મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનની જીત બાદ રાજ્યના મુખ્ય મંત્રી કોણ હશે તે હજુ સ્પષ્ટ નથી. બીજી બાજુ સરકારની સોગંદવિધિ માટે ૫ ડિસેમ્બરની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. શિવસેનાના નારાજ થયેલા નેતા અને કાર્યવાહક મુખ્ય મંત્રી એકનાથ શિંદેને મનાવી લેવાયા કે નહીં તે પણ સ્પષ્ટ થયું નથી. જો કે, એકનાથ શિંદેની પ્રેસ કોન્ફરન્સ બાદ આગામી મુખ્ય મંત્રી ભાજપના જ હશે તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે એકનાથ શિંદે મુખ્ય મંત્રીપદ માટે મક્કમ હતા, પરંતુ હવે તેમણે મુખ્ય મંત્રીપદ માટેનો દડો ભાજપની કોર્ટમાં નાખી દીધો છે.
એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમને મુખ્ય મંત્રીપદની કોઈ ઈચ્છા નથી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપ જે પણ નિર્ણય લેશે તેને તેઓ સ્વીકારશે. એકનાથ શિંદેનો પક્ષ સરકારમાં સામેલ થશે કે બહારથી ટેકો આપશે? તે પણ સમજાતું નથી. જો નારાજ થયેલા શિંદે બહારથી ટેકો આપવાનું નક્કી કરે તો તેઓ ગમે ત્યારે સરકારને ઉથલાવી પાડશે. જો ભાજપનું મોવડીમંડળ એકનાથ શિંદેને મંત્રીમંડળમાં સામેલ થવા સમજાવી શક્યું હોય તો તેમની મોટી સિદ્ધિ ગણાવી જોઈએ. જો એકનાથ શિંદે તેમની ગૃહ ખાતાંની માગણી જતી કરવા તૈયાર થયા હોય તો માનવું પડશે કે તેમનો આ નિર્ણય મજબૂરીથી પ્રેરિત જ છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૧૩૨ બેઠકો મળ્યા બાદ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે મુખ્ય પ્રધાન ભાજપના જ હશે, કારણ કે ભાજપ પાસે મોટી સંખ્યા છે. એવું માનવામાં આવતું હતું કે ગયા વખતની જેમ ભાજપે તેના સહયોગી શિવસેના અને એનસીપીને પૂછવું પડશે નહીં. ૨૩ નવેમ્બરના રોજ પરિણામોના દિવસે ભાજપના વિધાનસભ્ય પ્રવીણ દરેકરે એક નિવેદન આપ્યું હતું કે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જ રાજ્યના આગામી મુખ્ય પ્રધાન બનવું જોઈએ. ત્યારે પ્રવીણ દરેકર એ વાત પર ભાર મૂકતા હતા કે જે પાર્ટી સૌથી વધુ સીટો જીતે તેના મુખ્ય મંત્રી હોવા જોઈએ.
આ અંગે એકનાથ શિંદેએ કહ્યું હતું કે એવું નક્કી નથી થયું કે જેની પાસે વધુ બેઠકો હશે તેના મુખ્ય મંત્રી બનશે. અંતિમ આંકડાઓ આવ્યા બાદ તમામ પક્ષો સાથે મળીને નામ નક્કી કરશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ એકનાથ શિંદેના મુદ્દાનો પુનરુચ્ચાર કર્યો હતો અને કહ્યું હતું કે મુખ્ય મંત્રીના ચહેરા પર કોઈ વિવાદ થશે નહીં અને ત્રણેય પક્ષો બેસીને આ અંગે નિર્ણય કરશે. ચૂંટણીનાં પરિણામો બાદ શિવસૈનિકો સોશ્યલ મિડિયા પર સતત એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરી રહ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં આ માંગણી ઘટી છે. આ કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ ફરી એક વાર રાજ્યના મુખ્યમંત્રી બનશે તે નક્કી છે.
મહારાષ્ટ્રમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ને બહુમતી મળી હતી. તે ચૂંટણી ભાજપ અને શિવસેનાએ સાથે મળીને લડી હતી. એનડીએને ૧૬૧ બેઠકો મળી હતી, જેમાંથી ભાજપે ૧૦૫ બેઠકો અને શિવસેનાએ ૫૬ બેઠકો જીતી હતી. તે સમયે બંને પક્ષો વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ હતી અને આખરે આ ગઠબંધન તૂટી ગયું હતું. આ પછી શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવી અને ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા. આ સરકાર લાંબો સમય ટકી શકી ન હતી અને અઢી વર્ષ પહેલાં ૨૦૨૨માં શિવસેનાના એકનાથ શિંદેએ બળવો કરીને ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી.
સરકાર બનાવવા માટે ભાજપે મુખ્યમંત્રી પદ સાથે સમાધાન કરવું પડ્યું હતું અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી પદથી સંતોષ માનવો પડ્યો હતો. ત્યાર બાદ અજીત પવાર જૂથ પણ બળવો કરીને આવ્યું અને સરકારમાં જોડાયું હતું. તે વખતે શિંદે જૂથ પાસે ઓછી બેઠકો હતી તો પણ તેમને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા, કારણ કે ભાજપને તેમની જરૂર હતી. હવે ભાજપ તેમના ટેકા વગર પણ સરકાર રચી શકે છે, માટે તેમને તડકે મૂકવામાં આવ્યા છે. ભાજપે તેમાં ગણતરીનું જોખમ ઉઠાવ્યું છે, કારણ કે જો શિંદે શરદ પવાર સાથે જોડાઈ જાય અને શરદ પવાર પોતાના ભત્રીજા અજીત પવારને પણ ખેંચી લે તો સંકટ ઊભું થઈ શકે છે.
૨૦૧૯ માં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાએ NCP અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી. આ સરકાર અઢી વર્ષ ચાલી અને પછી એકનાથ શિંદેએ બળવો કર્યો. ત્યાર બાદ શિંદે શિવસેનાના ૪૦થી વધુ ધારાસભ્યોને પોતાની સાથે લાવ્યા હતા અને ભાજપ સાથે સરકાર બનાવી હતી. સરકારની રચના બાદ શિંદે અને ઉદ્ધવે ખુલ્લેઆમ એકબીજાનો સામનો કર્યો હતો. ચૂંટણી પંચે શિંદેને શિવસેનાના વારસદાર ઠરાવ્યા અને શિંદે જૂથને ધનુષ અને તીરનું પ્રતીક આપ્યું, પરંતુ વાસ્તવિક શિવસેનાનો પ્રશ્ન ઊભો જ રહ્યો હતો. એકનાથ શિંદેએ આ ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું અને તેને કારણે વાસ્તવિક શિવસેનાના પ્રશ્નનો ઘણી હદ સુધી અંત લાવી દીધો છે. જો કે, અસલી શિવસેનાનો મામલો હજુ પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
મહારાષ્ટ્રની મહાયુતિ સરકારે આ વર્ષે જૂનમાં મુખ્ય મંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં મેરી લાડલી બહેન યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને ૧,૫૦૦ રૂપિયા આપવામાં આવે છે. જાણકારોના મતે આ વર્ગે મહાયુતિ સરકારને સત્તામાં લાવવાનું કામ કર્યું છે. એકનાથ શિંદે ઘણા પ્રસંગોએ લાડલી બેહના યોજનાનો શ્રેય લેવામાં નિષ્ફળ ગયા ન હતા. ચૂંટણી પહેલાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે લાડલી બેહના સ્કીમને કોઈ માઈનો લાલ રોકી શકશે નહીં અને ચૂંટણી પછી તેના ફંડમાં વધારો કરવામાં આવશે. ચૂંટણીમાં જીત બાદ શિંદે લાડલી બેહનાના લાભાર્થીઓને મળ્યા હતા અને તેમને ખાતરી આપી કે નવી સરકાર પણ મહિલાઓના હિતોને ધ્યાનમાં રાખીને કામ કરશે.
એકનાથ શિંદે અને અજિત પવાર મહાગઠબંધનના મરાઠા ચહેરા છે, પરંતુ મરાઠા મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદેનો અનુભવ તેમની તરફેણમાં હોવાનું જણાય છે. એકનાથ શિંદેને મુખ્ય મંત્રી તરીકે ચાલુ રાખવાની તરફેણમાં કેટલાંક મજબૂત કારણો છે. પ્રથમ, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ થોડા દિવસોમાં યોજાવાની છે અને તેમાં એકનાથ શિંદે મહાગઠબંધન માટે એક મોટું પરિબળ સાબિત થઈ શકે છે. બીજું, એકનાથ શિંદેનો મરાઠા ચહેરો છે, તેમ અજિત પવાર પણ મરાઠા ચહેરો છે, પરંતુ એકનાથ શિંદે એમ પણ કહી શકે છે કે તેઓ મારા ચહેરા અથવા મારા કામ પર ચૂંટણી જીત્યા છે. શિવસેનાને ભાજપ કરતાં ઓછી બેઠકો મળી છે, પરંતુ બિહારમાં ભાજપને વધુ બેઠકો મળી છે તો પણ મુખ્ય પ્રધાન નીતીશકુમાર છે.
આવી પરિસ્થિતિમાં બિહારની ફોર્મ્યુલાનું મહારાષ્ટ્રમાં પુનરાવર્તન થઈ શકે છે કે કેમ તે અંગે પણ દલીલ થઈ શકે છે. તેમ જ ૨૦૨૨માં એકનાથ શિંદે પાસે ઓછી બેઠકો હોવા છતાં તેઓ મુખ્યમંત્રી બન્યા હતા તે દલીલ પણ આગળ કરાય છે. એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે સામે બંડ પોકારીને મહાયુતિમાં જોડાયા હતા, માટે ઠાકરે પરિવાર તેમ જ શિવસેનાના પરંપરાગત સમર્થકોના દરવાજા તેમના માટે કાયમ બંધ થઈ ગયા છે. જો હવે તેઓ ભાજપનો સાથ છોડી દે તો તેમનું રાજકીય ભવિષ્ય અંધકારમય બની જશે. આ સંયોગોમાં હાલના સંયોગોમાં કડવો ઘૂંટડો ગળીને પણ સરકારમાં જોડાઈ જવું એ તેમની મજબૂરી છે. ભાજપ આ મજબૂરી બરાબર જાણે છે અને તેનો લાભ પણ ઉઠાવે છે.