કર્ણાટકની ભાજપ સરકારના એક મંત્રીની કથિત સેક્સ સીડી બહાર આવી તેને કારણે નાનકડો ધરતીકંપ સર્જાયો છે, પણ તેથી મોટો ધરતીકંપ બીજા ૬ પ્રધાનોનું કોઈ કૌભાંડ બહાર આવે તેને કારણે સર્જાવાની સંભાવના છે. કાગડા બધે કાળા જ હોય છે. રાજકારણીઓ લગભગ બધા લંપટ જ હોય છે.
ભૂતકાળમાં કોંગ્રેસના કેટલાક રાજકારણીઓના સેક્સ કૌભાંડો બહાર આવ્યા હતા, તેમ હવે ભાજપના રાજકારણીઓનાં કૌભાંડો બહાર આવી રહ્યાં છે, કારણ કે હવે તેઓ સત્તા પર છે. સત્તાનો ઉપયોગ કરીને લાચાર મહિલાઓનું જાતીય શોષણ કરનારા રાજકારણીઓનો આપણા દેશમાં તોટો નથી. જે ૬ પ્રધાનોનું કૌભાંડ બહાર આવવાની સંભાવના છે તેઓ એટલા ભયભીત થઈ ગયા છે કે તેમણે અદાલતમાં જઈને ૬૭ મીડિયા હાઉસ સામે તેમની બાબતમાં કોઈ પણ બદનક્ષીયુક્ત સમાચાર પ્રગટ કરવા સામે મનાઇહુકમ મેળવી લીધો છે.
ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં આ પહેલી એવી ઘટના હશે કે દેશના મોટામાં મોટા મીડિયા હાઉસને પ્રતિબંધિત કરતો હુકમ તાત્કાલિક બહાર પાડવામાં આવ્યો છે. આપણી સરકાર અને કોર્ટો એક બાજુ અભિવ્યક્તિ સ્વતંત્રતાની વાતો કરે છે અને બીજી બાજુ મીડિયા હાઉસના મોંઢે તાળું મારવામાં આવી રહ્યું છે, કારણ કે સત્તામાં રહેલા કેટલાક રાજકારણીઓની પ્રતિભા ખરડાઇ જાય તેમ છે.
ભૂતકાળમાં જ્યારે કેટલાક હિન્દુ સંતો કે સંન્યાસીઓ ઉપર મીડિયા દ્વારા જાતીય કૌભાંડના આક્ષેપો કરવામાં આવ્યા ત્યારે અદાલતો દ્વારા મનાઇહુકમો આપવામાં આવ્યા નહોતા. ભારતના ન્યાયતંત્ર માટે રાજકારણઓ પવિત્ર ગાય સમાન છે.
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એચ.ડી. કુમારસ્વામીએ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે કર્ણાટકના ભૂતપૂર્વ પ્રધાનની સીડી બહાર પાડનારા સમાજીક કાર્યકર દિનેશ કાલાહલ્લીએ પાંચ કરોડ રૂપિયા માગ્યા હતા, પણ સોદો પાર ન પડતાં તેમણે સીડી બહાર પાડી દીધી હતી. કુમારસ્વામીએ કાલાહલ્લીની ધરપકડની માગણી કરી છે.
માંડીને વાત કરીએ તો કર્ણાટકના રાજીનામું આપી ચૂકેલા સિંચાઈ મંત્રી રમેશ જારાકીહોલી પર આક્ષેપ છે કે તેમણે એક મહિલાને નોકરી આપવાને બહાને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેનું જાતીય શોષણ કર્યું હતું.
આવો આક્ષેપ કરનારા સામાજીક કાર્યકર દિનેશ કાલાહલ્લી દ્વારા અજાણી મહિલા સાથે ભૂતપૂર્વ સિંચાઈ મંત્રી રમેશ જારાકીહોલીની સીડી મીડિયા હાઉસને આપી હતી. કેટલીક ન્યૂઝ ચેનલો દ્વારા બુધવારે આ સીડી બતાડવામાં આવી હતી.
રમેશ જારાકીહોલીએ સીડીમાં તેમનો ચહેરો હોવાનો ઇનકાર કર્યો હતો, પણ નૈતિક ભૂમિકા પર રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ સીડી પ્રગટ કરનારા દિનેશ કાલાહલ્લીએ પોલિસમાં ફરિયાદ કરી હતી કે તેમની હત્યા થઈ જાય તેવી સંભાવના છે, માટે તેમને પોલિસ સંરક્ષણ આપવામાં આવે.
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કુમારસ્વામીએ માગણી કરી હતી કે દિનેશ કાલાહલ્લીની બ્લેકમેઇલિંગ કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવે. જો દિનેશ કાલાહાલ્લીની ધરપકડ કરવામાં આવે કે તેમની પૂછપરછ કરવામાં આવે તો તેમની પાસેથી ઘણા રાજકારણીઓની સીડી મળી આવે તેમ છે. કદાચ તેમની વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરનારા ૬ પ્રધાનોનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે.
મજાની વાત એ છે કે રાજીનામું આપનારા પ્રધાનશ્રી સહિત સાતેય પ્રધાનો ગયાં વર્ષે પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા, ફરીથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. તેમને કોર્ટમાંથી રાહત મળી તે પછી ભાજપમાં જોડાયેલા બીજા ૧૦ વિધાનસભ્યો પણ અદાલતમાં જવાની તૈયારી કરી રહ્યા છે.
બેંગલોરની સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે બદનક્ષીની ફરિયાદમાં એક અભૂતપૂર્વ પગલું ભરીને રાજ્યના ૬ પ્રધાનોની ફરિયાદને પગલે ૬૭ મીડિયા હાઉસના મોંઢે તાળું મારવાનો આદેશ કર્યો છે. અદાલતે પોતાના આદેશમાં જણાવ્યું છે કે મીડિયા હાઉસને ચકાસણી વગર બદનક્ષીયુક્ત સમાચારો પ્રગટ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પણ તેઓ કોઈ ખરેખરા સમાચારો હોય તો પ્રગટ કરી શકે છે.
હકીકતમાં પ્રધાનોના જૂથ દ્વારા ૬૮ મીડિયા હાઉસો ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી હતી, પણ એક મીડિયા હાઉસ દ્વારા કોર્ટમાં કેવિયેટ કરવામાં આવી હોવાથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નહોતો. બાકીના ૬૭ મીડિયા હાઉસનો પક્ષ સાંભળ્યા વિના તેમના સામે મનાઇહુકમ આપવામાં આવ્યો છે.
જો તેઓ હાઈ કોર્ટમાં કે સુપ્રિમ કોર્ટમાં જાય તો આ મનાઇહુકમ રદ્દ કરાવી શકાય તેવો છે. ભાજપ સરકાર આ કૌભાંડથી એવી હચમચી ગઈ છે કે તેના આરોગ્ય પ્રધાન કે. સુધાકર સમાચારોનું પ્રસારણ રોકવા કાયદો કરવા તૈયાર થઈ ગયા છે.
કર્ણાટકના કોઈ રાજકારણીએ સેક્સ કૌભાંડના આક્ષેપ હેઠળ રાજીનામું આપવું પડ્યું હોય તેવી આ પહેલી ઘટના નથી. ૧૯૭૩માં દેવરાજ અર્સ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમના ગૃહ રાજ્ય પ્રધાન આર.ડી. કિત્તુરે એક મહિલાને ગુમ કરવાના આક્ષેપ હેઠળ રાજીનામું આપ્યું હતું.
૨૦૦૭માં ભાજપના તત્કાલીન વિધાનસભ્ય રેણુકાચાર્ય પર એક નર્સે જાતીય સતામણીનો આરોપ મૂકીને પોલિસમાં ફરિયાદ કરી હતી. રેણુકાચાર્ય તેને બળજબરીથી ચુંબન કરી રહ્યા હોય તેવી તસવીર પણ નર્સ દ્વારા બહાર પાડવામાં આવી હતી. તેમ છતાં ૨૦૦૮માં મુખ્ય મંત્રી યેદિયુરપ્પાએ તેમને પ્રધાન બનાવ્યા હતા. હવે તેઓ મુખ્ય પ્રધાનના રાજકીય સચિવ છે.
૨૦૧૦માં ભાજપની યેદિયુરપ્પા સરકારના તત્કાલીન મંત્રી હરતાલ હલપ્પા પર તેમના એક મિત્રે તેની પત્ની પર બળાત્કાર કરવાનો આક્ષેપ કર્યો તેને પગલે હલપ્પાએ રાજીનામું આપવું પડ્યું હતું. જોકે ૨૦૧૭માં કર્ણાટકની અદાલતે તેમને બળાત્કારના આરોપમાંથી મુક્ત કર્યા હતા.
૨૦૧૨માં કર્ણાટક ભાજપના ત્રણ સભ્યો ચાલુ વિધાનસભામાં મોબાઇલ ફોન પર બિભત્સ વીડિયો ક્લિપ જોતા પકડાઇ ગયા હતા. તેમની સામે તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. ચાર વર્ષની તપાસ પછી સમિતિએ વીડિયો ક્લિપ મોકલનારા વિધાનસભ્યને તકસીરવાર ઠરાવ્યા હતા, જ્યારે બાકીના બેને ક્લિન ચીટ આપી હતી. બાકીના બે પૈકી લક્ષ્મણ સવાડી અત્યારે ભાજપ સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન છે અને સી.સી. પાટિલ માહિતી પ્રધાનનો હોદ્દો શોભાવી રહ્યા છે.
૨૦૧૩માં વિધાનસભાની ચૂંટણી પહેલા વિધાનસભ્ય રઘુપતિ ભાટની કોઈ મહિલા સાથેની બિભત્સ સીડી બહાર પડી હતી. તેમને છેલ્લી ઘડીએ ચૂંટણીમાંથી ખસી જવાની ફરજ પડી હતી. જોકે ૨૦૧૮માં તેઓ ભાજપની ટિકિટ પર ઉડુપી વિધાનભા બેઠક પર ચૂંટાઈ આવ્યા હતા. ૨૦૧૫માં ભાજપના ભૂતપૂર્વ પ્રધાન રામદાસ પર કોઈ મહિલા દ્વારા જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આક્ષેપથી હતાશ થયેલા રામદાસે આપઘાતની કોશિષ કરી હતી.
જોકે પાછળથી પોલિસ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમને ક્લિન ચીટ આપવામાં
આવી હતી. ૨૦૧૬માં કોંગ્રેસ સરકારમાં ૭૧ વર્ષના પ્રધાન એચ.વાય. મેતીની ૩૦ સેકન્ડની વીડિયો ક્લિપ બહાર પડી હતી. તેમની પર નોકરીની લાલચ આપીને મહિલાનું જાતીય શોષણ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. મહિલા દ્વારા ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવતા પોલિસે પાછળથી તેમને પણ ક્લિન ચીટ
આપી હતી.
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.