ઈન્ડિયન એરલાઈન્સને સતત છઠ્ઠા દિવસે 10 થી વધુ વિમાનોમાં બોમ્બ મુકાયાની ધમકી મળી છે. અત્યાર સુધીમાં 70થી વધુ વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ભારતીય વિદેશ મંત્રાલય પણ આ અંગે ગંભીર છે. પરંતુ આનાથી એરલાઇન્સ અને મુસાફરો બંને માટે નવી સમસ્યાઓ ઊભી થઈ. જો કે તપાસ એજન્સી આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. ત્યારે બોમ્બની ધમકી મળ્યા બાદ એરલાઇન્સ અધિકારીઓ, ફ્લાઈટ કેપ્ટન, સ્કાય માર્શલ તેમજ અન્ય સ્ટાફ કઈ રીતે આ પરિસ્થિતિને પહોંચી વળે છે? સરકાર બોમ્બ ધમકી આપનાર લોકો માટે કઈ સજાનું પ્રાવધાન કરવા જઈ રહી છે? આ તમામ પાસાઓ પર અમે તમને અહીં વિસ્તૃત જાણકારી આપીશું.
શનિવારે ઈન્ડિયન એરલાઈન્સની 30થી વધુ ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી હતી. જેમાં ઈન્ડિગો, એર ઈન્ડિયા, અકાસા, વિસ્તારા, સ્પાઈસ જેટ, સ્ટાર એર અને એલાયન્સ એરનો સમાવેશ થાય છે. જોકે આ તમામ ધમકીઓ ખોટી સાબિત થઈ છે. આ ધમકીઓને કારણે એરલાઈન્સને અત્યાર સુધીમાં 80 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ શનિવારે સાંજે નવી દિલ્હીમાં તમામ એરલાઈન્સના સીઈઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ખોટી ધમકીઓ આપનાર સામે કાર્યવાહી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત મુસાફરોને પડતી અસુવિધા અને એરલાઈન્સને થતા નુકસાન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ધમકી ક્યાંથી મળે છે?
મોટા ભાગે બોમ્બ મુકાયાની ધમકી ઇમેલ અથવા ફોન ઉપર આપવામાં આવે છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓએ સોશિયલ મીડિયા દ્વારા વિમાનોને ઉડાવી દેવાની ધમકી આપતા આઈપી એડ્રેસ શોધી કાઢ્યા છે, જેમાં આ આઈપી એડ્રેસ જર્મની અને લંડનના હોવાનું કહેવાય છે.
સામાન્ય રીતે સ્થાનિક નાગરિક ઉડ્ડયન સત્તા અથવા એરલાઇન ઓફિસને આ ધમકીઓ મળે છે. જ્યાં સુધી તે સાબિત ન થાય કે ધમકી ખોટી છે ત્યાં સુધી સુરક્ષા પગલાંનું કડક પાલન કરવામાં આવે છે. પ્રોટોકોલ પ્રમાણે સૌ પ્રથમ એરલાઈન્સે ચોક્કસ અને બિન-વિશિષ્ટ જોખમો વચ્ચે તફાવત કરવામા આવે છે. ચોક્કસ ધમકીઓ ફ્લાઇટ નંબર, તારીખ, પ્રસ્થાન અને આગમનના સમય જેવી માહિતી છે, ફ્લાઇટ ક્યાંથી શરૂ થઈ રહી છે અને તે ક્યાં જઈ રહી છે.
મુસાફરોને ઇમરજન્સી લેન્ડિંગનું કારણ જણાવવામાં આવતું નથી
જ્યારે કોઈ એરલાઈન્સને બોમ્બની ધમકી મળે છે ત્યારે ફ્લાઈટના કેપ્ટનને એલર્ટ કરવામાં આવે છે. પ્રોટોકોલ મુજબ કેપ્ટને ઈમરજન્સી જાહેર કરવી પડે છે. બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ શોધવા માટે સાયલન્ટ સર્ચ ઓપરેશન ચલાવવાનો નિયમ છે. અરાજકતા ટાળવા માટે પ્લેનમાં સવાર મુસાફરોને ઇમરજન્સી લેન્ડિંગનું કારણ જણાવવામાં આવતું નથી. લેન્ડિંગ પછી મુસાફરો અને ક્રૂ સભ્યોને તેમના હાથના સામાન સાથે નીચે ઉતારવામાં આવે છે. ત્યારબાદ તેમને એરોડ્રામના સુરક્ષિત રૂમમાં લઈ જવામાં આવે છે. આ પછી આખા સામાન અને વિમાનની શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરવામાં આવે છે.
BTAC ની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવે છે
જ્યારે એરલાઇન અથવા એરપોર્ટ દ્વારા પહેલાથી જ હવામાં રહેલી ડોમેસ્ટિક ફ્લાઇટ અંગે ધમકી મળે છે, ત્યારે એરપોર્ટ-સ્પેસિફિક બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી (BTAC) ની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવે છે. દરેક એરપોર્ટનું પોતાનું BTAC હોય છે જેના સભ્યોમાં સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF), બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS), સંબંધિત એરલાઈન અને એરપોર્ટ ઓપરેટરનો સમાવેશ થાય છે. કમિટી સામાન્ય રીતે એરપોર્ટ પર બોલાવવામાં આવે છે જ્યાંથી એરક્રાફ્ટ રવાના થયું હતું અને ઘણીવાર ગંતવ્ય એરપોર્ટના BTAC સાથે જોડાય છે તેમજ કાર્યવાહીનો માર્ગ નક્કી કરે છે.
વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી બહાર નીકળી જાય તો?
જ્યારે ભારતીય એરલાઇનની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે ધમકી મળે છે જે પહેલાથી જ ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી બહાર નીકળી ચૂકી છે અને એકદમ દૂર છે ત્યારે મામલો વધુ જટિલ બને છે કારણ કે વિદેશી ATC, એજન્સીઓ અને સમિતિઓ પણ કાર્યવાહી દરમિયાન નિર્ણય લેવામાં સામેલ થાય છે. જેમાં વિવિધ એરપોર્ટ પર ડાયવર્ઝન અથવા ગંતવ્ય એરપોર્ટ પર પ્રાધાન્યતા ઇમરજન્સી લેન્ડિંગનો સમાવેશ થઈ શકે છે.
એરલાઇન કંપનીઓ માટે આર્થિક આંચકો
પ્લેનમાં ધમકીભર્યા કોલ એરલાઇન કંપનીઓ માટે એક મોટો આર્થિક ફટકો સાબિત થઈ રહ્યો છે. નિશ્ચિત ગંતવ્ય પર જવા માટે ફ્લાઈંગનો ખર્ચ નક્કી હોય છે પરંતુ જો તેમાં કોઈ ફેરફાર થાય તો ખર્ચ વધી જાય છે. ઈમરજન્સી લેન્ડિંગને કારણે બીજા ઘણા ખર્ચ વધી જાય છે. આમાં એરપોર્ટ પર એરક્રાફ્ટની પાર્કિંગ ફી અને જો કોઈ પેસેન્જર કનેક્ટિંગ ફ્લાઈટ ધરાવે છે તો એરલાઈને તેના માટે વળતર પણ ચૂકવવું પડે છે. વધુ ક્રૂ મેમ્બરોને ડ્યુટી પર તૈનાત કરવા પડે છે. એવીએશન વિભાગના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર બનાવટી ધમકીઓને કારણે જ્યારે પ્લેન ગ્રાઉન્ડ થાય છે ત્યારે એરલાઈનને લગભગ 3 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થાય છે.
એનએસજીનું જૂથ ગણાતા સ્કાય માર્શલ કોણ છે?
વિમાનમાં બોમ્બની ધમકી મળવા મામલે સ્કાય માર્શલ મહત્વની ભૂમિકા ભજવે છે. સ્કાય માર્શલ્સ એનએસજીનું એક જૂથ છે જે હમેશા સાદા કપડામાં હોચ છે. તેઓ એરક્રાફ્ટ પર અથવા એરપોર્ટ પર તૈનાત હોય છે. તેઓ વિશેષ શક્તિઓથી અને શસ્ત્રોથી સજ્જ હોય છે. તેઓ ધરપકડ કરવા સક્ષમ હોય છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ તેમજ ફ્લાઈટના કેટલાક સંવેદનશીલ માર્ગો પર તેઓ તૈનાત હોય છે. સ્કાય માર્શલની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે.
ઘમકી આપનારને સજાની જોગવાઈ
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ઉચ્ચ સ્થાને રહેલા સૂત્રોએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ એક્ટ 1934 અને ગૌણ કાયદાઓમાં સુધારો કરવા માટે આંતર-મંત્રાલય પરામર્શ ચાલી રહી છે જેથી ફ્લાઇટમાં બોમ્બની ખોટી ધમકી આપનારા અને ગુનેગારોને 10 વર્ષની જેલની સજા ઉપરાંત નો ફ્લાઈટ લિસ્ટમાં મુકી શકાય છે. આવા કેસમાં ભારે દંડ પણ થઈ શકે છે. જો પરિસ્થિતિ વધુ ગંભીર છે તો જો ગુનેગાર દોષિત સાબિત થાય છે તો ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કેસ નોંધવામાં આવી શકે છે.
ડિસ્પોઝેબલ આઈડી પરથી મેઈલ કરે તો પણ ટ્રેસ ન થાય: સાઈબર એક્સપ્રેસ ચિંતન પાઠક
પ્લેન કે મોલમાં બોમ્બ હોવાની માહિતી ઈ-મેઈલ દ્વારા આપીને ભયનો માહોલ ફેલાવનારાઓ કઈ રીતે મેઈલ કરે છે તેના પર તેની ધરપકડની સંભાવના છે. આ બાબતે સાઈબર ક્રાઈમના એક્સપર્ટ એડ્વોકેટ ડો.ચિંતન પાઠકે જણાવ્યું હતું કે, જો મેઈલ ડિસ્પોઝેબલ આઈડી પરથી આવે તો તેને ટ્રેસ કરી શકાય નહીં. ઘણા દેશો છે જે પ્રાઈવસીને ધ્યાનમાં રાખી આવી છૂટ આપે છે. જેને ટેમ્પરરી ઈ-મેઈલ કહેવાય છે. મેઈલ થયા બાદ આઈડી ડિસ્પોઝ થઈ જાય છે. ઉપરાંત કેટલાક પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરી મેઈલ કરે છે, જેમાં આઈપી જમ્પ થતી હોય છે. એટલે હાલમાં આઈપી મુંબઈ બતાવે તો બીજા ક્ષણે આઈપી દુબઈ બતાવે. આવા લોકોને પણ ટ્રેસ કરી શકાય નહીં. તેને આઈપી જમ્પિંગ પણ કહેવામાં આવે છે. ત્રીજું એ કે વીપીએનથી મેઈલ કર્યા હોય અને આ વીપીએન પરથી એવા દેશમાંથી મેઈલ થયા હોય કે જેમની સાથે ભારતની સંધી ન હોય તો પણ તે વિશે માહિતી મળી નથી. આ સિવાય કોઈપણ રીતે મેઈલ કરે તો તેને ટ્રેસ કરી શકાય છે.
કેટલાક હિસ્ટ્રીયોનિક તો કેટલાક સિસ્ટમથી ત્રસ્ત હોય એવા લોકો અફવા ફેલાવતા હોય છે: ડો.કમલેશ દવે
સુરત: નવી સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક ડો.કમલેશ દવેએ જણાવ્યું હતું કે, અફવા ફેલાવનારા હિસ્ટ્રીયોનિક હોઈ શકે છે. આ લોકોને મજા આવે કે જોયું મારા એક કોલથી બધા દોડતા થઈ ગયા. પોલીસ દોડતી થઈ ગઈ. જો આ પ્રકારે રિપિટેડલી કોઈ અફવા ફેલાવે તો તેને ચોક્કસ મનોરોગી કહી શકાય છે. ઉપરાંત કેટલાક લોકો નશામાં હોય ત્યારે આવા કોલ કરી દેતા હોય છે. ત્યારે તેમને સારા નરસાનું ભાન નથી રહેતું. કેટલાક લોકોને આવી અફવા ફેલાવવાથી વિકૃત આનંદ મળતો હોય છે. કેટલાક લોકો એવા હોય છે, જે સિસ્ટમથી ત્રસ્ત હોય. કોઈને પોલીસવાળો મારે એટલે તેનો બદલો લેવા આવી અફવા ફેલાવે, પોતે જ પોતાને કહે જોયું પોલીસને કેવી દોડાવી.