Charchapatra

કોંગ્રેસ પર આકરા પ્રહારો કયાં સુધી?

આમ તો ગુજરાત સરકારનાં દશેક વર્ષના શાસન દરમ્યાન કોંગ્રેસ પર આકરા પ્રહારો શાસક પક્ષ તરફથી થયા જ હતા.પછી 2014 માં સત્તાપલટો થતાં વિજયના નશાને કારણે એમ કહેવાયું કે દેશનાં વિકાસકામો છ દાયકાના શાસનમાં આ પક્ષે કર્યાં જ નથી.પણ પછી ‘અચ્છે દિન’ ની આતશબાજીમાં સમય જતાં લોકોના મગજમાં એવું ઠસાવવાનો પણ પ્રયાસ થયો કે દેશમાં બનતી તમામ સારી બાબતોનો યશ વર્તમાન સરકારને અને નબળી બાબતોનું ઠીકરું કોંગ્રેસના કપાળ પર ફોડાયું.વચ્ચેના સમયમાં તો કોંગ્રેસમુકત ભારતનો ગણગણાટ પણ ખૂબ થયો.પણ કોંગ્રેસ સદનસીબે બચી ગઇ.

એ તો ઠીક, અન્ય રાજયોમાં વિરોધના વંટોળ વચ્ચે બિલ્લી પગે સત્તા પણ હાંસલ કરી. હિમાચલ પ્રદેશ અને કર્ણાટક વિધાનસભા આનાં તાજાં ઉદાહરણ છે.કોઈ પણ વ્યકિત અને પક્ષ માટે વિવેક વગરનો વિરોધ વખત જતાં એને માટે ટોનિક પુરવાર થાય છે.એ સત્ય બધાએ યાદ રાખવા જેવું છે.મારા મતે ત્રણેક મુખ્ય મુદ્દાઓ, મોંઘવારી,બેરોજગારી અને ભ્રષ્ટાચાર પર જ આકરા પ્રહારો કરવાનો આ સમય છે.અગાઉની સરકારમાં પણ આ હતાં જ.આને પૂરેપૂરાં તો ખુદ ભગવાન પણ નાબૂદ ના કરી શકે, પણ એના ઉપર કંઈક અંશે કાબૂ તો અવશ્ય મેળવી શકાય.હાલની મજબૂત સરકાર આ અંગે ગંભીર તો છે જ, જરૂર છે માત્ર પ્રયાસો વેગવાન બનાવવાની.
સુરત     – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top