સરકારનો પ્રચાર-પ્રસાર કરતાં અને વાહવાહી કરતાં પુસ્તકોની કોઈ કમી નથી અને ભવિષ્યમાં ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે તેવાં પુસ્તકો તો હવે સમયાંતરે પ્રકાશિત થઈ રહ્યા છે. વાહવાહીના આ કાળ દરમિયાન, જ્યારે કોઈ માહિતી સાથે વાસ્તવિક ચિત્ર દાખવે ત્યારે તેવાં અહેવાલ અને પુસ્તકોને ધ્યાનથી વાંચવા જોઈએ. હાલમાં આવું એક પુસ્તક આવ્યું છે : ‘વિલ ઇન્ડિયા ગેટ રીચ બિફોર્સ ઇટ ટર્ન્સ 100? અ રિયાલિટી ચેક’. પુસ્તકના લેખક છે પ્રોસનજિત દત્તા. તેઓ વેપાર-જગતના પત્રકાર રહ્યા છે અને તેઓ બિઝનેસ જગતના જાણીતા મેગેઝિન ‘બિઝનેસ વર્લ્ડ’ અને ‘બિઝનેસ ટુડે’ના તંત્રી રહી ચૂક્યા છે. ઉપરાંત તેમણે ‘ઇકોનોમિક ટાઇમ્સ’ અને ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’માં પણ કામ કર્યું છે. બિઝનેસ પત્રકારત્વમાં ચાર દાયકાની કારકિર્દી બાદ તેમણે આ પુસ્તક લખ્યું છે અને તેમાં કોઈ વધુ આંટીઘૂંટી વિના સીધા ઉદાહરણ આપીને તેમણે દેશની સ્થિતિ સમજાવી છે. પુસ્તકનો એક અંશ ‘ધ સ્ક્રોલ’ નામની ન્યૂઝ વેબસાઇટ પર પ્રકાશિત થયો છે, જેમાં તેઓ લખે છે : “મોદી સરકારના બે કાર્યકાળમાં અનેક પ્રયાસ છતાં મેન્યુફેક્ચરિંગ હિસ્સો 17% થી વધ્યો નથી. મહદંશે તે આંકડો 14-15 % પર રહ્યો છે. દેશનું અર્થતંત્ર મેન્યુફેક્ચરિંગમાં આગળ પડતું નિર્માણ કરવા માટે ‘આત્મનિર્ભર ભારત’ યોજના ઝાઝો કોઈ ફરક લાવી શકી નથી. અર્થતંત્રમાં મેન્યુફેક્ચરિંગમાં મોટો હિસ્સા માટે ન માત્ર મોદી નિષ્ફળ રહ્યા છે, પરંતુ તેમના પૂર્વીઓ મનમોહન સિંઘ અને અટલ બિહારી વાજપેયી પણ તેમના શ્રેષ્ઠ પ્રયાસ છતાં સફળ થયા નથી. મેન્યુફક્ચરિંગમાં 25% હિસ્સો રાખવાનો ઉદ્દેશ અનેક સમયાંતરે આવતી સરકારે રાખ્યો હોવા છતાં તે લક્ષ્યાંક હજુય હાંસલ કરી શકી નથી. છેલ્લા થોડા દાયકાઓથી મેન્યુફેક્ચરિંગનો હિસ્સો 20% થી વધ્યો નથી. મહદંશે તે 18% ની આસપાસ અથવા નીચે રહ્યો છે.” મેન્યુફેક્ચરિંગના હિસ્સાની વાત જે પ્રોસોનજિત કરી રહ્યા છે તે ‘ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ’[GDP] અંતર્ગત થતાં કુલ ઉત્પાદનનો હિસ્સો છે.
લેખક પ્રોસનજિત દત્તા જે આંકડા મૂકી રહ્યા છે તેમાં આપણો દેશ લક્ષ્યાંકના પ્રમાણે હિસ્સો હાંસલ નથી કરી શક્યો એવું દેખાય ત્યારે સ્વાભાવિક આપણી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝની મસમોટી મર્યાદા જોઈ શકાય. પરંતુ જ્યારે વિશ્વમાં મેન્યુફેક્ચરિંગ કરતાં શ્રેષ્ઠ દસ દેશોની યાદી બનાવવામાં આવે તો તેમાં ભારતનું નામ ઉપર દેખાય છે. પરંતુ અહીં વાત આપણી વસતીના પ્રમાણમાં મેન્યુફેક્ચરિંગ કરવાની છે. આપણાથી ઓછી વસતી ધરાવનારા જર્મની, જાપાન અને અમેરિકા મેન્યુફેક્ચરિંગ કરવામાં ખાસ્સા આગળ છે. હવે ફરી પુસ્તકમાં લખાયેલા અંશો તરફ નજર કરીએ તો આગળ લેખક લખે છે : “ખરેખર તો ઉદારીકરણ આવ્યું ત્યારે સત્તા પર આવનારી મોટા ભાગની સરકારોને આશા હતી કે ભારત મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર બનશે. વૈશ્વિક વેપારમાં જે મેન્યુફેક્ચર છે, તેમના રોકાણ માટે ભારતમાં લાલ જાજમ પથરાશે.” પરંતુ જાહેરાત થતાં ઘણાં વૈશ્વિક રોકાણકારો સમયાંતરે આવ્યા અને તેમણે અહીંની સ્થિતિ નિહાળી. તે પછી તેમણે બીજા દેશો – વિયેતનામ, કોરિયાને પસંદ કર્યા. મેન્યુફેક્ચરિંગમાં ભારત પાસે સૌથી મોટી મૂડી સ્કીલ્ડ લોકોની છે. પરંતુ આ સ્કીલ્ડ લોકોને પૂરતું વળતર મળતું નથી. આગળ લેખક દત્તા લખે છે : “જેમણે ખરેખર ભારતમાં રોકાણ કર્યું – વિશેષ કરીને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં. તેમનો પ્રતિસાદ મિશ્ર આવ્યો છે. કોરિયાની હ્યુન્ડાઈનું ઉદાહરણ લઈએ તો તેમને જ્વલંત સફળતા મળી છે. જ્યારે અમેરિકાના ઓટોમેકર્સ – જેમ કે ફોર્ડ અને જનરલ મોટર્સ – દેશમાં અબજો રૂપિયા નાંખ્યા બાદ અહીંથી ઉચાળા ભરી ગયા છે. લક્ઝરી કારનું સેગમેન્ટ જોઈએ જેમાં જર્મનીની મર્સિડિઝ, BMW, ઓડી ટકી રહ્યા છે જ્યારે અન્ય યુરોપિયન મોડલ જેમ કે વોક્સવેગન, સ્કોડા અને રેનોલ્ટ નામ પ્રમાણે દમ દાખવ્યો નથી. અન્ય બીજા સેક્ટર વિશે જોઈએ તો દેશમાં મિશ્ર પ્રતિસાદ આવ્યો છે.” જેમ કે ઇલેક્ટ્રોનિક જેવા ક્ષેત્રમાં – વિશેષ કરીને મોબાઈલ ફોનના એસેમ્બલમાં છેલ્લા 5 વર્ષમાં અનેક સફળ ગાથા લખાઈ છે.
જો કે હજુય દેશમાં નિર્મિત આઇફોન્સમાં સરકાર દ્વારા ‘પ્રોડક્શન ઇન્સેટિવ’ મળ્યા છતાં તેના પડતર ભાવ અન્ય દેશોના પ્રમાણમાં વધુ આવી રહ્યા છે. દેશમાં થઈ રહેલાં મેન્યુફેક્ચરિંગ સંબંધિત જે પ્રશ્નો છે, તેમાંથી એક પ્રશ્ન સમયાંતરે થાય છે કે શું ભારત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પાવરહાઉસ બનશે? બીજું કે ચીન જેવી નીતિ મેન્યુફક્ચરિંગમાં ભારત અપનાવી શકે? અને ત્રીજું કે નીતિ ઘડનારા ભારતીય અર્થતંત્રમાં છેલ્લા ત્રણ દાયકામાં સર્વિસીસનો ગ્રોથ જોઈ રહ્યા છે ત્યારે મેન્યુફક્ચરિંગ પર વધુ પડતો ભાર કેમ આપવામાં આવી રહ્યો છે? આ સંબંધિત ઉત્તર આપતાં લેખક લખે છે કે, “કેટલાંક પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી અનુભવે છે કે ભારતને વિકસિત દેશોના ખાનામાં જવું હશે તો મેન્યુફેક્ચરિગં પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સર્વિસ સેક્ટર તે સ્થાને પહોંચાડી ન શકે.
એ રીતે જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજન તર્ક મૂકે છે કે સરકારની કોઈ મદદ વિના જો અન્યની સરખામણીમાં સર્વિસ સેક્ટરમાં આપણે ઝડપથી આગળ વધીએ તો આપણે ચીન કે એશિયન ટાઇગર્સ કહેવાતા જાપાન જેવો અનુભવ લેવાની જરૂર નથી. આપણે જો સર્વિસ સેક્ટર સાથે વિશ્વની સૌથી મોટું પાંચમુ અર્થતંત્ર ત્યારે જ બની શકીએ જ્યારે સર્વિસિસને કેન્દ્રમાં રાખીએ. મહંદશે જ્યારે પરંપરાગત રીતે વિકાસ થવાનો થાય ત્યારે પહેલાં ખેતીથી ઉદ્યોગ કે મેન્યુફેકરિંગ તરફ જવાય છે અને તે પછીના એક તબક્કે સર્વિસિસ આવે છે. હાલમાં દુનિયામાં જે સૌથી વિકસિત દેશો છે તેઓ મહંદશે સર્વિસિસ સેક્ટર પર આધાર રાખે છે. સરખામણીએ મેન્યુફેક્ચરિંગની ભૂમિકા પ્રમાણમાં ઓછી છે.”
“મેન્યુફેક્ચરની અવગણના ન થઈ શકે. અને અનેક સરકારોના પ્રયાસ છતાં ભારત કેમ મેન્યુફેક્ચરિંગનું પાવરહાઉસ ન બન્યું. તે માટે ઘણાં વિચાર પણ મૂકવામાં આવ્યા. ચીનની જેમ સ્પેશ્યલ ઇકોનોમી ઝોન તૈયાર કરવામાં આવ્યા જેમાં પોતાના નિયમો ઘડાયા – આવા વાતાવરણમાં કોઈ અધિકારીઓના દબાણ વિના બિઝનેસ વધી શકે. આ બધું અનેક કારણોથી સફળ ન રહ્યું. જેમ કે ભારતમાં હાલમાં 370 સ્પેશ્યલ ઇકોનોમી ઝોન છે અને તે અલગ-અલગ વિસ્તાર ધરાવે છે, તેમ છતાં તેમાંથી કોઈ પણ ચીનના ઇકોનોમી ઝોન જેવા નથી. બીજાં પણ કારણો છે જેના કારણે મેન્યુફેક્ચરિંગ પાવર હાઉસ ન બન્યું. જેમાં સ્થાનિક નીતિનિયમો, કાચો માલ પૂરો પાડવાના પ્રશ્નો અને જક્કી નીતિ સમાવિષ્ટ છે. સામાન્ય રીતે જોઈએ તો ભારતમાં મજૂરી સસ્તી છે અને મોટું માર્કેટ હોવા છતાં ઉદ્યોગ ચલાવવાનું સરળ પડતું નથી, અને અન્ય દેશોની મુકાબલે પડતર કિંમત વધુ આવે છે. એ રીતે કોઈ પ્રોપર્ટીને કબજે લેવાની હોય તો પણ તેમાં અનેક મુશ્કેલી આવે છે, કામદારોની ઓછી ઉત્પાદન ક્ષમતા અને સ્થાનિક નીતિનિયમો છે. બીજા પણ મુશ્કેલીઓમાં અનેક સ્તરે જોવા મળતી અકાર્યક્ષમતા અને વધુ કરો પણ જવાબદાર છે.”
રોકાણ અને મેન્યુફેક્ચરિંગ કરનારાઓને ભારત સિવાય અન્ય દેશો વધુ આકર્ષિત લાગે છે. જેમ કે એપલ આઇફોનનું ભારતમાં મેન્યુફેક્ચરિંગમાં સફળ રહ્યું. પરંતુ અહેવાલો મુજબ ભારતમાં નિર્મિત આઇફોનની પડતર કિંમત ખાસ્સી વધુ આવે છે. બીજો પ્રશ્ન એ છે કે ભારતમાં જે આઇફોનને એસેમ્બલ કરવામાં આવે છે, તેના સામાન માટે મહંદશે ચીન કે અન્ય દેશો પર આધાર રાખવો પડે છે.
પુસ્તકમાં માહિતી સાથે લેખક પ્રોસોનજિત દત્તાએ વર્તમાન સરકારના કેટલાં પગલાંની પ્રશંસા પણ કરી છે. તેમ છતાં દેશનું અર્થતંત્ર મોટું થઈ રહ્યું છે પણ ગરીબીનો આંકડો જસનો તસ છે તે પણ વિગત તેમાં છે. અર્થતંત્રની વાત જ્યારે થાય છે ત્યારે મહદંશે લોકોને તે પ્રત્યે પૂરતી માહિતી આપવામાં આવતી નથી.
હાલમાં પણ દેશનું કે રાજ્યનું બજેટ જાહેર થઈ રહ્યું છે તેમાં વસતીના આંકડા 2011 મુજબ ફાળવણી થઈ રહી છે. આ મર્યાદાને કોઈ પણ હિસાબે ચલાવી ન લેવાય પરંતુ છેલ્લાં પાંચ વર્ષથી આ ચાલી રહ્યું છે અને હજુ પણ વસતી ગણતરીના અણસાર દેખાતા નથી.

