હાલમાં કોર્પોરેટ કંપનીઓમાં કામનાં કલાકો મુદ્દે ઘણી ચર્ચાઓ પ્રકાશમાં છે. હવે પ્રશ્ન એ થાય કે શું કામના કલાકો વધારવાથી પ્રોડકશન વધી શકે? આટલા બધા કલાક કામ કરવાથી શારિરીક માનસિક સ્વાસ્થ્ય જાળવી શકાય? એવું બને કે અંતે વેઠ જ ઉતારે. ઓછા સમયમાં પણ પ્રમાણ કરતાં ગુણવત્તાને જાળવી શકાય. આજે કોઇપણ વ્યક્તિને તેના કૌટુંબિક, સામાજિક સંબંધોને ન્યાય આપવો જરૂરી જ નહિ, કયારેક અનિવાર્ય પણ બની રહે છે.
વળી પરિવાર, મિત્રો સાથે સમય ગાળવો એ તેના જીવનનો જ એક ભાગ છે. બની શકે કે તે તેને રીલેક્સ ફિલ કરાવી એનર્જીનું કામ કરે. આજના સફળ ઉદ્યોગપતિઓની દલીલ છે કે તેઓએ ઘણો પુરુષાર્થ કરી, મહત્તમ સમયનો ભોગ આપી આ મુકામ હાંસલ કર્યો છે પણ એનો અર્થ એ તો નથી જ કે વધુ સમય કામ કરવાથી જ સફળ થવાય! સ્વસ્થ તન-મનથી મર્યાદિત સમયમાં પણ મહત્ત્વ ગુણવત્તા યુકત વળતર મળે જ છે. એમાં બેમત નથી.
સુરત – કલ્પના બામણીયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
કુલિંગ ઓફ પિરિયડ અર્થાત ઠંડકનો સમયગાળો!
ગુસ્તાખી માફ! બહુધા પોલીસ અમલદારો, નવાસવા વકીલો સહિત જુનિયર કક્ષ મેજિસ્ટ્રેટો અને કોર્ટ મીડીએશન સેન્ટરના કથિત સાહેબો વગેરેઓને પણ કવચિત કુલિંગ ઓફ પિરિયડ વિશે સંભવત જાણકારી કદાચ નહીં પણ હોય શકે! ખેર, કોઈ વ્યક્તિ કંઈક કરે તે પહેલાં અથવા કરાર અંતિમ બને તે પહેલાં પસાર થવો જોઈએ તે સમયગાળો! કાયદા મુજબ બંદૂક ખરીદવા અને તેને રાખવા વચ્ચે એક કૂલિંગ પિરિયડ હોવો જરૂરી છે! હડતાળ પહેલા કામદારો 30 દિવસના શાંત સમયગાળા માટે સંમત થયા છે!
એકવાર કરાર પર હસ્તાક્ષર થાય પછી વિચાર બદલવા માટે 14 દિવસનો સમય હોય છે! હાલમાં ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની મોડેલ ધનશ્રી વર્માએ છૂટાછેડા લેતા ઘણા સમયથી ચાલી રહેલી ચર્ચાને વિરામ મળી ગયો! બંનેએ ફેમિલી કોર્ટમાં પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાની અરજી કરી હતી. આ માટે તેઓ બંનેએ છૂટાછેડા પૂર્વે ફરજિયાત છ મહિનાનો ગાળો માફ કરવા બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટે છ મહિનાનો ‘કુલિંગ ઓફ પિરિયડ’ રદ કરીને ફેમિલી કોર્ટને અરજી પર નિર્ણય આપવાનો નિર્દેશ આપ્યો હતો! આમ, થોડીક ઠંડક અને ધીરજ રાખો એ માટેના સમયગાળાને! ‘કુલિંગ ઓફ પિરિયડ’ કહી શકાય છે!
સુરત – સુનીલ બર્મન – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
