Business

આખા જગતમાં ઝાડ કેટલાં?

આખા જગતમાં ઝાડ કેટલાં?’ કંઇ ગાંડા થઇ ગયા છો તે આવા સવાલ કરો છો? આખા જગતમાં કેટલાં ઝાડ છે તે કોણ ગણવા જવાનું?’ ‘આખા જગતમાં કેટલા પ્રકારનાં ઝાડ છે?’ ‘આવા સવાલ મગજમાં આવ્યા કરે છે તે ગાંડાના કોઇ સારા ડૉકટરને મળો.’ વિશ્વના 150 વિજ્ઞાનીઓને કેટલાક લોકોએ આવા જ જવાબ આપ્યા હશે પણ તેમણે ગાંડાના કોઇ સારા ડૉકટરને બતાવવાને બદલે જુદા જુદા વન પ્રદેશોની મુલાકાત લીધી અને બધાં સ્થળોએથી માહિતી એકત્ર કરી આંકડો આપ્યો! આખા જગતમાં ચાર કરોડ ઝાડ છે અને તેની સૌથી વધુ સંખ્યા દક્ષિણ અમેરિકાનાં જંગલોમાં છે. સંશોધકોએ ઝાડના પ્રકારની શોધ કરી તો તેમાં જણાયું કે 64000 પ્રકારના ઝાડની પ્રજાતિ ઓળખાઇ છે અને વધારાના 9200 પ્રકારના ઝાડની પ્રજાતિ પારખી શકાઇ નથી.

150 વિજ્ઞાનીઓએ ત્રણ વર્ષ સુધી જુદા જુદા વન પ્રદેશોમાં જાતે રઝળપાટ કરી અને તેમાં આ માહિતી મળી. આ અભ્યાસના સૂત્રધાર બોલોના યુનિવર્સિટીના પ્રટરોબર્ટ કેઝોલાએ કહ્યું હતું કે વૃક્ષો સમૃધ્ધિ અને વૈવિધ્યનો અભ્યાસ કરવાથી પ્રાકૃતિક સમતુલા જાળવવાની ચાવી મળે છે. અત્યાર સુધીનું અમારું જ્ઞાન ખૂબ મર્યાદિત હતું. ગ્લોબલ ફોરેસ્ટ બાયોડાઇવર્સિટી ઇનિશિએટિવ હેઠળ કરાયેલા આ અભ્યાસમાં જટિલ આંકડાકીય વિશેષણ, કૃત્રિમ વૃધ્ધિ અને ફોરેસ્ટ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ એન્ડ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ લેબોરેટરીનો ઇન્ડિયાનાની વડર્યૂ યુનિવર્સિટીના સૌજન્યથી ઉપયોગ કરાયો હતો. 90 દેશોના 100 પ્રદેશોમાં 3.8 કરોડ ઝાડની ઉંમર આ અભ્યાસમાં જાણી શકાઇ છે જે આજ સુધીની સૌથી મોટી સિધ્ધિ છે. આ અભ્યાસના એક સહ લેખક પ્રો. જિંગ્યાંગલ્યાંગે કહ્યું હતું કે અમે એક એક ઝાડની તપાસ કરી છે અને દરેક ઝાડ એક કોયડા સમાન હતું. અમારા અભ્યાસથી વન તંદુરસ્તી જાળવવા મદદ મળશે.

અભ્યાસમાં જણાયું છે કે દક્ષિણ અમેરિકામાં વિશ્વના સૌથી વધુ પ્રમાણમાં એટલે કે 43 % વૃક્ષો છે. સંશોધકોએ કહ્યું હતું કે જે વૃક્ષોની પ્રજાતિ ઓળખી નથી શકાઇ તે દુર્લભ છે અને ઝડપથી તેમના માટે કંઇ નહીં કરાય તો તે નામશેષ થવાને આરે આવીને ઊભા રહેશે. તેમાં એમેઝોન અને એન્ડઝમાં કેટલાંક વૃક્ષો ઉપરાંત ઘાસીયા પ્રદેશમાં વૃક્ષો અને ઘાસનો સમાવેશ થાય છે. 3000 પ્રજાતિઓનું વાવેતર વધશે નહીં તો વનસંપત્તિ રાંક બની જશે. પ્રો. કોશેલિયા ગેટીએ કહ્યું કે અમને હજી ડર છે કે ઝાડની ઘણી પ્રજાતિઓ હજી અમારી નજરે પડી જ નહીં હોય. વૃક્ષોની વસ્તી ગણતરીનો આ સૌથી પહેલો મોટો ગંભીર અભ્યાસ છે. જગતના કલ્યાણ માટે વૈજ્ઞાનિકો જંગલમાં કેટલાં અને કેવાં ઝાડ છે તેની ગણતરી રાખે છે.

Most Popular

To Top