પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ પાંચ દેશોના પ્રવાસ પર છે. ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત પછી, પીએમ મોદી આર્જેન્ટિના પહોંચ્યા છે. આ મુલાકાત ભારતના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે 57 વર્ષમાં પહેલી વાર કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વિપક્ષીય મુલાકાત માટે આર્જેન્ટિના ગયા છે.
જોકે,વર્ષ 2018માં, પીએમ મોદી G20 સમિટમાં હાજરી આપવા માટે આર્જેન્ટિનાની મુલાકાતે ગયા હતા, પરંતુ તે સમયે તેઓ બહુપક્ષીય પરિષદનો ભાગ હતા. પરંતુ આ વખતની મુલાકાત સંપૂર્ણપણે દ્વિપક્ષીય સહયોગને વિસ્તૃત કરવા માટે છે.
આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે; મોદી:
જ્યારે પીએમ મોદી આર્જેન્ટિનાના એઝેઇઝા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ મૂલકતમાં પીએમ મોદી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલી સાથે પણ મુલાકાત કરવાના છે.
આ મુલાકાતમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ, કૃષિ, ઉર્જા, ખાણકામ, નવીનીકરણીય ઉર્જા, વિજ્ઞાન અને ટેકનોલોજી અને રોકાણ જેવા ઘણા વિષયો પર ચર્ચા થવાની છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બેઠકનું ધ્યાન લાભદાયી ભાગીદારી પર રહેશે.
ભારત માટે આર્જેન્ટિના કેમ મહત્વનું છે?
- આર્જેન્ટિના કૃષિ ઉત્પાદનોમાં અગ્રેસર છે અને ભારત માટે તે અનાજ અને તેલીબિયાંનો મહત્વપૂર્ણ સ્ત્રોત બની શકે છે.
- આર્જેન્ટિના લિથિયમ અને અન્ય દુર્લભ ખનિજોથી સમૃદ્ધ છે, જે ભારતના EV અને બેટરી ઉત્પાદન ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ છે.
- આર્જેન્ટિનાના વાકા મુએર્ટા શેલ ગેસ પ્રોજેક્ટ ભારત સાથે લાંબા ગાળાની ઊર્જા ભાગીદારીનો માર્ગ ખોલી શકે છે.
- ભારતના આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ (ISA) માં આર્જેન્ટિનાની ભાગીદારી બંને દેશોને ગ્રીન એનર્જી સહયોગ વધારવામાં મદદ કરી શકે છે.
આર્જેન્ટિના પછી બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાત લેશે:
આર્જેન્ટિનાની મુલાકાત પછી, પીએમ મોદી 17મા બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલની પણ મુલાકાત લેશે, જ્યાં બહુપક્ષીય વૈશ્વિક આર્થિક અને રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ પછી, પીએમ મોદી નામિબિયાની રાજ્ય મુલાકાત પણ લેશે, જ્યાં ભારત-આફ્રિકા સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.