Comments

શાળા પ્રવેશોત્સવથી કેટલો બદલાવ આવ્યો?

ગુજરાતમાં દર વર્ષે જૂન માસમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાય છે. એની શરૂઆત નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ૨૦૦૩થી કરી હતી. મંત્રીઓ, અધિકારીઓ અને નેતાઓ આ ઉત્સવમાં જોડાય અને શાળામાં નામાંકન વધે એવો હેતુ હતો. ૨૨ વર્ષ પછી આ ઉત્સવનું આકલન થવું જોઈએ કે, કેટલો બદલાવ આવ્યો છે? હા, સારો બદલાવ જરૂર આવ્યો છે પણ હજુ ગુજરાતના પ્રાથમિક કરતાં પણ માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ચિંતા ઉપજાવે છે. એટલું જ નહિ શિક્ષકોની કમી અને ભૌતિક સુવિધાનો અભાવ પણ આ સમસ્યા ઉકેલવામાં વિઘ્નરૂપ છે. આ દિશામાં હજુ વધુ વૈજ્ઞાનિક રીતે કામ કરવાની આવશ્યકતા છે.

આ ઉત્સવના કારણે બદલાવ જરૂર આવ્યો છે. શાળા પ્રવેશોત્સવ શરૂ થયો તે પહેલાં વર્ષ 2002-03 માં ગુજરાતમાં ધોરણ-1 માં વિદ્યાર્થીઓનો નામાંકન દર 75.05% હતો. વર્ષ 2012-13 માં આ નામાંકન દર 99.25% સુધી પહોંચ્યો અને ત્યારથી અત્યાર સુધી ધોરણ-1 માં વિદ્યાર્થીઓનો નામાંકન દર 100% ની નજીક જ રહ્યો છે. 2025-26 ના શાળા પ્રવેશોત્સવ દરમિયાન 8.73 લાખથી વધુ બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવાનું આયોજન છે. એટલું જ નહિ ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. 2001-02 માં ધોરણ-1 થી 5 માં ડ્રોપ આઉટ દર 20.50% અને ધોરણ-1 થી 8 માં 37.22% હતો. તે 2023-24 માં ક્રમશઃ ધોરણ-1 થી 5 માં 1.07% અને ધોરણ-1 થી 8 માં 2.42% જેટલો નીચો લાવી શકાયો છે. કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો 20.53% થી ઘટીને 1.31% થયો છે. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે શિક્ષણ વિભાગે AI આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ પણ દાખલ કરી છે. આ સિસ્ટમ શાળા છોડવાની શક્યતા ધરાવતાં વિદ્યાર્થીઓની ઓળખ કરશે અને સમયસર પગલાં લેવામાં મદદ કરશે.

જો કે, ધોરણ 9-10 અને ધોરણ 11-12 માં ડ્રોપ આઉટ રેશિયો હજુ પણ ચિંતાનો વિષય છે. વર્ષ 2022 ની સ્થિતિએ ધોરણ 9-10 માં કુલ ડ્રોપ આઉટ રેશિયો 23.28% હતો, જેમાં છોકરાઓનો રેશિયો છોકરીઓ કરતાં વધુ હતો (છોકરાઓ 24.97% અને છોકરીઓ 21.24%). તેવી જ રીતે, ધોરણ 11-12 માં છોકરાઓનો ડ્રોપ આઉટ રેશિયો 7.09% જ્યારે છોકરીઓનો 5.13% નોંધાયો હતો. આ કારણે આ વર્ષના પ્રવેશોત્સવમાં ધોરણ 8 માંથી 9 માં અને 10 માંથી 11 મા ધોરણના પ્રવેશ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આવું કેમ બને છે?  અને એ કેટલી સફળ થશે એ જોવાનું છે. ઉપરાંત શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. કેટલીક શાળામાં ઓછાં વિદ્યાર્થીઓ હોય તો એને નજીકની શાળામાં મર્જ કરવામાં આવે છે. આ કારણે કેટલાંક બાળકો શાળાએ જતાં અટકે છે. શિક્ષકોની કમી છે અને હજુય વિદ્યા સહાયકોથી કામ ચલાવાય છે. શરૂઆતમાં તો એમના પગાર માત્ર ૫,૦૦૦ જ હતો. પણ આટલાં વર્ષો બાદ આંદોલન કર્યા પછી અને કોર્ટમાં લડત આપ્યા બાદ પગાર ઠીક ઠીક થયો છે પણ કાયમી શિક્ષકોની સંખ્યા પૂરતી નથી. આ મુદા્ઓને સમજવા પડશે તો જ ડ્રોપ આઉટ રેશિયો કાબૂમાં આવશે.

મધ્યપ્રદેશમાં બેરોજગારો હવે‘આકાંક્ષી’ કહેવાશે
રાજ્ય સરકારો પોતાની નિષ્ફળતા અને સમસ્યા પડદો પાડવા માટે ક્યારેક હાસ્યાસ્પદ ઉપાયો કરતા હોય છે. મધ્યપ્રદેશ સરકારે આવો જ એક ઉપાય કર્યો છે. રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે, હવે બેરોજગાર યુવાનો એ બેરોજગાર તરીકે નહિ ઓળખાય પણ આકાંક્ષી યુવાનો તરીકે ઓળખાશે અને આ માટે સરકારે રોજગાર કેન્દ્રો અને સરકારના શિક્ષણ પોર્ટલમાં બદલાવ કરી નાખ્યા છે. શું ઉપાય છે! બેરોજગાર હોય એ આંકાક્ષી તરીકે ઓળખાશે તો શું એની બેરોજગારી દૂર થઇ જશે? સરકાર દલીલ કરે છે કે, આવા નામકરણથી બેરોજગાર યુવાનોને સારું લાગશે. એક સારી ફિલ આવશે. એમને ખુદ પર કોઈ શરમ હોય તો એ દૂર થશે. આવી દલીલ કોઈ સરકાર કરે તો સમજી લેવાનું રહે છે કે, એ મૂળ સમસ્યાથી મોં ફેરવે છે. લોકોને ઉલ્લુ બનાવે છે.

મધ્યપ્રદેશમાં બેરોજગારોને રોજગાર ખોલેનેવાલે યુવા કહેવામાં આવનાર છે અને એ માટે નામ અપાયું છે, આકાંક્ષી. હવે સરકારી આંકડાની વાત કરીએ તો એમપીમાં 2024થી 2026 દરમિયાન બેરોજગારોની સંખ્યા વધી 29 લાખની થઇ ગઈ છે. 2020થી 2024 દરમિયાન 20 રોજગાર મેલા યોજાયા અને એમાં ત્રણ લાખ લોકોને રોજગારી મળી એવો દાવો પણ સરકારે કર્યો છે. આ રીતે તો બેરોજગારી દૂર નહિ થાય અને અહીં તો ભય એ છે કે, એમપીમાંથી બીજાં રાજ્યો પણ ‘પ્રેરણા’ લેશે અને બેરોજગારોનું નામાભિધાન કરશે અને એ પછી એ સમસ્યા દૂર કરવામાં સઘન પ્રયત્નો નહિ થાય.

સરકાર અવારનવાર દાવા કરે છે કે, બેરોજગારી ઘટી રહી છે પણ વાસ્તવિકતા એ છે કે, આજેય 81 કરોડ લોકોને દર મહિને અનાજ મફત આપવું પડે છે. સરકાર તો ગરીબી ઘટી એવોય દાવો કરે છે પણ એની રોજગારીમાં કોઈ પ્રતિબિંબ કેમ દેખાતું નથી? આંકડાઓ દર વખતે સાવ સાચા જ હોય એ જરૂરી નથી અને એમાં માપક ધોરણો બદલી નાખવામાં આવે તો કાગળ પર ચિત્ર બદલાઈ જાય છે પણ વાસ્તવિક્તા ત્યાંની ત્યાં જ રહે છે. એ બદલાવી જોઈએ. સરકારી નોકરી બધાને ના મળી શકે એ સ્વાભાવિક છે પણ નાના અને મધ્યમ ઉદ્યોગો કે જે સૌથી વધુ રોજગારી આપે છે એને પ્રોત્સાહન મળે તો ચિત્ર બદલાઈ શકે છે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top