જયારે વાત ચાર દિવાલોની વચ્ચે થતી કે બંધ ઓરડાઓમાં થતી ત્યારે આવા પ્રશ્નો થાય કે વાત કયાંથી લીક થઇ? એટલે જ કોઇએ કીધું હશે કે ‘દિવાલો કે ભી કાન હોતે હૈ!’ પણ આ બધુ પહેલા થતું હતું હવે આ ડિજીટલ માધ્યમ અને સર્વવ્યાપી સોશ્યલ મિડિયાનો વ્યાપ વધતાં દિવાલો કાણાં વાળી તો થઇ જ ગઇ છે પણ સાથે સાથે કેમેરાવાળી પણ થઇ ગઇ છે. કોની વાત કયાંથી અને કેવી રીતે વાયરસની જેમ વાયરલ થાય છે એની ખબર નથી પડતી, નો ડાઉટ એમાં માહિતી મળે છે પણ ધ ફેકટ
ઇઝ કે ખરાશ જેવી ખોટી માહિતી અને અજગરની જેમ અફવાઓ આપણી આસપાસ વિંટાઇ જાય છે અને આપણને ઘેરી લે છે. એ એટલી હદે સાયકોલોજીકલી આપણને ઇફેકટ કરે છે કે એની ખબર ય આપણને નથી પડતી. ખાસ કરીને આ પેન્ડેમિક સ્થિતિમાં સમાચાર પત્રો, ન્યુઝ ચેનલ્સ અને સોશ્યલ મિડીયાના કેટલાંક પેઝ (જેનો મુખ્ય વ્યવસાય એન્ટી સોશિયલ માહિતી શેર કરવાનો જ હોય છે.) ઉપર એટલી બધી અરાજકતા ફેલાવીને કે માણસ અરેરાટી નાંખી જાય.
અત્યારે પણ ત્રીજી લહેર, થર્ડ વેવની વાતો ચાલી રહી છે. આ વેવ બાળકોને સૌથી વધારે અસર કરશે એવા પણ અનુમાન લાગી રહ્યા છે. હવે એ અનુમાન કેટલાં સાચા છે એ તો હનુમાન જાણે. અકોર્ડીંગ ટુ સાઇકોલોજી આપણા ઉપર બે ઇફેકટ કામ કરતી હોય છે: (૧) પ્લેસીબો અને (૨) નોસીબો પ્લેસીબો મિન્સ કે આપણે જે સાંભળીએ છીએ, જોઇએ છીએ જે વાતાવરણમાં રહીએ છીએ એ જો પોઝિટીવ હોય તો આપણા શરીર પર એની પોઝિટીવ અસર થાય છે અને એથી ઉલ્ટું જો આપણે નેગેટીવ એટમોસ્ફીયરમાં હોઇએ તો આપણા પર એની જ અસર થાય છે.
સબકોન્શ્યસ માઇન્ડની થિયરી પણ આની સાથે જ કનેકટેડ છે. હમણાં જ છાપામાં વાંચેલ એક સર્વેની વાત કરું તો એક સંશોધન પ્રમાણે જે લોકો સોશ્યલ મીડિયા પર કોવિડ-19 અંગેની વિગતો વધુ જુએ છે તેમનામાં તીવ્ર અન્ગ્ઝાયટીના લક્ષણો વધે છે. આ સર્વે ચાઇનાના કુલ-31 પ્રદેશોના 4872 વયસ્કો પર કરવામાં આવ્યો હતો. આમાંના કુલ: 82% લોકો માહિતી માટે સોશ્યલ મીડિયા પર આધાર રાખતાં. એમાંનાં 48% ને તીવ્ર ડિપ્રેશનના લક્ષણો જોવા મળ્યાં. 23% ને એન્ઝાયટી કે ગભરામણનાં લક્ષણો અને 19% માં એન્ઝાયટી અને ડિપ્રેશન બંને જેવા મળ્યા. અધધધ!
આપણી તકલીફ એ જ છે કે સોશ્યલ મિડીયા કે સોશ્યલ ઓટલા પર થતી ચર્ચાઓમાં કેટલું ફેકટ છે અને કેટલાં ફાંકા છે એ આપણે જાણી શકતાં નથી. ઓટલા પરિષદમાં તો આપણે હજુ યે વ્યકિતને જોઇને કે ઓળખતા હોય એટલે અંદાજ લગાવી શકીએ પણ સોશિયલ મીડિયાના પેજીસ કોણ હેન્ડલ કરે છે. એના સોર્સીસ શું છે? એ તો આપણે જાણી શકતા નથી. કેટલીક વાર મોરારીબાપુ, કલામ સાહેબ, ભગવદ્ગીતાના નામ પર બેવફાની શાયરીઓ ઠોકમ-ઠોક કરી હોય ત્યારે હસવું પણ આવે અને શરમ પણ આવે કે સાવ આમ, થોડું હોય કાંઇ?
પણ અત્યારે પણ આ ત્રીજી લહેરમાં એ લોકોમાં પણ એટલી જ બીક છે કે જેમનો અગાઉની બે લહેરમાં વારો નથી આવ્યો. પણ ફરી ફરીને એક જ વાકય યાદ રાખવું કે કોરોના નહીં પણ કોઇપણ રોગ શરીરમાં પછી પ્રવેશે છે પહેલા મનમાં પ્રવેશે છે. જો એ રોગ શરીરમાં પ્રવેશી ગયો પણ મન મજબુત હોય તો એ રોગ કંઇ ખાસ ઝંડો ગાળી નહી શકે. પણ આપણી જાતને કેવા માહોલમાં રાખવી એ આપણા હાથની વાત છે. આફટર ઓલ રસીકરણ ભલે સરકારના અંદરમાં હોય પણ નેગેટિવ વિચારોના વશીકરણમાં ન આવી જઇએ એ તો આપણી અંડર (અંદર) છે. પરાગ પાનસુરીયા