Comments

આપ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ટકરાવ ક્યાં સુધી?

દિલ્હી દેશનું પાટનગર છે, ત્યાં મોદી સરકાર સત્તા પર છે પણ દિલ્હી રાજ્યમાં આપની સરકાર છે અને હજુ ય આપ સરકારની લોકપિરીતા દિલ્હીની જનતામાં છે એ એમસીડીની ચૂંટણીએ બતાવી આપ્યું છે. સૌથી વધુ બેઠક આપે મેળવી પણ આપના મેયર ના ચૂંટાય એ માટે ભાજપ ખાસ્સી મહેનત કરી રહ્યો છે. અહી નામાંકિત સભ્યોને મતાધિકાર આપવા મુદે વિવાદ છે અને એ કારણે મેયરની ચૂંટણી અટકી પડી છે અને હવે આપ મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ ગઈ છે.

સુપ્રીમે આપ સરકાર , એલજી અને એમસીડીને નોટિસ મોકલી છે. ૧૬ ફેબ્રુઆરીથી સુનાવણી થવાની છે. ગમે તે કહો પણ દિલ્હીમાં આપ સરકાર મોદી સરકાર કે ભાજપને પસંદ ના હોય એવી ઘટનાઓ વારેવારે બનતી રહે છે. આપ સરકાર અને એની નીતિઓ વિષે સહમત ના થઈ શકાય એ શક્ય છે પણ આપ સરકાર ભારે બહુમતીથી ચૂંટાયેલી છે અને જનતા જનાર્દન સર્વોપરી છે એવું તો બધા પક્ષો અને ખાસ કરીને ભાજપ માને છે. તો શા માટે એક એક મુદે દિલ્હીના ઉપરાજ્યપાલ અને આપ સરકાર વચ્ચે અંટસ એવી પડી છે કે એ પૂરી થવાનું નામ લેતી નથી.

થોડા સમય પહેલાં આપ સરકારની દારૂબંધી મુદે તપાસ થઈ અને પણ આખરે શું થયું? એમ તો દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે કેન્દ્રની એજન્સીઓ દ્વારા તપાસ થઈ પણ આખરે શું થયું? રાજકીય હેતુથી તપાસ થઈ એવા આક્ષેપો થાય એ સ્વાભાવિક છે. કેજરીવાલ અને એમના સાથીઓ એલજી અને મોદી સરકાર પર સીધા આક્ષેપો કરી રહ્યા છે. દિલ્હીની શાળાઓના શિક્ષકોને સિંગાપોર તાલીમ માટે મોકલવાના મુદે એલજી પ્રશ્નો કર્યા કરે છે અને ફાઇલ પાછી મોકલે છે એ શું દર્શાવે છે? અગાઉ આપ સરકાર શિક્ષકોને તાલીમ માટે સિંગાપોર મોકલી ચૂકી છે અને એનાં સારાં પરિણામો મળ્યાં છે અને હવે આપ સરકાર પર રાજકીય લોકો પર જાસૂસીના આરોપો મુકાયા છે. સીબીઆઈએ આ આરોપોમાં તથ્ય છે એવું કહ્યું છે અને તપાસ માટે મંજૂરી માંગી છે. આપ સરકારે ફિડબેક યુનિટ સ્થાપ્યું હતું જે ૨૦૧૬ થી કામ કરે છે અને એ અન્ય રાજકીય લોકો પર નજર રાખતું હતું એવો આરોપ ભાજપનો છે. હવે આ મુદે વિવાદ શરૂ થયો છે. પૂરા દેશમાં કોઈ સરકાર અને એલજી કે કેન્દ્ર સરકાર સાથે આટલી હદે વિવાદો થયા હોય તો દિલ્હી સરકારના છે. રાજકારણ ક્યા સ્તરે પહોંચ્યું છે એનો આ બોલતો પુરાવો છે.

ઇશાન ભારતમાં ભાજપનો દબદબો જળવાશે?
ઇશાન ભારતનાં ત્રણ રાજ્યોમાં આ મહિને ચૂંટણી છે અને માર્ચમાં પરિણામો આવશે. ત્રિપુરા , મેઘાલય અને નાગાલેંડ એમ ત્રણ રાજ્યોમાં ચૂંટણી છે. ૧૬ ફેબ્રુઆરી ત્રિપુરામાં અને બાકીનાં બે રાજ્યોમાં ૨૭ ફેબ્રુઆરીએ મતદાન થશે અને ૨ માર્ચે પરિણામનો આવશે. આ ત્રણેય રાજ્યમાં ભાજપ સત્તાની ભાગીદારી કરી રહ્યું છે. અલબત્ત ભાજપ પ્રાદેશિક પક્ષોને સાધીને સત્તામાં આવ્યો છે. સવાલ એ છે કે, ભાજપ આ ત્રણેય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોના સહારે સત્તા ટકાવી રાખવામાં સફળ થશે? ઇશાન ભારત અને ભારતના અન્ય ભાગ વચ્ચે સંબંધ હોવો જોઈએ એવો નથી અને એટલે જ આ ત્રણ રાજ્યોની ચૂંટણી વિષે મિડિયામાં પણ બહુ ઓછી વાત થાય છે.

ત્રિપુરામાં ગઈ ચૂંટણીમાં ભાજપે ૬૦માંથી ૩૬ બેઠકો મેળવી હતી અને સાથી પક્ષ આઈપીએફટીએ આઠ બેઠક મેળવી પણ આ વેળા પાંચ પક્ષો મેદાનમાં છે. સીપીએમ અને કોંગ્રેસે હાથ મિલાવ્યા છે. પણ સીપીએમ ૪૭ અને કોંગ્રેસ માત્ર ૧૩ બેઠકો લડી રહી છે. ભાજપ બધી બેઠક લડે છે. આઈપીએફટી તો છે જ ઉપરાંત ટીએમસી અને સ્થાનિક પક્ષ ટીપરા મોથા પણ મેદાનમાં છે. ટીપરા મોથા આદિવાસી ક્ષેત્રમાં વર્ચસ ધરાવે છે અને એ પાંચ દસ બેઠક મેળવી ગયો તો કીંગમેકર બની શકશે. ટીએમસી કોના મત કાપશે એ ય એટલું જ મહત્ત્વનું છે. ભાજપે એના સીએમ થોડા સમય પહેલાં જ બદલ્યા હતા. ભાજપ માટે જીત સાવ સરળ નથી.

મેઘાલયમાં પણ ૬૦ બેઠકો છે અને એમાં ભાજપને ગઈ ચૂંટણીમાં માત્ર ૨ જ બેઠક મળી હતી અને છતાં એ સત્તામાં છે. એનપીપી સાથે સત્તાની ભાગીદારી કરે છે. કોંગ્રેસને ૨૧ બેઠકો મળી છતાં એ સત્તાથી દૂર રહી ગઈ અને કોંગ્રેસનાં મોટા ભાગનાં સભ્યો પક્ષાંતર કરી ગયાં છે. સંગમાં પણ પાર્ટી છોડી જતાં રહ્યા. અહીં લાગે છે કે ભાજપ – એનપીપી સરકાર બનાવી લેશે. નાગાલેંડમાં એનડીપીપી સાથે ભાજપનું ગઠબંધન છે અને એની સરકાર બની છે. જો કે, એનપીએફ આ વેળા ય અલગથી ચૂંટણી લડવાનો છે. કોંગ્રેસ ૬૦માંથી માત્ર ૨૭ બેઠક પર લડી રહી છે. અહીં બળવો પણ ચાલે છે અને સમસ્યા એ પણ છે કે, હારજીત માત્ર ૧૦૦-૨૦૦ કે ૩૦૦ મતની રહી છે. અહીં ય કોંગ્રેસ કોઈ ચમત્કાર કરી શકે એમ જણાતું નથી. વડા પ્રધાન મોદી આ રાજ્યોના પ્રવાસે જવાના છે પણ કોંગ્રેસના રાહુલ કે પ્રિયંકા કોઈ હજુ સુધી પ્રચાર માટે ગયા નથી.

કાકા- ભત્રીજા વચ્ચે બૂચ્ચા
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીમાં કૌટુંબિક ઝગડાનો અંત આવતો જાય છે. કયાંક શિવપાલ યાદવ અને ભત્રીજા અખિલેશ યાદવ વચ્ચે સારાસારી થઈ ગઈ છે. શિવપાલ યાદવે નારાજ થઈ પોતાની પાર્ટી પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી – લોહીયા બનાવી હતી પણ એની વિસર્જન થઈ ગયું અને હવે શિવપાલને પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી બનાવી દેવાયા છે અને ધારાસભામાં આજમખાનનું સ્થાન પણ મળશે. આજમખાનની સદસ્યતા રદ થઈ છે અને વિધાનસભામાં બાજવેત સત્રમાં હવે અખિલેશની બાજુમાં શિવપાલ બેસે એ નક્કી છે. ૨૦ ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થાય છે. મુલાયમ અને શિવપાલ વચ્ચે પણ નજદીકિયા વધી છે.
કૌશિક મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top