Columns

ઈશ્વર કઈ રીતે મળે?

એક દિવસ આશ્રમમાં શિષ્યો વચ્ચે ચર્ચા ચાલી કે ઈશ્વરને મેળવવા શું કરવું જોઈએ? ઈશ્વર કઈ રીતે મળે? ધીમે ધીમે ચર્ચાએ વાદવિવાદનું સ્વરૂપ પકડી લીધું અને વાત વધી ગઈ. લગભગ બધા શિષ્યો બે જૂથમાં વહેંચાઈ ગયા અને પોતાની વાત સાચી સાબિત કરવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. એક જૂથ કહેતું હતું કે ઈશ્વર માત્ર અને માત્ર ત્યાગ કરવાથી જ મળે. જે સઘળું છોડી દે તેને જ ઈશ્વર મળે. ઈશ્વરને મેળવવાનો એક જ રસ્તો છે કે સંસારને ત્યાગીને ઈશ્વરનું ભજન કરવું.આકરું તપ કરવું. ત્યાગ વિના અને બધું જ છોડ્યા વિના ઈશ્વર મળે નહિ. બીજું જૂથ કહેતું હતું કે જરૂરી નથી કે ઈશ્વરને મેળવવા તેણે જ બનાવેલી આ સુંદર દુનિયાને ત્યાગવી પડે.

ત્યાગ વિના સંસારમાં રહીને પણ ઈશ્વરને મેળવી શકાય છે.સંસારના બધા સુખોની વચ્ચે રહીને પણ શ્રધ્ધાથી ઈશ્વરને ભજવામાં આવે તો તે મળે જ છે.કશું પણ છોડ્યા વિના ઈશ્વરને મેળવી શકાય છે.  વાત વધી ગઈ અને એટલે ગુરુજીના કાનો સુધી પણ પહોંચી ગઈ.ગુરુજી જ્યાં વાદવિવાદ ચાલતો હતો ત્યાં આવ્યા અને થોડે દૂર ઊભા રહીને થોડી વાર સુધી વાદવિવાદ સાંભળી રહ્યા.થોડી વાર બાદ જેમ જેમ બધાનું ધ્યાન ગુરુજી પર ગયું, બધા ચૂપ થઇ ગયા. ગુરુજીએ પૂછ્યું, ‘શું થયું? શેની ચર્ચા ચાલે છે?’ત્યાગની વાતો કરતા જૂથમાંથી એક શિષ્યે ઊભા થઈને કહ્યું, ‘ગુરુજી, બધું ત્યાગ કરીએ ત્યારે જ ઈશ્વર મળે ને? ગુરુજીએ કહ્યું, ‘હા, તારી વાત સાચી છે.ત્યાગ કરવાથી ઈશ્વર મળે.’પહેલું જૂથ ખુશ થઇ ગયું.

ત્યાં જ બીજા જૂથનો શિષ્ય બોલ્યો, ‘ગુરુજી કશું ત્યાગ કર્યા વિના બધું માણીને, સંસારમાં રહીને પણ ઈશ્વર મળે ને?’ગુરુજીએ તેને પણ કહ્યું, ‘હા હા , તારી વાત સાચી છે. કશું ત્યાગ કર્યા વિના પણ ઈશ્વર મળે જ.’હવે શિષ્યો મૂંઝાયા કે ‘આપણે ક્યારના કયા રસ્તે ઈશ્વર મળે તેનો વાદવિવાદ કરી રહ્યા છીએ અને ગુરુજી તો કહે છે બંને માર્ગ સાચા છે.બંને રસ્તે ઈશ્વર મળે.આમ કેમ?’ ગુરુજી શિષ્યોના મનની મૂંઝવણ સમજી ગયા અને બોલ્યા, ‘ઈશ્વરને મેળવવા એ ઈચ્છા જ સાચી છે.માર્ગ કોઈ પણ હોય.ઈશ્વર પાસે જવાનો કોઈ રસ્તો ખોટો નથી જ્યાં સુધી તમારા મનમાં ખોટ ન હોય.જ્યાં સુધી તમારા મનમાં સાચી શ્રધ્ધા અને સમર્પણ હોય,મન નિ:સ્વાર્થ અને નિષ્કામ હોય તો કોઈ પણ માર્ગે ઈશ્વર મળે જ છે.’ગુરુજીએ શિષ્યના મનનું સમાધાન કર્યું.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top