Columns

ભગવાન બચાવે કઈ રીતે

એક ઘનઘોર જંગલ હતું.એક માણસ તેમાંથી પસાર થઈ રહ્યો હતો અંધારું થઈ ગયું હતું અચાનક તેને સિંહની ત્રાડ સાંભળી અને ડરીને તે આડેધડ દોડવા લાગ્યો અને અચાનક તેના પગને ઠોકર લાગતાં તે ઊંડા કુવામાં પડયો.પડતા પડતાં તેના હાથમાં કુવાની બાજુમાં ઉગેલા મોટા ઝાડની એક કુવાની અંદર સુધી ઝુકેલી ડાળી આવી ગઈ અને તે બચી ગયો.

આખી રાત તે આમ લટકેલો રહ્યો અને કેવી રીતે બહાર નીકળવું તે વિચારતો રહ્યો સવારે જયારે જરાક અજવાળું થયું તો તેને જે જોયું તે જોઇને તે ડરી ગયો તેને જોયું કે તે જે ડાળ પકડી લટકી રહ્યો છે તેને ઉંદર કાતરી રહ્યો છે. કુવામાં નીચે મગર મોઢું ફાડીને બેઠા છે.એટલામાં એક હાથી આવ્યો અને ઝાડના મોટા થડ સાથે પોતાનું શરીર ઘસવા લાગ્યો અને આખું ઝાડ હલવા લાગ્યું અને ઝાડ પર મધથી ઉભરતો મધપુડો હતો તેના ટીપા બરાબર માણસના હોઠ પર પડ્યા.રાતથી ભૂખા પ્યાસા લટકી રહેલો માણસ મધની થોડી બુંદોની મીઠાસના આનંદમાં ખોવાઈ ગયો અને ભૂલી ગયો કે પોતે જીવન મરણની વચ્ચે લટકી રહ્યો છે.તે હવે મોઢું ખુલ્લું રાખી ઉપર તરફ જોઇને મધના ટીંપાની રાહ જોવા લાગ્યો અને જેવું ટીંપું પડતું તે મુખમાં ઝીલી લેતો.તેને અનેરો આનંદ મળી રહ્યો હતો.

બરાબર તે સમયે જ જંગલમાંથી શિવજી અને પાર્વતીજી પસાર થયા અને માણસની આવી કફોડી પરિસ્થિતિ જોઇને પાર્વતીજીને દયા આવી તેમને શિવજીને કહ્યું, ‘પ્રભુ, આ માણસની મને બહુ દયા આવે છે તેને બચાવો..’ શિવજી હસ્યા અને બોલ્યા, ‘દેવી, આપ કહો છો એટલે હું તેને બચાવા જાઉં છું પણ તે નહિ બચે.’

શિવજી કુવા તરફ ગયા અને એક મુસાફરનો વેશ લઈને માણસને બુમ પાડી કહ્યું, ‘ભાઈ, હું આ દોરડું ફેંકુ છું તું પકડી લે એટલે હું તને ઉપર ખેંચી લઉં.’ માણસે હા પાડી.મુસાફરના રૂપમાં રહેલા શિવજીએ દોરડું ફેંક્યું પણ માણસે પકડ્યું નહિ તે પેલા મધના ટીંપાની રાહ જોતો હતો.શિવજીએ બુમ પાડી, ‘ભાઈ દોરડું પકડ..’ માણસે કહ્યું, ‘હા ..હા જરા થોડા ટીંપા આ મધના પી લઉં પછી પકડું છું.’ માણસ મધના ટીંપા ઝીલવામાં જ ખોવાયેલો રહ્યો અને તેણે દોરડું ન પકડ્યું તે ન જ પકડ્યું….શિવજી થાકીને જતા રહ્યા.માણસનો અંજામ શું આવ્યો હશે તે વિચારવું રહ્યું…..

આ એક સમજવા જેવી રૂપક કથા છે.આ જંગલ એક દુનિયા છે અને માણસ આપણે બધા …અંધારું અજ્ઞાન છે અને સિંહની ત્રાડ જીવનની મુશ્કેલીઓ…પથ્થરની ઠોકર એ આપણી ભૂલો છે. કૂવો સંસારના બંધન છે..ડાળ માણસનું આયુષ્ય અને તેને કાતરતો ઉંદર છે સમય….કુવાની નીચે રહેલા મગર છે લોભ લાલચ સ્વાર્થ …હાથી છે માણસનું અભિમાન અને મધના ટીંપા છે સંસારના સુખોની માયા…..માણસ આ માયામાં એવો અટવાયેલો રહે છે કે ભગવાન ખાસ પોતે આવે અને ભગવાનની ભક્તિનું કૃપાનું દોરડું પણ આપે છતાં માણસ સુખના લોભ અને લાલચમાં તેને ઝાલીને બચવાનું ભૂલી સંસારમાં અટવાઈ જાય છે.તો પછી ભગવાન કઈ રીતે બચાવે.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top