Charchapatra

એક દેશ ચલાવવા માટે કેટલું બધું ચલાવી લેવું પડે?

સ્કુલ રીક્ષા અને વાનની હડતાળ પડી અને આપણને સમાજાઈ ગયું કે આપણે કેટલા પરાવલંબી છીએ માત્ર ફાયર એનોસી ની તપાસ કરી અને ખબર પડી કે કેટલી બધી સ્કૂલો એના વગર જ ચાલતી હતી હજુ તો આ ન્યાયાલયના આદેશનું પાલન શરૂ કર્યું તેની અસર છે.સરકાર ખરેખર નક્કી કરે કે નકશામાં મજૂરી લીધી હોય તે સિવાયનાં બાંધકામ બ્લોક કરવાં, પુસ્તકાલય,રમતમેદાન ના હોય તે  નિયમ અનુસાર પગાર ના આપતા હોય તે શાળા કોલેજો બંધ કરવા, પૂરતી સગવડ વગરનાં સિનેમાઘર બંધ કરવાં.

રસ્તા પરનાં ગેરકાયદે બાંધકામ દબાણ દૂર કરવાં, સોશ્યલ મિડિયામાં નફરત ફેલાવતાં ખરાં તત્ત્વો જેર કરવાં, દારુની હેરાફેરી સદંતર રોકી દેવી.માત્ર પી યુ સી સર્ટિ. નહિ, ખરેખર ચેકિંગ કરીને પ્રદૂષણ ફેલાવતાં વાહનો રોકવાં,ગેરકાયદે વાહનવ્યવહાર,શટલ ગાડીઓ રોકી દેવી….લીસ્ટ લાંબું છે પણ એટલું ચોક્કસ છે કે છેલ્લાં વર્ષોમાં આપણા જાહેર જીવનમાં આપણે કાયદા નેવે મૂકીને  જીવન ચલાવ્યું છે કે કાયદો પાળવો અને નિયમમાં રહેવું હવે પોસાય તેવું નથી.

આપણે આ કોલમમાં લખ્યું હતું સત્તામાં હોવું અને શાસનમાં હોવું તે બાબતમાં ફેર છે. રીક્ષાવાલાના યુનિયન સ્કૂલ સંચાલકોનાં યુનિયન, બિલ્ડર લોબી, નેતાઓ અને અધિકારીઓના મળતિયાની હોસ્પિટલ અને શાળા કોલેજો…આ બધાને  સતત ખુશ રાખો તો જ ચૂંટણી સમયે વિરોધનો સામનો ના કરવો પડે. બાકી ઘર ભેગા થવાનો વારો આવે. આ તો ઉપરાઉપરી દુર્ઘટના બની, એટલે આપણે જાગ્યાં, પણ જાગ્યાં ત્યારે ખબર પડી કે એમ જાગીને તરત નિયમના ડંડા પછાડી શકાય તેવી આપણી હાલત નથી. કોઇ પણ સરકાર  રાતોરાત નિયમ મુજબ દેશ ચલાવવા જાય તો દેશ ઊભો રહી જાય.

આ સ્થિતિને  જ અરાજકતા કહેવાય. બૌધ્ધિક લોકો આને અનિવાર્ય દૂષણ ગણે છે, પણ મૂળ આ ચાલક રાજનેતાઓ અને સ્થાપિત હિતોની રાજરમત છે. ક્યાં જશે? એવો સ્પષ્ટ મત તે ધરાવે છે. પ્રજા જ જાતે કહેશે કે રહેવા દો, કાયદા નથી પાળવા.ચાલે તેમ ચાલવા દો. પણ, ખરેખર આવું હોવું ના જોઈએ. પ્રજાએ પોતે પોતાના પ્રશ્નો માટે જાગવું જોઈએ. આ બની તે ઘટનાઓ ભૌતિક છે. આ સિવાય પણ ઘણું અભૌતિક આપણી આજુબાજુ બની રહ્યું છે તેના માટે આપણે જાગૃત સમજ કેળવવી પડશે.

ગુજરાતનાં નાગરિકોની ચિંતાનો ખરો વિષયછે કોન્ટ્રાકટ સીસ્ટમમાં યુવાનોનું થતું શોષણ, સરકારી નોકરીઓનો અભાવ,વધતા જતા ભાવ ,પાયાની, સામાજિક-સામુહિક સેવાઓનું ખાનગીકરણ આપણી ચિંતાનો વિષય છે જ .જીવવું મોઘું છે, માંદા પડવું પણ મોઘું છે. બાળકોને ભણાવવું મોઘું છે. પણ હવે આપણી નવી ચિંતાનો વિષય છે ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સનું વધતું દૂષણ. ગાંધીબાપુના ગુજરાતમાં દારુબંધી છે છતાં દારુ વેચાય છે એમ ઘણાં માને છે, પણ હવે તો ડ્રગ્સ વેચાયાં છે અને તે પણ ઓનલાઈન એ કેટલાં જાણે છે?

આપણે કદી આપણાં બાળકો ક્યાં કોને મળે છે તેની ખબર રાખીએ છીએ? એમના મોબાઈલની કિંમત પણ ઘણાં માબાપ જાણતાં નથી. જો બાળકો મોંઘા મોબાઈલ વાપરે છે તો તે ક્યાંથી આવ્યા? આ પ્રશ્ન થવો જોઈએ. આજે સો રૂપિયાને પાર વેચાતું પેટ્રોલ એ કેવી રીતે ભરાવે છે અને બાઈક પર ક્યાં ફરે છે તે આપણી ચિંતાનો વિષય છે. ક્યારેક તેની વોટસેપ ચેટ આપણે તપાસતાં રહીએ, તો પોલીસને નહીં તપાસવી પડે.

આજે કાળા કારોબાર કરનારા આધુનિક બની ગયા છે . ટેકનોલોજીના ઉપયોગથી ઓર્ડર લેવાયા છે. હોમ ડીલીવરી કે હેન્ડ ટુ હેન્ડ ડીલીવરી થયા છે ત્યારે ,આ ડ્રગ્સના દૂષણમાં આપણાં પાલ્ય નથી સપડાયાં તે જોવું પડશે .ગુજરાતનાં માતાપિતા દીકરો દીકરી બીજા ગોત્રમાં કે બીજી જ્ઞાતિમાં ના પરણે તે માટે સતત ચિંતિત હોય છે. બીજા ધર્મમાં ના પરણે એ તો ચિંતા સરકાર પણ કરે છે.  પણ આ જ બાળક ખોટા રવાડે ના ચડે એ, ડ્રગ્સના બંધાણી ના બને એ  માટે કોઈ ચિંતા કરતું નથી.

છાપામાં દર અઠવાડિયે ડ્રગ્સ સાથે માણસ પકડાયાના સમાચાર છપાય છે. ગુજરાતના અગ્રણી અખબાર તથા સામયિકો હવે ડ્રગ્સ વિષે કવર સ્ટોરી કરતાં થયાં છે. ગુજરાતના પોર્ટ પર ૨૦૦૦ કરોડના ડ્રગ્સ પકડાયાના સમાચાર તાજા જ છે.પણ આ સમાચારોની વચ્ચેથી ઉપસી આવતું સત્ય એ છે કે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર હવે મોટો, વ્યાપક અને કરોડોનો ધંધો છે. સ્વાભાવિક છે તંત્ર પણ આમાંથી કંઈક મેળવતું હોય. સત્તાના સાથ વગર આટલો મોટો એટલો ખોટો અને એટલો લાંબો સમય કોઈ કારોબાર ચાલે નહિ.પણ આપણા ઈરાદાઓ રાજકીય આક્ષેપો કરવાનો નથી. આપણો ઈરાદો પ્રજાને જાગૃત કરવાનો છે. સામાજિક સમસ્યાઓના ઉકેલમાં સરકારને સાથ આપવો જોઈએ અને જરૂર પડે ત્યાં કાન આમળવો જોઈએ.

આજે ગુજરાતનાં નાનાં નાનાં ગામડાંમાં સાંજ પડે એટલે ગાંજો ચરસ ફુંકાય છે. શહેરના હાઈ વે પર બાઈકો પાર્ક કરીને યુવાનો આ લત લગાડે છે. પાર્ટી પ્લોટોમાં ખાસ પાર્ટીઓ યોજાય છે અને એ ડ્રગ્સની લતે ચડેલાં યુવાનો, ચોરી ઓનલિયન ફ્રોડ કે ક્રેડીટ કાર્ડના દેવા તળે ડૂબતા જાય છે. રાજ્યમાં છેલ્લાં વર્ષોમાં વધેલા ગુનાખોરીના આંકડા તપાસો તો આ નશો અને તેના દ્વારા ઊભું થયેલું નાશનું તંત્ર સ્પષ્ટ થયા વગર રહેશે નહીં. માટે સમય છે વેળાસર જાગવાનો. ઊડતા પંજાબની જેમ ઊડતા ગુજરાતનું નામ પ્રખ્યાત નથી કરવાનું.

ગુજરાતના માતાબાપ ઊંઘે તો જ યુવાનો નશામાં ઊડે, પણ આપણે તે થવા દેવાનું નથી. રાજકારણ અને લાલચથી ઉપર ઊઠીને ગુજરાતમાં પ્રસરતા આ કાળા કારોબારને નાથવાનો છે.  આ સમસ્યા બિલકુલ નજરઅંદાજ કરવા જેવી નથી.  આ દૂષણ સામે બહુઆયામી લડત આપવી પડે તેમ છે. એક તરફ યુવાનો એમાં ના સપડાય તેની જાગૃતિ ચલાવવી . બે ડ્રગ્સના રવાડે ચડેલા યુવાનોને પ્રેમ, હૂંફ આપી સાચા માર્ગે પાછા વળવા અને ડ્રગ્સના કારોબારીઓને જેર કરવા તેમને સજા કરવી અને તેમની સાથે સાથે રાખનારાને ખુલ્લા પાડવા આવા ત્રિપાંખિયા જંગથી જ આ શેતાનને હરાવી શકાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top