Comments

મામાનું ઘર હવે (ચૂંટણી) કેટલે? વર્ષ 2022 અડધું થઇ જાય એટલે!

ભાજપ માટેની લેબોરેટરી કહો કે રોલ મોડલ, ગુજરાત જ અડીખમ છે. ગુજરાતના અખતરા થકી આખા દેશમાં તેની અજમાઇશ થતી આવી છે. એટલે જ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને એના શિડ્યુલ કરતાં વહેલી યોજવાની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને ચાનક ચડી હોવાનું લાગી રહ્યું છે. કોરોનાને કારણે જે કંઇ વિરોધી માહોલ સર્જાયો અને ગુડ ગવર્નન્સ પર ઢીલાશની જે કતરન ચડી ગઇ હતી, તેને જૂની સરકારને તાબડતોબ ખાલસા કરી દઇને પાર્ટીની ટોચની નેતાગીરીએ હડસેલો મારીને ઉડાડી દીધી. જેમના હોદ્દા ગયા એમાંના કંઇને હજુ કળ વળી નથી. પરંતુ રાજ્યના સુપર વડેરાઓને એની ક્યાં પડી છે! એમનું લક્ષ્ય તો 182 છે, ઓછું કંઇ જ નહીં. એટલે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટ યોજાય એ પહેલાં આખેઆખી સરકાર વાઇબ્રન્ટ થઇ ગઇ છે. કોરોનાની બીજી લહેરે સરકાર અને ભાજપને જે નુકસાન કર્યું છે, તેને કારણે સાખ ઘણી ધોવાઇ છે.

2022 UP elections: Saga of India's political destiny - The Daily Guardian

વળી કોરોનાનાં નિયંત્રણોને કારણે અર્થતંત્રને પડેલો આર્થિક ફટકો ઘણો આકરો છે. એની પાછોતરી અસરની વરવી સ્થિતિ સપાટી પર આવે તે પહેલાં વહેલી ચૂંટણી યોજી દેવાનું વિચારાઇ રહ્યું છે. બીજું એક કારણ એ પણ છે કે રાજ્યની આવકમાં જીએસટી અને અન્ય કારણોસર ઘણો ઘટાડો થયો છે. રાજ્ય સરકાર પોતાના વેરા અને કેન્દ્ર સરકાર પાસેથી લેવાપાત્ર હિસ્સાઓની રકમ મળવામાં પણ ઘણો કાપ આવી પડ્યો છે.

એટલે સરકાર ભલે પોતાની આર્થિક સ્થિતિ રંગીન હોવાનું દેખાડે, પણ સ્થિતિ જોઇએ એવી સંગીન નથી. કોરોનાકાળમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં થયેલા ખર્ચા સરકારની બેવડ વાળી રહ્યા છે. વેક્સિન પણ કંઇ સસ્તી થોડી આવે છે! મફતમાં આપવાની હોઇ 100 કરોડની સિદ્ધિના ફિગર્સ દેખાડવામાં પણ રૂપિયા તો મૂકવાના જ હોય છે. હવેના બજેટમાં છૂટા હાથે લ્હાણી થઇ શકે એવી સ્થિતિ નથી. નાણાંભીડના સંકેત સાંપડી રહ્યા છે. બાકી હતું તે પેટ્રોલ-ડીઝલ પરના રાજ્યના વેરા ઘટાડવાનો પણ નવો બોજો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના વેટ-સેસ થકી 14 હજાર કરોડની આવકનો અંદાજ હતો.  

  હવે આ સ્થિતિમાં વહેલી ચૂંટણીની અપેક્ષાએ શોકેસિંગ ગુજરાતનું અભિયાન છેડાઇ ગયું છે. દેશનાં વિવિધ શહેરોમાં રોડ શો યોજીને રોકાણકારોને આકર્ષવાના પ્રયાસો શરૂ કરી દેવાયા છે. સુરતમાં ગયા બુધવારે યોજાયેલું પ્રચંડ શક્તિ પ્રદર્શન પણ આ જ યોજનાના ભાગરૂપે હતું. અનેકાનેક યાત્રાઓ યોજીને ગામડેથી માંડીને મોટાં શહેરો સુધીના લોકો લગી પહોંચવાનો આયામ આદરી દેવાયો છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો (જો કે કોંગ્રેસ સિવાય બે જ છે, આમઆદમી પાર્ટી અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) હજુ આળસ મરડે એ પહેલાં ભાજપે બધાં ખેતરો ખેડી નાખવા માંડ્યાં છે.

મૂળ વાત એ છે કે અંદરખાને ગરબડો થવાની દહેશતોના જે વાવડ મળતા હોય, પણ રાજ્યમાં પ્રવર્તમાન રાજકીય અને આર્થિક સહિતનાં કારણોને લઇને ભાજપ કોઇ જોખમ ઉઠાવવા માગતો નથી. આ વાતની ઓથેન્ટિક તો નહીં, પણ એપ્રોપ્રિયેટ પુષ્ટિ એ રીતે મળવા જઇ રહી છે કે રાજ્ય સરકાર આગામી માર્ચ 2022 માં રાજ્ય સરકારનું આગામી વર્ષનું પૂર્ણ બજેટ રજૂ કરવાને બદલે થોડા મહિનાઓ માટે લેખાનુદાન રજૂ કરી દઇને બજેટની કસરતથી છૂટવા માગે છે. એક દોઢ મહિનાનું રાજ્ય વિધાનસભાનું પૂર્ણકાલીન બજેટ સત્ર બોલાવવાને બદલે એકાદ અઠવાડિયાનું લેખાનુદાન સત્ર યોજવાની ગોઠવણો ચાલી રહી છે, જે દર્શાવે છે કે ભાજપ અને એની સરકારને વહેલી ચૂંટણી યોજવાની ઉતાવળ ચડી છે.

  સામાન્ય રીતે વર્તમાન રાજ્ય વિધાનસભાની મુદત ડિસેમ્બર 2022 માં પૂરી થાય છે. ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યો- (પંજાબ, ગોવા, મિઝોરમ અને ઉત્તરાખંડ)ની ચૂંટણી 2022 ની સાલના પહેલા છ મહિનામાં આટોપાઇ જવાની છે. એ જોતાં ગુજરાતમાં પણ આ જ કોઇ ગાળા દરમિયાન ચૂંટણીને તાણી લાવવાનું બ્યૂગલ ફૂંકાય એવી પૂરી વકી છે. ઉપરોક્ત પાંચ રાજ્યોની ચૂંટણી પતે એ પહેલાં જ ગાંધીનગરની ગાદીએ નો રિપીટ થિયરીવાળી નવી સરકાર આરૂઢ થઇ જાય તો નવાઇ નહીં. આમ છતાં આગામી 10 થી 13 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા પછી જ લેખાનુદાન અને વહેલી ચૂંટણી માટેના નિર્ણય લેવાશે એવું મનાઇ રહ્યું છે. તેમાં પણ સરકાર જે રીતે 20-20 મેચ કરતાંય 10-10 કે 15-15 ની મેચ રમવા લાગી હોય એવા સીન ખડા થઇ રહ્યા છે. 

 આમાં બાકી હતું તે કોરોનાનાં મૃતકો માટે તેમના વાલીવારસોને વળતર આપવાનો હુકમ કરીને સુપ્રીમ કોર્ટે સરકારને ચોંટીયો ભર્યો છે. કોરોનાકાળનાં મૃતકોના આંકડા આપવામાં તો ઠીક, પણ થયેલાં મૃત્યુનાં સાચાં કારણો આપવામાં સરકાર ગરબડો કરતી હતી. એટલે મૃતકો માટે વળતર આપવાનું ઓછું થાય, પણ સુપ્રીમના આદેશને પગલે સરકાર જાગી છે અને એક મહિનામાં વળતર મળી જાય એની તજવીજમાં લાગી પડી છે. આ બાબતે પણ ચૂંટણીમાં ફાયદો લેવાનો સ્વાભાવિક વ્યૂહ સર્જાશે. આગામી થોડા દિવસોમાં આઇએએસ અને આઇપીએસની બદલીઓના ગંજીપા ચિપાય તો નવાઇ નહીં. કુલ મિલાકે ભાજપ ગુજરાતમાં ચૂંટણી માટે અને બને તો વહેલી ચૂંટણી માટે બહાવરો બન્યો છે.    
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top