Comments

સમજણના પ્રશ્નો કાયદાથી કેટલા ઊકલશે?

बाल विवाह - CHILD MARRIAGE Story | Hindi Kahaniya Maja Dreams TV Hindi  Animated Moral Stories Videos - YouTube

ભારતમાં છોકરીઓ માટે લગ્નની લઘુતમ ઉંમર અઢારમાંથી વધારીને એકવીસ કરવાનો સરકારનો ઈરાદો છે. કાયદામાં આ મુજબ ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે નવા નિયમ મુજબ છોકરા અને છોકરીઓ બન્ને માટે લગ્નની કાયદેસર ઉંમર એકવીસ વર્ષ ગણાશે! સમાજ અને તેની પરંપરાઓ બદલવાના કાયદા ઘડતરથી માંડીને અમલ સુધી પડકારરૂપ હોય છે. વર્ષો સુધી ભારતના ઘણા જ્ઞતિ વર્ગોમાં બાળવિવાહ થતા. શારદા એક્ટ પછી બાળવિવાહ ગરેકાયદે કરાયા અને છોકરી અઢાર વર્ષની થાય પછી જ લગ્નને કાયદેસર મંજૂરી આપવામાં આવી.

લગ્નની કાયદામાન્ય ઉંમર નક્કી કરવામાં અનેક પરિબળો ધ્યાનમાં લેવાં પડે! અને માટે જ તે માટે વિવિધ ક્ષેત્રના તજજ્ઞોનો મત પણ લેવો પડે. જેમ કે લગ્નની વયમર્યાદા નક્કી કરતી વખતે વર્તમાનમાં છોકરા છોકરીઓમાં આવતા શારીરિક ફેરફારો, માનસિક વલણો, સામાજિક આર્થિક બાબતો આ સઘળા પ્રશ્નો ધ્યાનમાં લેવા પડે. સરકારના પ્રસ્તાવિત કાયદા માટે કેટલાક મુદ્દા વિચારવાલાયક છે. એક દલીલ એ છે કે કાયદા સામે સૌ સરખા એટલે છોકરા માટે ઉંમર 21 વર્ષની હોય તો છોકરીઓ માટે પણ 21 વર્ષ જ હોવી જોઈએ અથવા છોકરાઓને પણ અઢાર વર્ષે પરણવાની છૂટ આપવી પડે! ભારતની પરંપરામાં લગ્ન નક્કી કરવામાં પુરુષ કરતાં સ્ત્રીની ઉંમર નાની હોય તે ખાસ જોવાય છે. શહેરી અને શિક્ષિત વર્ગોમાં હવે બન્ને સરખી ઉંમરના હોય અથવા ઘણા કિસ્સામાં છોકરી છોકરા કરતાં મોટી હોય તેવું બને છે. પણ આ વાત સમાજમાં સહજ સ્વીકાર્ય નથી. ‘‘એની વહુ એના કરતાં મોટી છે’’- એ વાત ભારે ભેદી અને કટાક્ષપૂર્ણ રીતે કહેવામાં આવે છે.

છોકરીઓની ઉંમર છોકરા કરતાં ઓછી હોય તેવી પરંપરાનો મુખ્ય આધાર એ માન્યતા છે કે છોકરીઓ પુખ્તતા છોકરાઓ કરતાં વહેલી આવે છે. માનસિક અને શારીરિક રીતે છોકરીઓ વહેલી પુખ્ત બને છે માટે પુખ્તતાને સમાન સ્તરે રાખવા માટે છોકરી નાની અને છોકરો થોડો મોટો હોય એમ સૌ માને છે. જો કે આ દલીલનો જવાબ એ છે કે કાયદો ઉંમરફેર રાખવાની ના નથી પાડતો. છોકરી એકવીસ વર્ષની થાય ત્યારે છોકરો પચ્ચીસનો હોય તો વાંધો નથી! એટલે આ નિયમ આડકતરી રીતે છોકરાની લગ્ન ઉંમર પણ વધારે છે. કારણ કાં તો લગ્ન સમયે છોકરા અને છોકરીની ઉંમર સમાન રીતે એકવીસની હશે અથવા છોકરો એકવીસથી મોટો અને છોકરી એકવીસ વર્ષની હશે. ટૂંકમાં 21 વર્ષનો છોકરો 18 વર્ષની છોકરીને નહીં પરણી શકે!

લગ્નની ઉંમર વધારવા પાછળનું મુખ્ય કારણ છોકરીઓને લગ્નજીવન કુટુંબજીવનની જવાબદારીઓ નાની ઉંમરે ન ઉઠાવવી પડે તે છે. તરુણાવસ્થામાં પરણાવી દેવાતી છોકરીઓ નાની ઉંમરમાં માતૃત્વ ધારણ કરે છે, જે જોખમી છે. વળી સ્ત્રીઓમાં અપોષણનો મુદ્દો તો મોટો છે. મા અને બાળક બન્ને તંદુરસ્ત રહે જો નાની ઉંમરમાં લગ્ન ન થાય. ભારતમાં માતૃત્વ ધારણ સમયે કે તે પછીના ટૂંકા ગાળામાં મૃત્યુ પામતી સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે. અહીં મૂળ મુદ્દો કાયદા કરતાં સમજણ દ્વારા ઉકેલ લાવવાનો હોવો જોઈએ. કારણ કે એકવીસ વર્ષે પરણ્યા પછી પણ સ્ત્રી સ્વસ્થ હોય, તેને પૂરતું પોષણ મળતું હોય તો જ માતૃત્વ ધારણ કરવા દેવું તે વાત છોકરીના સાસરીવાળાએ સમજવાની છે. આપણે ત્યાં ગામડાંમાં સ્ત્રીઓના કુપોષણનો મુદ્દો ઉંમર બાદ વગર જોવા મળે છે.

જ્યારે સામાજિક પરંપરામાં ફેરફાર માટે કાયદા બને ત્યારે મુખ્ય પ્રશ્ન તેના અમલનો હોય છે. જો આપણે છોકરીઓ માટે લગ્નની ઉંમર 21 વર્ષ કરીએ તો 21 વર્ષ થયા પહેલાં પરણાવી દેવાતી છોકરીઓ પર શું અસર પડે તે જોવું પડે! કારણ નાની ઉંમરના લગ્ન કાયદામાં અમાન્ય ગણાય છે. વળી દીકરીઓને પરણાવે છે ઘરના લોકો એટલે 21 વર્ષ પહેલાં જેનાં લગ્ન થાય તે છોકરી વિરુધ્ધ પગલાં લેવાનાં કે પરણાવનાર મા-બાપ વિરુધ્ધ? વળી ગામડાંમાં નાની-ઉંમરમાં લગ્ન કરાવી દીધા હોય એ છોકરીને તેનો વર મારીને કાઢી મૂકે તો છૂટાછેડાનો કેસ થાય કે ન થાય? કારણ લગ્નને તો અમાન્ય ગણ્યા!

માનસશાસ્ત્રીઓ અને શરીરવિજ્ઞાનના જાણકારો કહી રહ્યા છે કે ભારતમાં હવે શારીરિક મેચ્યોરીટી નાની ઉંમરે આવી રહી છે. છોકરા-છોકરીઓમાં શારીરિક-માનસિક વલણો વહેલાં પુખ્ત થઈ રહ્યાં છે. આ કિસ્સામાં અઢાર વર્ષ થતાં થતાં તો યુવક યુવતીઓ શારીરિક આકર્ષણ અનુભવવા લાગે છે. આપણા રૂઢીચુસ્ત સમાજમાં હજુ લગ્નેતર કે લગ્ન પહેલાંના શરીર સંબંધો માન્ય નથી. વળી સંમતિથી શરીરસંબંધ બાંધવાની કાયદામાન્ય ઉંમર 18 વર્ષ છે. આપણે નાગરિક અધિકારો 18 વર્ષ પછી આપીએ છીએ તો આ કાયદાના ફેલાવા સાથે સરકારે કાયદા દ્વારા અને સમજણ દ્વારા એ વાત ફેલાવવી પડશે કે લગ્નની ઉંમર એકવીસ વર્ષ છે. શરીર સંબંધની નહીં! આ વાત સમાજે પણ સ્વીકારવી પડશે! કારણ કે શરીર તો એનો ધર્મ 18 વર્ષ પછી નિભાવવાનું જ છે.

સમાજજીવનને અસર કરનારા કોઈ પણ કાયદામાં છેલ્લો પ્રશ્ન કાયદાના અમલનો છે અને કાયદો તોડનારા સામે સજાનો છે! સરકાર આ કાયદાનો અમલ કેવી રીતે કરશે! બાળલગ્ન વિરોધી કાયદો આવ્યા પછી અંતરિયાળ ગામડા-અશિક્ષિત લોકોમાં બાળલગ્ન થાય જ છે. જ્યારે શહેરી ભણેલાં લોકોએ અહીંયા પણ રસ્તો કર્યો છે. ઉંમર નાની હોય ત્યારે લગ્નું નકકી કરી નાખવાનું અને પુખ્ત ઉંમર થાય એટલે આણું વળાવવાનું. જો બે પક્ષ રાજી થઈને લગ્ન યોજે જ્યાં છોકરી 19 ની હોય, છોકરો 22 નો હોય તો ફરિયાદ કોણ કરે? ધારો કે સરકારે સામેથી માહિતી મેળવી પગલા લીધા તો સજા કોને? છોકરીના મા-બાપને?

ખરેખર તો આ પ્રશ્ન સમાજની સમજણનો છે. આજે શહેરમાં, શિક્ષિત વર્ગોમાં અભ્યાસ, વ્યવસાય વગેરે કારણોસર અનેક છોકરીઓ બાવીસ કે પચ્ચીસ વર્ષ પછી લગ્ન કરે છે. ખાસ તો ગ્રામ્ય, ગરીબ અને મજૂર વર્ગમાં જ છોકરી વહેલી પરણાવવાનો મુદ્દો છે. જો ઘણા આર્થિક સામાજિક મુદ્દાઓ સાથે સંકળાયેલાં છે. છોકરીઓ સાથે બનતી દુર્ઘટના અને અત્યાચારોને કારણે પણ ઘણાં માતાપિતા તેને સાસરે વળાવી નિરાંત લેવા માંગે છે. આ તમામ બાબતો જોતાં કાયદા કરતાં સમજણ પર ભરોસો વધારે રાખવાની જરૂર છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top