Charchapatra

કોની કેવી તબાહી થઈ તે સ્થાનિક તંત્ર શું જાણે?

હજુ તો આ વર્ષે ચોમાસાની શરૂઆત થઈ છે. પહેલા વરસાદી રાઉન્ડમાં માત્ર ચાર ઈંચ હા 2 ચાર ઈંચ વરસાદમાં સુરતની સૂરત બદલાઈ ગઈ છે. ઠેકઠેકાણે પાણી ભરાયાં  છે. ત્રણ દિવસ થઈ ગયા છે. હજુ પાણી ઊતર્યાં નથી. વરસાદ ચાલુ જ છે. હજુ આખો શ્રાવણ મહિનો અને ભાદરવો ભરપૂર બાકી છે. સુરતીઓના મનમાં હજુ 7/8/2006 ની રેલની યાદ તાજી છે. શું પાછું એનું પુનરાવર્તન થશે? : સુરતની બધી ખાડીઓ મીઠી ખાડી કોયલા ખાડી સહિતની બધી ખાડીઓ ઓવરફ્લો થઈ ગઈ છે. અંદાજે 7 લાખ સુરતીઓ આજે ત્રણ ત્રણ દિવસ થયા પાણી વચ્ચે દિવસો ગુજારી રહ્યા છે.

લાઈટ નથી, જીવનજરૂરી ચીજવસ્તુઓ ખાદ્યસામગ્રી લેવા બહાર નીકળી શકાય એમ નથી. પૈસા નથી. કામકાજ બંધ છે. રોજ કમાઈને રોજ ખાનાર શ્રમિક વર્ગ ઘરમાં જ પુરાઈ ગયો છે. બહાર ખરાબ વાસ મારતું ગંદી ગટરનું પાણી ઘૂંટણ સુધી ભરાયું છે. સ્માર્ટ સીટી કહેવાતી સુરત સીટી બેહાલ થઈ ગઈ છે. ક્યાંક વર્ષોની મહેનત પછી લોહી પસીનો એક કરી લોન લઈ શરૂ કરેલી દુકાનોમાં પાણી ઘુસી ગયાં છે. ક્રેડિટ પર બીલમાં આવેલો માલ વરસાદી પાણી ગટરીયા પાણીમાં આજે ચાર ચાર દિવસથી ગરકાવ છે. માલ ખરાબ થયો, આવક બંધ, ઉપરથી વેપારીને માલના પૈસા ક્યાંથી આપવા? કાચાં પાકાં મકાનો, ઝૂંપડાંઓમાં પાણી ઘરોમાં ઘૂસી ગયાં છે. ઘરવખરી પલળી ગઈ છે.

ખાવાપીવાની વસ્તુઓ રસોઈનો સામાન ખાદ્યસામગ્રી ખરાબ થઈ ગઈ છે. જીવના જોખમે સુરતીઓ રિબાઈ રહ્યાં છે. હાલાકી પરેશાનીઓનો પાર નથી. રસ્તાઓ ધોવાઈ ગયા છે. ગલી, મકાનોમાં દુકાનોમાં પાણી ઘુસી ગયાં છે. ચારે બાજુ ગંદકીના ઢગલા છે. પોલીસ તંત્ર ખરેખર કાબિલે તારીફ કામગીરી કરે છે એમનું આ  કામ નથી છતાં ખૂબ જ સારી સેવાઓ પોલીસ તંત્ર આપી રહ્યું છે.સુપર દુપર સેલ્યુટ પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોત અને તેમની ટીમ. માત્ર ને માત્ર કાગળ પર ઘોડા દોડાવતી સુરત મહાનગર પાલિકા કોઈ સબક લેશે ખરી?
સુરત     – અબ્બાસભાઈ કૌકાવાલા    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top