એલ.એન્ડ ટી. ના ચેરમેન એસ. એન. સુબ્રમણ્યનના વિધાને સોશ્યલ મિડિયા પર ચર્ચા જગાવી છે. આ ચર્ચા મહત્ત્વની છે એટલે એ માત્ર નેટીઝન પૂરતી મર્યાદિત ના રહેવી જોઈએ. કારણકે કોર્પોરેટ જગતના દિગ્ગજોનું સમાજમાં આગવું સ્થાન છે. તેમની સફળતા અનેક લોકોને પ્રેરણા આપે છે. એમના બોલાયેલા શબ્દોની સમાજ પર, ખાસ કરીને યુવા પેઢી પર ઊંડી અસર પડતી હોય છે. એટલે એમના શબ્દો, એનો ભાવાર્થ અને એની પાછળની વિચારધારા સમજવાં પડે. શ્રી સુબ્રમણ્યને કંપનીના કર્મચારીઓ સાથેની એક ઓનલાઈન મીટીંગમાં કહ્યું કે એમને ખેદ છે કે તેઓ રવિવારે સૌને કામ પર બોલાવી નથી શકતા. બધાએ અઠવાડિયાના નેવું કલાક કામ કરવું જોઈએ. ઘરે બેસીને પત્નીને ક્યાં સુધી તાક્યા કરશો!
શ્રી સુબ્રમણ્યને કહેલી વાતનાં ત્રણ મહત્ત્વનાં પાસાં છે – એક, પરિશ્રમનું મહત્ત્વ, બે, પરિશ્રમની સંકલ્પના અને ત્રણ, પરિશ્રમની સંકલ્પના પાછળ રહેલી જાતીય (જેન્ડર) સમજ. જ્યાં સુધી પરિશ્રમના મહિમાની વાત છે તો મહેનતનો કોઈ વિકલ્પ નથી એ વાતમાં કોઈ બેમત હોઈ ના શકે. કશુંક પામવા માટે મહેનત કરવી જ પડે એ એક સાર્વત્રિક નિયમ છે. સફળતાની ટોચે પહોંચેલી વ્યક્તિ હોય કે મર્યાદિત સાધનો વડે જીવન સુધારવા માંગતી વ્યક્તિ હોય, મહેનત તો બધાએ કરવી જ પડે.
થોડાં વર્ષ પહેલાં ઈન્ફોસીસના સ્થાપક નારાયણ મૂર્તિએ યુવાનોને અઠવાડિયાના સિત્તેર કલાક કામ કરવા કહ્યું હતું. બંને મહાનુભાવો યુવા પેઢીને મહેનત કરવાની સલાહ સર-આંખો પર. તેમણે પોતાના જીવનમાં ખૂબ મહેનત કરી ને ખૂબ ઊંચા આદર્શના દૃષ્ટાંત આપ્યાં છે. પણ જ્યારે સફળતા માટે થતી મહેનતને માપવા માટે માત્ર કામના કલાકને ગણતરીમાં લેવામાં આવે ત્યારે ઘણા પ્રશ્નો ઊભા થાય છે. અઠવાડિયાના સિત્તેર થી નેવું કલાક એટલે દિવસના લગભગ દસ થી સાડા બાર કલાક, તે પણ રવિવારની રજા વગર. શું માત્ર કામના કલાક વધારવાથી ઉત્પાદન વધી શકે? શું મહેનતનાં મીઠાં ફળમાં સૌ ને શો હિસ્સો મળે છે?
શું આટલું કામ માનસિક તંદુરસ્તી માટે યોગ્ય છે? શું જિંદગી માત્ર કામ અને આરામ એ બે પ્રવૃત્તિમાં જ સમેટાઈ જઈ શકે? માનવસમાજનો વિકાસ થાય એમ કળા, સાહિત્ય અને રમત ગમત માટે પણ સમય મળે એ માટેની જોગવાઈ થવી જોઈએ, જેથી સ્વસ્થ માનસિક તંદુરસ્તીવાળી વ્યક્તિ વધુ સર્જનાત્મકતાથી કામ કરી શકે, જે ઓછા કલાકમાં વધુ ઉત્પાદન આપી શકે. ઘણી ટોચની આઈ.ટી. કંપની પોતાના કર્મચારી વધુ સમય પોતાના કુટુંબ સાથે ગાળી શકે એ પ્રકારની નીતિ ઘડે છે કારણ કે ઘણાં સંશોધનોએ સાબિત કર્યું છે કે કુટુંબ સાથે વધુ સમય વિતાવતી વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ રહેતી હોય છે જે એની ઉત્પાદકતા પણ વધારે છે. એટલે માણસને ઉત્પાદનનું સાધન ગણતી કોર્પોરેટ માટે પણ કર્મચારીઓ પાસેથી લાંબા કલાકો સુધી કામ કરાવવું એ યોગ્ય નીતિ નથી. સમગ્ર ચર્ચામાં એ ના ભુલાવું જોઈએ કે માણસ માત્ર ઉત્પાદનનું સાધન નથી, એના સર્વાંગી કલ્યાણનો વિચાર કોઈ પણ ઉત્પાદન ક્ષેત્રમાં વણાયેલો હોવો જોઈએ.
કામના બજારમાં અનેક પ્રકારની અસમાનતા રહેલી છે. દરેકને કામ મળતું નથી, મળે છે તો પોતાની યોગ્યતા મુજબ કામ મળતું નથી, યોગ્યતા પ્રમાણે મળે છે તો એ માટે યોગ્ય વળતર મળતું નથી. ગુગલ પર મળતી માહિતીને માનીએ તો શ્રી સુબ્રમણ્યનનું નામ દેશમાં મહત્તમ વળતર મેળવતા ટોચના દસ સી.ઈ.ઓ.ની યાદીમાં શામેલ છે. તેમનું ૨૦૨૩-૨૪માં વાર્ષિક મહેનતાણું ૫૧ કરોડ રૂપિયા હતું જે એલ. એન્ડ ટી. માં કામ કરતા કર્મચારીના સરેરાશ પગાર કરતાં ૫૩૫ ગણું વધારે છે. સ્વાભાવિક છે કે સી. ઇ.ઓ. અને સામાન્ય કર્મચારી ના વધુ કલાકો કામ કરવા માટેના પ્રોત્સાહક બળમાં ફરક હોવાનો. વળી, જ્યારે માણસ પોતાના સપનાને સાકાર કરવા કામ કરે ત્યારે કામના કલાકો વધવાથી આનંદ મળે પણ જ્યારે બીજા માટે નોકરી કરે તો એનો ભાર લાગે કારણકે બંનેમાં વ્યક્તિના વિકાસની શક્યતામાં આસમાન જમીનનો ફરક છે.
શ્રી સુબ્રમણ્યનની વાતમાં ત્રીજો મુદ્દો જેન્ડર દૃષ્ટિકોણનો પણ છે. ઘરે વિતાવેલ સમયમાં ઘર અને બાળકો સંભાળવાની જવાબદારી પતિ – પત્ની બંને જોડે મળીને ઉપાડતાં હોય છે. શહેરી દંપતીમાં આ જવાબદારી માત્ર સ્ત્રીની જ રહી નથી. એટલે જ્યારે શ્રી સુબ્રમણ્યન એમ કહેતા હોય કે ઘરે બેસીને તમે કેટલી વાર પત્નીને તાક્યા કરશો, ત્યારે તેમની વાતમાં આધુનિક જીવનમાં રહેલા સમાનતાના આદર્શનો અભાવ દેખાય છે.
કામના કલાક વધારવાથી સફળતા આપોઆપ નથી આવતી. એવું હોત તો મજૂરી કરીને જીવતા શ્રમજીવીની આવક ઘણી ઊંચી હોવી જોઈતી હતી. દિવસની બે પાળીમાં કામ કરી આવક વધારવા મથતાં લોકોનું જીવનધોરણ ઘણું સારું હોવું જોઈતું હતું. દિવસ-રાત જોયા વિના ઘરનાં કામ કરતી દરેક મહિલાની મહેનત તો એમને કયે સ્તરે પહોંચાડી શકી હોત. પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. ટૂંકમાં મહેનતના નામે કામના કલાક વધારવાની સલાહ શોષણનો એક નવો પ્રકાર ના બની જાય.
નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.