Charchapatra

એક દંપતિને કેટલાં બાળકો હોવા જોઈએ?

થોડા સમયથી દંપતીએ વધુ બાળકો પેદા કરવાં એવી એક ચર્ચા ચાલી રહી છે. એક તરફ આજના યુવાનો અને યુવતીઓ લગ્ન કરવા કરતાં પોતાનું કરિયર બનાવવાને મહત્ત્વ આપી રહ્યા હોવાથી ત્રીસેક વર્ષ તો મોટી ડિગ્રી પ્રાપ્ત કરવામાં જ પસાર કરી દે છે અને ત્યારબાદ પણ કુંવારા રહેવાનું પસંદ કરે છે. પહેલાં તો તેઓને પરણાવવા માટે મનાવવા પડશે. આજની છોકરીઓને સાસરે જવું એ કાળા પાણીની સજા જેવું લાગે છે. ખેડૂત, વેપારી, ધંધાદારી કે એવો કોઈ વ્યવસાય હોય કે જેમાં પોતાના કુટુંબના માણસોથી ચાલી શકે તેમ હોય તો વધુ સંતાનો હોય તો ચાલે.

પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગ માટે તો એક બાળકનો ઉછેર જ સારી રીતે થઈ શકે. આજકાલ તો કેટલાક દંપતીને ઘણાં વર્ષો સુધી બાળકો થતાં નથી અને છેવટે બાળક દત્તક લેવું પડે છે કે ટેસ્ટ્યુબથી બાળક પેદા કરાય છે. તેવા સંજોગોમાં વધારે બાળકોનો સવાલ રહેતો નથી. આમ,પોતે પેદા કરેલ બાળક તેનું જીવન સારુ પ્રાપ્ત કરી શકે તેવો ઉછેર શક્ય હોય તેટલાં જ બાળકો પેદા કરવાં જોઈએ. બાકી ફૂટપાથ પર રહેતા યુગલ કે ભિખારી દંપતીને તમે બાળક વગરનાં જોયાં છે? ભિખારણની કેડમાં રોગી કે અપંગ બાળક હોય તે જ તેને ભીખ માંગવા માટે મદદરૂપ થાય છે.
ગોડાદરા,સુરત – પ્રવિણ પરમાર

Most Popular

To Top