Business

જ્યાં ચોરી જ સાબિત ન થાય ત્યાં ચોરને કેવી રીતે પકડો?

પહેલાં ચોરી અને ભ્રષ્ટાચારનું સ્વરૂપ સ્થૂળ હતું, જાડું કે બરછટ હતું. ચોક્કસ નક્કી કરી આપેલા વિસ્તારની ખાણમાંથી ખનીજ સંપત્તી કાઢવાનો ઠેકો મળ્યો હોય તો બસો-પાંચસો મીટર વધુ ખોદકામ કરે. ચોક્કસ વિસ્તારમાં જંગલમાં ગણીને ઝાડ કાપવાનાં હોય તો વધુ કાપે, પચાસ ટ્રક માલ લઈ જવાનો હોય તો એક જ ગેટપાસનો ઉપયોગ કરીને ટ્રક વધુ કાઢે, તમે આ જાણો છો. મનમાં ગુસ્સો પણ ધરાવો છો.


હવે ભ્રષ્ટાચાર અને ચોરીનું સ્વરૂપ બદલાઈ ગયું છે. પહેલા જે ચોરી થતી હતી એમાં અમલદારો, સ્થાનિક રાજકારણીઓ અને થોડા પ્રમાણમાં શાસકો સંડોવાયેલા જોવા મળતા. હવે જે ચોરી થાય છે એ સીધી ઉપરથી થાય છે અને એ પણ એવી ચોરી જેને તમે ચોરી કહી પણ ન શકો. જ્યાં ચોરી જ સાબિત ન થાય ત્યાં ચોરને કેવી રીતે પકડો?
બધું જ કાયદેસર. યસ, કાયદેસરનો ભષ્ટાચાર. તમે ‘જોલી એલએલબી -3’ ફિલ્મ જોઈ છે? સિફતપૂર્વકની ચોરીને સમજવા માટે ઉપયોગી છે. એમાં હરીભાઈ ખેતાન નામના કુબેરપતિને બિકાનેર જીલ્લાના ખેડૂતોની હજારો એકર ખેતજમીન જોઈએ છે. તરકીબ એવી છે કે પહેલાં ‘તજજ્ઞો’ બિકાનેર જીલ્લાના વિકાસનો, વિકાસમાં નડતી મર્યાદાઓનો અને ઉપાયોનો એક અહેવાલ તૈયાર કરે છે. સ્વતંત્ર લાગતો એ અભ્યાસ હરીભાઈના કહેવાથી તૈયાર કરવામાં આવ્યો છે. એ અહેવાલ ઉપર મીડિયામાં ચર્ચાઓ થાય છે, સરકાર તેની નોંધ લે છે, પણ હરીભાઈ નેપથ્યમાં છે. અને પછી એકાએક બિકાનેરના વિકાસ માટે પ્રજાકીય હિતને ધ્યાનમાં રાખીને હરીભાઈને તેના પ્રોજેક્ટ માટે મંજૂરી મળે છે. જીલ્લા કલેકટર અને સંપૂર્ણ સરકારી મશિનરી હરીભાઈ માટે કામ કરે છે. બધું જ કાયદેસર, લોકહિતમાં, નિસ્વાર્થભાવે!
અરવલ્લીની પહાડીઓનો નિર્ણય અને સર્વોચ્ચ અદાલતની મહોર આવી એક ઘટના છે. લોકહિતમાં વિકાસ માટેની કાયદેસરની ચોરી. 13 મી ઓક્ટોબરે પર્યાવરણ મંત્રાલયના ફોરેસ્ટ એન્ડ કલાઈમેટ ચેન્જ વિભાગે સર્વોચ્ચ અદાલતને સૂચવ્યું કે જે પહાડીની ઊંચાઈ 100 મીટર કરતાં ઓછી હોય તેને પહાડ ન કહેવાય અને તેને સમથળ કરવામાં કોઈ પર્યાવરણીય જોખમ નથી. એના બીજા જ દિવસે સર્વોચ્ચ અદાલત દ્વારા સ્થાપિત સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીએ સર્વોચ્ચ અદાલતને વિષય સમજવામાં મદદ કરનાર વ્યક્તિ (એમિકસ ક્યુરી) ને કહ્યું કે તેણે કેન્દ્ર સરકારના પર્યાવરણ ખાતાના પ્રસ્તાવનો અભ્યાસ હજુ સુધી કર્યો નથી અને એટલે મંજુર રાખ્યો નથી. 20 મી નવેમ્બરે સર્વોચ્ચ અદાલતે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીના અભિપ્રાયની રાહ પણ જોયા વિના 100 મીટરની વ્યાખ્યા મંજૂર કરી દીધી. પ્રસ્તાવને દેશના મુખ્ય ન્યાયમૂર્તિ બી. આર. ગવઈની બનેલી ત્રણ ન્યાયમૂર્તિની બેન્ચે મંજૂર રાખ્યો હતો અને એ પછી ત્રીજા દિવસે ન્યાયમૂર્તિ ગવઈ નિવૃત્ત થઈ ગયા હતા. છેલ્લા દસ વર્ષમાં ચાર મુખ્ય ન્યાયમૂર્તિઓ પાર્ટિંગ કિક મારીને ગયા છે.
અહીં એક વાત જણાવી દઉં કે પર્યાવરણ ભૂસ્તર, ખગોળ જેવી અનેક વિજ્ઞાનશાખાઓને સ્પર્શતો ટેકનીકલ વિષય છે અને પર્યાવરણને લગતા કેસ સર્વોચ્ચ અદાલતમાં આવતા રહે છે એટલે જજોને માર્ગદર્શન આપવા સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીની રચના 2002માં કરવામાં આવી હતી. સવાલ એ છે કે અદાલત દ્વારા જ રચવામાં આવેલી બોડીના અભિપ્રયાની રાહ કેમ ન જોઈ? આ સિવાય ઢાળની પણ રમત છે. ઢાળ પહોળો હોય તો એક સાથે ડઝનબંધ પહાડીઓને જમીનદોસ્ત કરી શકાય અને નેશનલ ફોરેસ્ટ સર્વે કહે છે કે અરવલ્લીની 90 ટકા પહાડીઓ 100 મીટર કરતાં ઊંચાઈમાં નાની છે અને તેના પહોળા ઢાળ છે. આ હિસાબે અરવલ્લી પછી ગીરનું જંગલ અને બરડાના ડુંગરોનો પણ વારો લાગવાનો છે. એની ઉંચાઈ પણ ગીરનાર જેવા બે-ચાર પર્વતોને છોડીને સો મીટરની અંદર જ છે.
પણ આ રીતે ચોરીનું સ્વરૂપ બદલવાનું કારણ શું? એનો અર્થ એવો નથી કે પહેલા જે પ્રકારની ચોરી થતી હતી એ બંધ થઈ છે. એ ચાલુ છે, પણ એમાં નાના લોકો સંડોવાયેલા છે. મોટા લોકોએ હવે એવી જાડી ખરબચડી ચોરી કરવાનું બંધ કરી દીધું છે. હવે તેઓ મુંબઈમાં ધારાવીનો વિકાસ કરવા માટે ધારાવીની જમીન સરકાર પાસેથી મેળવે છે. તો બે કારણ છે આની પાછળ. એક તો એ કે શેઠ લોકોની ફાંદ મોટી થઈ ગઈ છે. તેમની એટલી આર્થિક તાકાત છે કે તેઓ આખે આખા રાજ્યને ખરીદી શકે એમ છે. એ જમાનો ગયો જ્યારે રેલવે, સ્ટીલ જેવા ઉદ્યોગો તેમની પહોંચની બહાર હતા અને સરકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારની માલિકીના કાચા માલની ખરીદી કરીને તેમના ઉદ્યોગો ચાલતા હતા. તેઓ શાસકોને ખરીદે છે અને શાસકો દ્વારા દેશની સંપત્તી ખરીદી શકે છે. એને માટે દેશહિતનો અને વિકાસનો વરખ ચડાવવો પડે તો એ કામ શાસકો સાથે મળીને કરી શકાય એમ છે. ઈન્ડીગો એરલાઈન્સની ઘટના તાજી છે. સરકારના નિયમને એ એરલાઈન્સ દોઢ વરસથી ગાંઠતી નથી અને સરકાર કશું જ કરી શકતી નથી. ઈન્ડીગો શાસકોને નચાવે છે અને શાસકો નાચે છે. આ ભાગીદારી છે, મજબૂરી નથી.
બીજું કારણ એ છે કે સામે શાસકો પાસે પણ પ્રજાને આપવા માટે કાંઈ જ નથી, સિવાય કે દેશપ્રેમનો કેફ અને ‘બીજા’ઓ સામે વેર વળવાનું ઝનૂન. પણ આ કામ અઘરું છે. સૌથી મોટી સમસ્યા એ છે કે એ બહુ ખર્ચાળ પ્રોજેક્ટ છે. કાચા દિમાગના લોકો શોધીને તેને ચોવીસે કલાક મૂર્છામાં રાખવાના. ચોવીસે કલાક ઉત્તેજિત રાખવાના. દિમાગ પર કબજો કરીને વિચારતા બંધ કરવાના વગેરે વગેરે. એને માટે મીડિયા પર કબજો જમાવવો પડે જે નેરેટિવને વેચે અને દેશની કાયાપલટ કરી આપનારાનો જયજયકાર કરે. એને માટે લોકતાંત્રિક સંસ્થાઓને કબજે કરવી પડે, વિરોધ પક્ષોને કમજોર કરવા પડે, નેતાઓને ખરીદવા પડે, તેમાં વિભાજન કરાવવું પડે, પુષ્કળ પ્રચાર કરવો પડે અને સતત લોકપ્રિયતાના બેરોમીટર પર નજર રાખવી પડે. આમ જફા ઘણી છે અને પાછી ખર્ચાળ પણ છે. ખર્ચાળ એટલે તમે કલ્પના ન કરી શકો એટલી ખર્ચાળ. ઉદ્યોગપતિઓના દાનની રકમ પર આ બધું કરવું શક્ય નથી.
હવે જ્યારે અરવલ્લીના પ્રશ્ને પ્રચંડ વિરોધ અને લોકપ્રદર્શન થઈ રહ્યાં છે ત્યારે સરકાર ડરી ગઈ છે. રખે શ્રીલંકા, બંગલાદેશ કે નેપાળ જેવું કાંઈ ન થઈ જાય! લોકોને શાંત કરવા માટે ભુપેન્દ્ર યાદવ નામના કોઈ પર્યાવરણ પ્રધાને કહ્યું કે પહાડીઓ તોડવામાં નહીં આવે. નિયમમાં કરવામાં આવેલા પરિવર્તન અને વ્યાખ્યા વિષે કશું જ નથી કહ્યું. પાળીતા પત્રકારોને તો પાછો વળતો પ્રશ્ન પૂછવાની પણ મનાઈ હોય ને! ન્યાયમૂર્તિ ગવઈ બચાવ કરતા કહે છે કે એ કોઈ સંપૂર્ણ ચુકાદો નથી આદેશાત્મક કથન છે. એવી શું ઉતાવળ હતી કે કોર્ટની પોતાની સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીના અભિપ્રાયની રાહ પણ ન જોઈ અને વચગાળાનો આદેશ આપી દીધો?
સ્થિતિ નિરાશાજનક છે. ઊઘાડી લૂંટ ચાલી રહી છે અને એ બધું દેશહિતના નામે થઈ રહ્યું છે. પણ અરુણ શૌરી કહે છે એમ અદાલતના અને બીજી દરેક લોકતાંત્રિક સંસ્થાઓના દરવાજા ખખડાવતા રહેવું જોઈએ. એક સમયે જવાબદારીવાળી પવિત્ર જગ્યાએ બેઠેલા લોકો કેટલી હદે નીચે ઉતર્યા હતા તે ઇતિહાસમાં નોંધાવું જોઈએ.• રમેશ ઓઝા

Most Popular

To Top