ગયા જૂન મહિનામાં ગલવાન ખીણમાં ભારતના સૈનિકો અને ચીનના સૈનિકો બરાબરના બાખડયા હતા. જંગ ભારે લોહિયાળ હતો. એ જંગમાં ભારતના 20 જેવા સૈનિકોને પ્રાણની આહુતિ આપવી પડેલી. એક અમેરિકન સંસ્થાએ તે વખતે દાવો કર્યો હતો કે આ અથડામણમાં ચીનના 30 કરતાં વધુ સૈનિકોનો ભારતીય જવાનોએ ખુરદો બોલાવી દીધો હતો.
ટૂંકમાં આ અથડામણમાં ભારતના સૈનિકો કરતાં ચીનના સૈનિકોની ખુવારીનો આંકડો વધારે હતો. એટલે આપણા લશ્કરનો હાથ ઊંચો રહેવા પામેલો. હવે ચીન કહે છે કે ગલવાન ખીણની બાથંબાથીમાં અમારા તો રોકડા ચાર સૈનિકોનાં જ મોત થયાં હતાં.
આ વાત જો સાચી હોય તો ગલવાન ખીણની એ હાથપાઇવાળી લડાઇ ભારતને ખરેખર ભારે પડી ગણાય. ચીન સાથેની એ અથડામણમાં આપણા સૈનિકોની ખુવારી પાંચ ઘણી વધુ થઇ ગણાય. ધારો કે અમેરિકાની ગુપ્તચર સંસ્થાની કરેલી જાહેરાત જો સાચી હોય તો અમેરિકાએ હવે પછી ફરીથી ખુલાસો કરવો જોઇએ કે ચીનના 30 થી વધુ સૈનિકોને ભારતના જવાનોએ મોતને ઘાટ ઉતાર્યા હતા.
એટલું જ નહિ, જે ચાર ચીની સૈનિકો મરાયા હતા એવી ચીનની અત્યારની જાહેરાત સાવ ખોટી છે એવું ચીન પાસે અમેરિકાએ કબૂલ કરાવવું જોઇએ. જો ખરેખર આપણા 20 જેવા સૈનિકો અથડામણમાં શહીદ થયા હોય અને સામે પક્ષે ચીનના ચાર જ સૈનિકો મરાયા હોય તો આ ઘટના આપણે માટે ખરેખર અત્યંત દુ:ખદ છે.
સુરત – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.