર્યો હતો કે તેમની પત્નીએ તેના આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને સ્ટેજ ચારના કેન્સર પર કાબૂ મેળવ્યો છે.

તેમની પત્નીના આહારમાં લીંબુ પાણી, કાચી હળદર, એપલ સીડર વિનેગર, લીમડાના પાન, તુલસી, કોળું, દાડમ, આમળા અને અખરોટ જેવી વસ્તુઓનો સમાવેશ થતો હતો, જેના કારણે તે સ્વસ્થ બની હતી. જો નિર્દોષ વનસ્પતિઓનું સેવન કરીને ચોથા સ્ટેજના કેન્સરની સારવાર કરી શકાતી હોય તો તે આધુનિક તબીબી વિજ્ઞાન સામે મોટો પડકાર ગણાય, કારણ કે તબીબો અદ્યતન સાધનો અને ટેક્નોલોજી પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરાવ્યા પછી પણ ચોથા સ્ટેજનું કેન્સર મટાડી શકતા નથી. જો નવજોત સિંહ સિદ્ધુની વાત સાચી હોય તો તબીબી વિજ્ઞાન પાંગળું સાબિત થઈ જાય છે.

ટાટા મેમોરિયલ હોસ્પિટલના કેન્સર સ્પેશ્યાલિસ્ટ ડોકટરો આ દાવા સાથે અસંમત છે. તેમણે એક પત્ર જારી કરીને કહ્યું કે આ નિવેદનોને સમર્થન આપવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. આ પત્રમાં તેમણે એમ લખ્યું છે કે કેટલીક વનસ્પતિઓથી કેન્સર મટે છે કે નહીં? તે બાબતમાં સંશોધન ચાલી રહ્યું છે, પણ કોઈ ચોક્કસ સાબિતી મળતી નથી. ટાટા મેમોરિયલ હોસ્પિટલના આ પત્રમાં ૨૬૨ કેન્સર નિષ્ણાતો દ્વારા સહી કરવામાં આવી છે, જેમાં ભારતના લગભગ તમામ જાણીતા નિષ્ણાતોનો સમાવેશ થાય છે. એક રીતે જોઈએ તો નવજોત સિંહ સિદ્ધુના દાવાને ખોટો પુરવાર કરવા આખું તબીબી વિશ્વ એક થઈ ગયું છે, કારણ કે જો સિદ્ધુની વાત સાચી પુરવાર થાય તો આ તમામ નિષ્ણાતો કેન્સર બાબતમાં ભોટ પુરવાર થાય છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલના પત્રમાં છેલ્લે જે વાત લખી છે કે જો કેન્સરનું સમયસર નિદાન થાય તો સર્જરી, રેડિયેશન થેરાપી અને કેમોથેરપી દ્વારા તે મટાડી શકાય છે, તેને કારણે એક નવો વિવાદ પેદા થયો છે.

ટાટા હોસ્પિટલનો પત્ર જાહેર થયા પછી નવજોત સિંહ સિદ્ધુની પત્નીની હર્બલ ડાયેટ દ્વારા સારવાર કરનારા દિલ્હીના ડો. બિશ્વરૂપ ચૌધરી મેદાનમાં આવી ગયા છે. તેમણે જાહેર નિવેદન બહાર પાડતાં લખ્યું છે કે સિદ્ધુની પત્નીને ‘ડીપ’ડાયેટ લેવાની સલાહ મારા દ્વારા આપવામાં આવી હતી, માટે ટાટા હોસ્પિટલના પત્રનો જવાબ આપવાની મારી નૈતિક જવાબદારી છે. તેમણે ટાટા હોસ્પિટલના એ આક્ષેપનો પ્રતિકાર કર્યો છે કે તેમના ડાયેટથી કેન્સર મટે છે, તેની કોઈ સાબિતી નથી. ડો. બિશ્વરૂપ ચૌધરી પોતાના નિવેદનમાં લખે છે કે તેમણે સૂચવેલા ડાયેટથી દુનિયાનાં હજારો લોકોનું કેન્સર મટ્યું છે, જેના પુરાવા મારી પાસે છે. ડો. બિશ્વરૂપ ચૌધરીના દાવા મુજબ તેમના જૂથની તમામ હોસ્પિટલોમાં આ ડાયેટ પ્લાન દ્વારા કેન્સરની સારવાર કરવામાં આવે છે.

ડો. ચૌધરીએ પોતાના જાહેર નિવેદનમાં ટાટા હોસ્પિટલના એ દાવાનું પણ ખંડન કર્યું છે કે સર્જરી, રેડિયેશન અને કેમોથેરપી વડે કેન્સર મટાડી શકાય છે. તેમના કહેવા મુજબ આ ત્રણેય પ્રકારની સારવાર પદ્ધતિથી કેન્સર મટતું નથી પણ વકરે છે અને દર્દી વધુ હેરાન થાય છે. તેમના દાવા મુજબ તેમની પાસે એવા જથ્થાબંધ પુરાવા છે કે આધુનિક તબીબી વિજ્ઞાન દ્વારા કેન્સરની જે રીતે સારવાર કરવામાં આવે છે, તેને કારણે કેન્સર શરીરમાં ફેલાઈ જાય છે અને કેન્સરથી થતાં મરણનો દર પણ વધે છે. તેમણે ટાટા હોસ્પિટલના પત્રમાં સહી કરનારા દેશના ૨૬૨ કેન્સર નિષ્ણાતોને પડકાર ફેંક્યો છે કે તેઓ જાહેર મંચમાં ચર્ચા કરીને પોતાની વાત સાચી સાબિત કરે. આ વાત સમજવા માટે તેમણે તેમનું રેબિટ ટોર્ટોઇઝ મોડેલ ફોર કેન્સર ક્યોર નામનું પુસ્તક વાંચવાની ભલામણ પણ કરી છે. હજુ સુધી કોઈ નિષ્ણાતે ડો. ચૌધરીનો પડકાર ઉપાડી લીધો નથી.

ટાટા હોસ્પિટલ દ્વારા ડો. બિશ્વરૂપ ચૌધરીના પત્રનો જવાબ આપવામાં આવ્યો નથી, પણ છત્તીસગઢની સિવિલ સોસાયટી નામની સંસ્થા દ્વારા નવજોત સિંહ સિદ્ધુ પર નોટિસ મોકલવામાં આવી છે કે તેની પત્નીનું ચોથા સ્ટેજનું કેન્સર હર્બલ ડાયેટથી મટ્યું છે તે સાબિત કરે અથવા ૮૫૦ કરોડ રૂપિયાનું નુકસાન ભરપાઈ કરે. આ નોટિસ પરથી ખ્યાલ આવે છે કે સિદ્ધુની પત્નીનું કેન્સર નિર્દોષ હર્બલ ડાયેટથી મટી ગયું તેને કારણે કેન્સરની હોસ્પિટલો ચલાવતાં લોકોને કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે. છત્તીસગઢ સિવિલ સોસાયટી દ્વારા સિદ્ધુને આપવામાં આવેલી નોટિસના જવાબમાં ડો. બિશ્વરૂપ ચૌધરીએ તેને વળતી નોટિસ મોકલી છે કે ટાટા હોસ્પિટલના દાવા મુજબ જો સર્જરી, રેડિયેશન અને કેમોથેરપી વડે કેન્સર મટતું હોય તો તેના વૈજ્ઞાનિક પુરાવા આપે અથવા ૮૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન ભરપાઈ કરે. ડો. બિશ્વરૂપ ચૌધરીના આ પડકારનો છત્તીસગઢની સિવિલ સોસાયટી કે ટાટા મેમોરિયલ હોસ્પિટલ શું જવાબ આપે છે? તે જોવાનું રહે છે.

આરોગ્ય નિષ્ણાતો કહે છે કે માત્ર આહાર અને જીવનશૈલી બદલવાથી કેન્સર મટાડી શકાતું નથી, પરંતુ યોગ્ય આહાર એ કેન્સરની સારવારનો મહત્ત્વનો ભાગ છે. પંજાબ હેલ્થ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. જસબીર ઔલખ કહે છે કે આપણી ખાવાની ટેવ ઘણી ખરાબ થઈ ગઈ છે. જો આપણે થોડાં વર્ષો પાછળ જઈએ તો આપણે સામાન્ય રીતે સાદો ખોરાક ખાતા હતા. પહેલાંના સમયમાં લોકો સૂર્યાસ્ત પછી ભોજન નહોતાં લેતાં અને સવારે ૧૦ વાગ્યાની આસપાસ પહેલું ભોજન લેતાં હતાં, જેને હવે ઈન્ટરમીટન્ટ ફાસ્ટિંગ કહેવામાં આવે છે. આ બધી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે સારી છે, પરંતુ તેનાથી કેન્સરનો ઈલાજ થઈ શકે છે તે સાચું નથી.

શ્રીમતી સિદ્ધુ એકમાત્ર એવો કેસ નથી કે જેને કુદરતી ઉપાયોથી મદદ મળી હોય. ડોકટરોએ આ વિષય પર પુસ્તકો લખ્યાં છે. ડૉ. જેફ રેડિગરનું પુસ્તક ક્યોર્ડ એ જટિલ હકીકતનું વર્ણન કરે છે કે ઘણાં લોકો બિનપરંપરાગત સારવારનો આશરો લઈને કેન્સરનો ઇલાજ કરવામાં સક્ષમ છે, જેને ઓન્કોલોજિસ્ટો ઊંટવૈદો માને છે. સારવારમાં આહાર અને જીવનશૈલીમાં ફેરફારથી માંડીને જડીબુટ્ટીઓ, હોમિયોપેથી, યોગ, પ્રાણાયામ અને ગાયના પંચગવ્યનો સમાવેશ થાય છે. કીમોથેરપી અને રેડિયેશનનો ટ્રેક રેકોર્ડ એટલો નિરાશાજનક છે કે તેનાથી કેન્સર વકરે છે ત્યારે ઓન્કોલોજિસ્ટો તેને સ્વીકારવા તૈયાર થતા નથી.

એલોપેથીમાં કેન્સરના કેસની સારવાર ત્યારે સફળ ગણવામાં આવે છે કે જો વ્યક્તિ કીમો અને રેડિયેશન પછી પાંચ વર્ષ સુધી જીવિત રહે છે. માણસ જીવતો રહે છે, પણ તેની પીડા બેહદ વધી જાય છે. આ રીતની કેન્સરની સારવારમાં પણ બચવાની ટકાવારી માત્ર ૨.૧ ટકા જેટલી જ છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે મોટા ભાગનાં દર્દીઓને કેન્સરનું ખોટું નિદાન કરવામાં આવે છે અને પછીથી તેમને કોઈ કારણ વગર કેમો-રેડિયેશન જેવી ઝેરી સારવાર આપીને કેન્સર મટાડવાનો દાવો કરવામાં આવે છે.  તે તો જાણીતું છે કે કેન્સર શરીરમાં ઝેરને કારણે થાય છે, પરંતુ જેઓ ડિટોક્સિફિકેશન અને ન્યુટ્રિશન દ્વારા કેન્સરની સારવાર કરે છે, તેઓને ઊંટવૈદો ગણવામાં આવે છે.

એ પણ જાણીતું છે કે કેમોથેરપી અને રેડિયેશન એ કેન્સરનું કારણ બને છે. તેમ છતાં તેની સલાહ આપનારને કેન્સરના નિષ્ણાતો ગણવામાં આવે છે. હોસ્પિટલો કીમો અને રેડિયેશન યુનિટમાં કરોડોનું રોકાણ કરે છે. તેમનો મૂળ ઉદ્દેશ કમાણી કરવાનો હોય છે. તેથી ઓન્કોલોજિસ્ટો પાસેથી કુદરતી સારવારની અપેક્ષા રાખવી શક્ય નથી; પરંતુ જ્યારે લોકો કુદરતી પદ્ધતિઓ દ્વારા સફળ સારવારનો દાવો કરે છે, ત્યારે તબીબી લોબી શા માટે તેમનો વિરોધ કરે છે? કારણ કે જો તેઓ આમ નહીં કરે તો ફાર્મા જાયન્ટ્સનો ૧૩.૧ ટ્રિલિયન ડોલરનો કેન્સરની સારવાર કરવાનો ઉદ્યોગ નાશ પામશે.         
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top