SURAT

સુરતની કેટલીય સરકારી ઓફિસો મચ્છરનું ઘર,37 મિલક્તોને નોટિસ

SURAT : સુરત મનપાના ( SMC) વાહકજન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે વિવિધ મિલકતોમાં સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ ઘણો વધી રહ્યો છે. જેના કારણે રોગચાળો પણ વકરી રહ્યો છે. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની જ મિલકતોમાં મચ્છરોનો ઉપદ્રવ મળી આવતાં 37 મિલકતને નોટિસ ( NOTICE) ફટકારવામાં આવી છે. મનપા દ્વારા મોટા ઉપાડે શહેરીજનોને મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે પરંતુ સરકારી મિલકતોમાં જ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાહકજન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે તા.1 જૂનથી વીબીડીસી વિભાગના કર્મચારીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની મિલકતોના સરવેની કામગીરીમાં જોડીને સમગ્ર શહેરમાં આવેલા તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારની મિલકતોનો સરવે કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 220 પ્રિમાઈસીસ ચેક કરતાં 3402 સ્પોટ સરવે કરી કુલ 58 બ્રિડિંગનો નાશ કરાવવામાં આવ્યો હતો અને 37 પ્રિમાઈસીસોના જવાબદાર નોડલ ઓફિસરને નોટિસ ઈશ્યુ કરવામાં આવી હતી અને 4 સંબંધિત મિલકતદાર પાસેથી 19,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.


કઈ કઈ મિલકતોને દંડ ફટકારાયો?

કતારગામ ઝોનમાં 35 પ્રિમાઈસીસ ચેક કરતાં 15 નોટિસ આપવામાં આવી હતી અને 2 ઈસમ પાસેથી જે.પી.સ્ટ્રક્ચર, સોલિડ વેસ્ટ ટ્રાન્સફર પ્લાન્ટ.,શ્રીરામ ચોકડી પાસેથી 10,000 અને પી.દાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસાડ વોટર વર્કશોપને 2000 એમ કુલ રૂા. 12,000નો દંડ, વરાછા-એ ઝોનમાંથી 19 પ્રિમાઈસીસ ચેક કરતાં 5 નોટિસ આપવામાં આવી હતી અને 2 ઈસમ પાસેથી પાણીની ટાંકી મગોબને અને ભંડેરી લેબોરેટરી, લેપ્રસી હોસ્પિટલની સામે ભંડેરી લેબને કુલ રૂ.7000નો દંડ ફટકારાયો હતો. તેમજ સેન્ટ્રલ ઝોનમાંથી 33 પ્રિમાઈસીસ ચેક કરતાં મહિધરપુરા પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન-મહિધરપુરા, જીલ્લા પંચાયત દરિયા મહેલ, ઈએસઆઈસી વીમા ક્વાટર્સ, ફોરેન્સિક લેબોરેટરી પોલીસ ચોકી– ઉધના દરવાજાને કુલ 6 નોટિસ આપવામાં આવી હતી. રાંદેર ઝોનમાં 29 પ્રિમાઈસીસ ચેક કરાતાં બી.એસ.એન.એલ.ઓફિસ, ચિલ્ડ્રન હોમ્સ ફોર ગર્લ્સ (રામનગર),ગવર્નમેન્ટ ક્વાર્ટસ (રામનગર), પાલ આરટીઓ ઓફિસ ,એસ.ટી.ડેપો એમ કુલ 5 નોટિસ આપવામાં આવી હતી. તેમજ ઉધના ઝોનમાંથી 16 પ્રિમાઈસીસ ચેક કરતાં ખટોદરા પોલીસ સ્ટેશન–ઉધના, જી.ઈ.બી.—બમરોલી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન–ભેસ્તાન એમ કુલ 3 નોટિસ આપવામાં આવી હતી અને અઠવા ઝોનમાં 55 પ્રિમાઈસીસ ચેક કરતાં નવી સિવિલ, દક્ષિણ ગુજરાત યુનિ., સુડા ભવન એમ કુલ 3 નોટિસ આપવામાં આવી હતી. લિંબાયત ઝોનમાં ૧૩ અને વરાછા-બી ઝોનમાં 20 પ્રિમાઈસીસ ચેક કરવામાં આવી હતી. આમ, તમામ ઝોનમાંથી કુલ 220 પ્રિમાઈસીસ ચેક કરતાં 3402 સ્પોટ સરવે કરી કુલ 58 બ્રિડિંગનો નાશ કરાવવામાં આવ્યો હતો અને કુલ રૂ.19,000નો દંડ ફટકારાયો હતો.

Most Popular

To Top