Business

વસ્તી નિયંત્રણની નીતિ કેટલી કારગર?…

આપણા દેશનો વસતીનો પ્રશ્ન વિવાદીત રહ્યો છે અને તે વિવાદ સાથે રાજકારણીઓને પણ રમવાનું ફાવ્યું છે અને તેથી આવતાં વર્ષે જ્યારે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ છે ત્યારે ત્યાં વસતીના અંકુશને લઈને ઉત્તર પ્રદેશ સરકાર નવું બિલ લાવી છે. બિલનું નામ છે ‘ધ ઉત્તર પ્રદેશ પોપ્યુલેશન (કન્ટ્રોલ, સ્ટેબલાઇઝેશન એન્ડ વેલફેર) બિલ, 2021’. હવે આ બિલના નામમાં જ તેના ઉદ્દેશનો ખ્યાલ આવી જાય છે. ઉત્તર પ્રદેશ દેશનું સૌથી વધુ વસતી ધરાવતું રાજ્ય છે, તેની વસતીનું આકલન બાવીસ કરોડની આસપાસ કરવામાં આવે છે અને તેથી જ ઉત્તર પ્રદેશ આવી નીતિ લઈને આવ્યું છે. આ બિલ અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, વિશ્વભરમાં સમય-સમયે એ વાત પુરવાર થઈ ચૂકી છે કે વધતી વસતી વિકાસ માટે બાધારૂપ બને છે અને છેલ્લા ચાર દાયકાથી આપણે ત્યાં તે વિશે અવારનવાર ચર્ચાઓ થતી રહી છે. આ માટે દેશ અને રાજ્યોએ સમાંતરે પ્રયાસ કરવા પડશે. અમે આ બિલ લાગુ કરતાં વેળાએ સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખ્યો છે તેમ પણ મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું.

ઉત્તર પ્રદેશની આ પહેલને લઈને ફરી વાર વસતી નિયંત્રણ અંગે વિમર્શ શરૂ થઈ ચૂક્યો છે અને બિલ અંગે કોઈ ટિપ્પણી કરતાં અગાઉ સૌપ્રથમ તેમાં સમાવિષ્ટ મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ. ઉત્તર પ્રદેશના આ બિલમાં પરિવાર નિયંત્રણ આયોજન અંતર્ગત ગર્ભનિરોધક સરળ રીતે ઉપલબ્ધ થાય તે માટે પ્રયાસ વધારવામાં આવશે. આ ઉપરાંત જન્મ દર ઘટાડીને જન્મસમયનો મૃત્યુદર ઘટાડવાનો છે. રાજ્ય સરકારે આ બિલમાં મોટા બાળકોનો પણ સમાવેશ કર્યો છે, જેથી તેઓને પોષક આહાર, શિક્ષણ મળી રહે. આ નીતિ અંતર્ગત જેમ વસતી નિયંત્રણ માટે સરકારે પગલાં લઈ રહી છે તેમ સામે પક્ષે વસતી નિયંત્રણમાં હિસ્સા લેનારાઓને લાભ આપવાનું પણ જાહેર થયું છે. જેમ કે, બે અથવા બેથી ઓછા બાળકો ધરાવનારાઓને બઢતી, પગારવધારો અને હાઉસિંગ સ્કીમમાં કન્સેશન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત જેઓ સરકારી નોકરી કરી રહ્યા છે તેઓ માટે પણ પૂરી કારકિર્દી દરમિયાન બે વધુ પગારવધારા મળશે. અને જેઓ આ કાર્યક્રમમાં સામેલ થાય તેઓને મેટરનીટી અને કેટલાંક નિયમો અનુસાર પેટરનીટી લિવ મળે તેનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે. આ સિવાય પણ શિક્ષણ અને સ્વાસ્થ્ય બાબતે લાભ આપવા વિશે ઉત્તર પ્રદેશ સરકારે જાહેરાત કરી છે.

ઉત્તર પ્રદેશ જે રીતે આ નીતિ લાગુ કરી છે અને તેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સહભાગીતા દેખાઈ રહી છે તે પરથી હાલ પૂરતી તો આ નીતિ સખતાઈથી લાગુ થશે તેમ દેખાઈ રહ્યું છે. બિલના ડ્રાફ્ટમાં ત્યાં સુધી લખાયું છે કે તમામ નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી, પોષક આહાર, શ્રેષ્ઠ શિક્ષણ અને સમયસર સ્વાસ્થ સુવિધા મળે તે જરૂરી છે અને તે માટે આ બિલની જરૂરીયાત છે.

જોકે ઉત્તર પ્રદેશની આ પહેલને અગાઉ દેશના વસતી નિયંત્રણના પ્રયાસ સાથે સરખાવીએ તો તેમાં કશું નવું નથી. અને તેથી જ તેના ઉદ્દેશ અંગે પણ પ્રશ્ન થાય છે. આઝાદી પછી દેશમાં સમયાંતરે વસતી નિયંત્રણ અંગે પ્રયાસ થયા છે. અને તેમાં ગર્ભનિરોધક ઉપયોગને લઈને તો ક્રાંતિ આવી હોય તેવા ડેટા છે. 1970માં દેશની પરણિત મહિલાઓ ગર્ભનિરોધકનો ઉપયોગ કરવાની ટકાવારી 13 હતી, જે 2009 સુધીમાં 48 સુધી પહોંચી છે. જો કે તેમ છતાં હજુ પણ દેશનો પચાસ ટકા હિસ્સો તેનાથી વંચિત છે. આ વંચિત હોવાના અનેક કારણો છે અને તેથી જ દેશની વસતીમાં દર વીસ દિવસે દસ લાખ નવા જન્મેલા બાળકોનો સરવાળો થાય છે! અને તેથી દેશમાં સમયાંતરે કુટુંબ નિયોજન સરકારની પ્રાથમિકતા રહી છે.

વસતી નિયંત્રણને લઈને રાજ્યવાર સ્થિતિ અલગ-અલગ છે અને વિવિધતાભરી સંસ્કૃતિના કારણે પણ રાજ્યવાર તેનું ચિત્ર તદ્દન ભિન્ન જણાય છે. જેમ કે, ભારતમાં ગર્ભનિરોધક ઉપયોગના બાબતે સૌથી નીચે ટકાવારી ધરાવનારું રાજ્ય મેઘાલય છે. અહીં માત્ર 20 ટકા મહિલાઓ તેનો ઉપયોગ કરે છે. આવી ઓછી ટકાવારી બિહાર અને ઉત્તર પ્રદેશની પણ છે. રાજ્યવાર મહિલાઓમાં ગર્ભનિરોધક ઉપયોગને લઈને જે મોટો ભેદ છે, તેમાં મુખ્ય બાબત શિક્ષણ છે. અનેક અભ્યાસમાં એવું સ્પષ્ટ થયું છે કે મહિલા શિક્ષિત બને છે ત્યારે તેઓ ગર્ભનિરોધક બાબતે વધુ સજાગ બને છે અને તેમનામાં બાળકોને જન્મ આપવાનું પ્રમાણ સમજદારીપૂર્વક ઘટે છે.

ઉત્તર પ્રદેશની જેમ દેશભરમાં 2017માં ‘મિશન પરિવાર વિકાસ’ પહેલ કરવામાં આવી હતી. આ મિશન અંતર્ગત પણ ગર્ભનિરોધક સુવિધા અને સાધનો વધુને વધુ સહજ બને તે પ્રાથમિકતા હતી. વસતી વધવામાં જે સૌથી અગત્યની બાબત છે તે ફર્ટિલિટિ રેટ છે, મતલબ કે ગર્ભાધાનનો દર. 2016માં ભારતમાં ગર્ભાધાનનો દર 2.3 એક સ્ત્રી દીઠ હતો. આ ગર્ભાધાનનો દરની ગણના પૂરા જીવન દરમિયાન એક સ્ત્રી કેટલાં બાળકોને જન્મ આપે છે તે રીતે કરવામાં આવે છે. વસતીને નિયંત્રિત અને સ્થિર કરવા માટે ગર્ભાધાનનો દર 2.1 આદર્શ કહેવાય છે, જ્યાં સુધી હજુ પણ દેશનો દર પહોંચ્યો નથી. મોટા ભાગના વિકસિત દેશોમાં 2.1 ગર્ભાધાનનો દર છે અને જે દેશો વિકાસશીલ છે તેઓનો ગર્ભાધાનનો દર 2.5 છે. ભારતમાં ગર્ભાધાનના દર ઝડપથી ઘટી રહ્યો છે અને આશ્ચર્ય થાય એ હદે તે ગ્રામિણ વિસ્તારમાં પણ ઘટી રહ્યો છે. ગર્ભાધાનનો દરે ઘટે તેનું કોઈ એક કારણ નથી. શિક્ષણ, સામાજિક ઉત્થાન, વધી રહેલું ઔદ્યોગિકરણ સાથે અનેક બાબતો તેના સંબંધિત છે.

વસતી બાબતે જ્યારે દેશ અને રાજ્યોની સરખામણી કરવામાં આવે ત્યારે તેમાં ચિત્ર વધુ સ્પષ્ટ કરી શકાય. જેમ કે દેશમાં એકવીસ એવાં રાજ્યો છે જે 2.1 અથવા તો તેનાથી નીચેનો ગર્ભાધાન દર ધરાવે છે. આ રાજ્યો હવે દેશની વસતી વધારવામાં જરા સરખો ફાળો આપી રહ્યા નથી. આ રાજ્યોમાં જે રાજ્ય સમાવિષ્ટ નથી અને તેઓ દેશની વસતીમાં જંગી ઉમેરણ કરી રહ્યા છે તેમાં બિહાર, ઉત્તર પ્રદેશ, મેઘાલય અને નાગાલેન્ડ છે. બિહાર રાજ્યમાં ગર્ભાધાન દર હજુ પણ 4 છે, જે ખૂબ વધુ છે.

ઉત્તર પ્રદેશમાં વસતી વધુ છે અને તે અંગે ઝડપથી પગલાં લેવા જોઈએ તે વાત સાફ હોવા છતાં જે રીતે હાલમાં તે બિલ લાવવામાં આવ્યું છે તે અંગે તેના પર શંકા કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી છે અને આ ચૂંટણીના કારણે આ બિલ લાવવામાં આવ્યું છે તેવું કૉંગ્રેસ સહિતના પક્ષ કહી રહ્યા છે. ઉત્તર પ્રદેશ જેવી જાહેરાત અગાઉ અન્ય રાજ્યો દ્વારા પણ થઈ છે અને તે અંગે ઠોસ પ્રયાસ પણ થાય છે. જેમ કે ઘણાં રાજ્યો ‘ટુ ચાઇલ્ડ પોલિસી’ ને અનુસરે છે. છેલ્લે 2017માં આ પોલિસી આસામ દ્વારા લાવવામાં આવી હતી. કેટલાંક રાજ્યોએ આ પોલિસીથી થતાં ભેદભાવના કારણે તેને પાછી ખેંચી લીધી છે. છત્તીસગઢ રાજ્ય તેમાંનું એક છે.

આ પોલિસીના કારણે અનેક મહિલાઓ સરકારના પદોથી વંચિત રહી અને તેમાં જાતિ આધારીત ઓબર્શન વધવાના દાખલા પણ બનવા લાગ્યા હતા. 2014માં અગિયાર રાજ્યો ‘ટુ ચાઇલ્ડ પોલિસી’ હતા, તેમાં મુખ્ય ઉદ્દેશ પરિવાર દીઠ બાળકોની ઘટાડવાનો હતો. આ પોલિસી અંતર્ગત સૌપ્રથમ અનુસરણ રાજકીય આગેવાનોએ કરવાનું હતું. તેઓ જ સમાજમાં ઉદાહરણરૂપ બને તેવો હેતુ હતો. જો કે સરકારના આ પોલિસીની નોંધપાત્ર અસર થઈ નથી. હા બદલાતાં આર્થિક અને સામાજિક પરિપ્રેક્ષ્યના કારણે હવે લોકો આપમેળે જ બાળકોની સંખ્યામાં મર્યાદા બાંધવા માંડ્યા છે. 

1952માં વિકાસશીલ દેશોમાં ભારત કુટુંબ નિયોજન કરનારો પ્રથમ દેશ હતો. તે વખતે જ દેશની ધુંરા સંભાળનારાઓએ વધી રહેલાં વસતી પ્રત્યે સજાગ થઈ ચૂક્યા હતા. પરંતુ તે પ્રયાસને જમીની સ્તરે જોઈએ એવું કામ ન થયું. જ્યારે તે તરફ પ્રયાસ થયા ત્યારે તેમાં રાજકીય ઉદ્દેશ જોવામાં આવ્યો. કટોકટી કાળ દરમિયાન સંજય ગાંધી દ્વારા તેવાં જ પ્રયાસ થયા અને અત્યારે પણ વસતી નિયંત્રણની આડમાં અન્ય ઉદ્દેશ માટે જ કામ થઈ રહ્યું છે.

Most Popular

To Top