Columns

અદાણી ગ્રુપે માત્ર ત્રણ વર્ષમાં કેવી રીતે 80% સંપત્તિ બનાવી?

અદાણી ગ્રુપ અત્યારે તેની પડતીને કારણે ચર્ચામાં છે. અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી આ કંપની 34 વર્ષ પહેલાં સ્થપાઈ હતી અને તેના મુખ્ય કર્તાધર્તા ગૌતમ અદાણી છે. આ કંપનીની વેબસાઈટ પર લીડરશીપ કરનારા જે મુખ્ય ચાર ચહેરા દેખાય છે; તેમાં ચેરમેન તરીકે ગૌતમ અદાણી છે અને મૅનેજિંગ ડિરેક્ટર તરીકે તેમના ભાઈ રાજેશ અદાણી. આ સિવાયના બે ચહેરા ગૌતમ અદાણીના પત્ની પ્રીતિ અદાણી છે, જેઓ અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન છે. ડિરેક્ટર તરીકે મલય મહાદેવિયા છે. અદાણી ગ્રુપમાં લીડરશિપ કરનારાં અન્ય 22 વ્યક્તિઓમાં 4 અદાણી અટક ધરાવનારા છે. અદાણી ગ્રુપમાં અંદાજે 25,000 લોકો કામ કરે છે. માર્કેટમાં આ ગ્રુપનો બિઝનેસ માત્ર એક- બે સેક્ટર પૂરતો નથી અને તેથી અદાણી ગ્રુપમાં અલગ-અલગ કંપનીઓ છે.

અદાણી ગ્રુપનો આરંભ થયો હતો ત્યારે તે માત્ર એક ટ્રેડિંગ કંપની હતી અને 1988ના વર્ષમાં આ કંપની પાસે મૂડીના નામે માત્ર 5 લાખ રૂપિયા હતા! આ સમયે મુંદ્રા ખાતે અદાણી ગ્રુપે પોતાની રીતે મુંદ્રા બંદરને વિકસાવ્યો. અદાણીએ ખુદ કહ્યું છે કે તેમની આટલી બુલંદીમાં સૌ પ્રથમ કોઈ વડા પ્રધાનને શ્રેય આપી શકાય તો તે રાજીવ ગાંધી હતા. રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારે તેમણે ઉદ્યોગપતિઓ પ્રત્યે દાખવેલી ઉદારનીતિના કારણે અદાણીના પગ મજબૂત થયા. મુંદ્રાના સાહસથી ગૌતમ અદાણીને મોટો જમ્પ મળ્યો અને 1999માં અદાણી ગ્રુપ કોલસાના બિઝનેસમાં આવ્યું અને 2000નું વર્ષ આવતાં સુધીમાં આ ગ્રુપ ખાદ્ય તેલમાં પણ નસીબ અજમાવવા ઊતરી પડ્યું હતું.

અદાણી ગ્રુપ આ ગાળા દરમિયાન અન્ય કોઈ પણ ઉદ્યોગસાહસ આગળ વધે તેમ વધી રહ્યું હતું. તેમાં બિઝનેસની એક સહજ ગતિ દેખાય છે. અહીં જે રીતે અદાણી ગ્રુપ વિકસ્યું તેમાં દેશની 1992ની ઉદ્યોગ પ્રત્યેના ઉદારનીતિના કારણે થયેલા લાભનો ઉલ્લેખ એક મુલાકાતમાં ગૌતમ અદાણીએ કર્યો છે. આ રીતે જ્યારે કોઈ ક્ષેત્ર વિકસી રહ્યું હોય તેમાં રોકાણ કરવું તે માટે દૂરંદર્શિતા અને સાહસ હોવું જોઈએ. ગૌતમ અદાણીએ તે દાખવ્યું અને તેઓને તેનો જંગી લાભ પણ થયો.

ટૂંકાગાળામાં મુંદ્રા બંદર દેશનું સૌથી મોટું બંદર બન્યું અને જોતજોતમાં દેશમાં કોલસાની ખપત પણ અદાણી ગ્રુપ દ્વારા પૂર્ણ થઈ રહી હતી. દેશ પછી વિદેશોમાં પણ કંપનીએ પોતાની સ્થાયી હાજરી માટે પ્રયાસ આદર્યા અને તેમાં ઇન્ડોનેશિયાની બુન્યુ માઇનમાં કોલસાનો કોન્ટ્રાક્ટ અદાણીને મળ્યો. આ રીતે 21મી સદીના પ્રથમ દાયકામાં અદાણી ગ્રુપ એટલું મોટું બની ચૂક્યું હતું કે દેશમાં કોલસા સપ્લાય કરનારી સૌથી મોટી કંપની બની હતી. કોલસાની કુલ ડિમાન્ડ પૂરી કરવામાં અદાણીનો હિસ્સો 60% જેટલો હતો. આશ્ચર્ય તો એ વાતનું હતું કે દેશની પબ્લિક સેક્ટર કંપની ‘નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન’ને સુધ્ધાં કોલસા પૂરા પાડવાનું કાર્ય અદાણી દ્વારા થતું હતું.

બંદર અને કોલસામાં અદાણીની જાણે ઇજારાશાહી થઈ અને તેનાથી સંપત્તિમાં અનેકગણો વધારો થઈ રહ્યો હતો. આ નાણાંનું અદાણી ગ્રુપ વિવિધ બિઝનેસમાં રોકાણ કરી રહ્યું હતું અને જ્યારે અદાણી ગ્રુપને ઓરિસ્સામાં માઇન કરવાનો અધિકાર મળ્યો ત્યારે તે કંપની દેશની સૌથી મોટી કોલસા કંપની બની. તે પછી દહેજ બંદર પણ અદાણી હસ્તક આવ્યું. બંદરમાં અદાણીનું નામ એક માત્ર હોય તેમ દેશના એક પછી એક મહત્ત્વના બંદરોનું વ્યવસ્થાપન અદાણી પાસે જતું ગયું અને આજે અદાણી ગ્રુપ દેશમાં વ્યસ્ત રહેનારા 10 જેટલાં બંદરો મેનેજ કરે છે.

આ રીતે અદાણી ગ્રુપ ગ્રીન એનર્જી, ગેસ અને વીજળીના ટ્રાન્સમિશનમાં પણ પ્રવેશ્યું. અદાણીના આ તમામ બિઝનેસમાં માળખાગત સુવિધા નિર્માણ કરવાની ખાસિયત દેખાય છે. મતલબ કે જ્યાં જંગી મૂડીરોકાણ જોઈએ અને તે બિઝનેસ આરંભ કરવામાં સમય પણ જાય. આ જોખમ અદાણી વારેવારે લેતા દેખાય છે. અદાણીએ આવા બિઝનેસમાં વહેલા પ્રવેશી પોતાની ઇજારાશાહી ઊભી કરી છે.  અદાણી ગ્રુપે આ રીતે જંગી મૂડી એકત્રિત કરી અને કેટલાક અદ્વિતીય કહી શકાય તેવા પ્રોજેક્ટ અદાણી ગ્રુપ દ્વારા થયા, આમાં એક છે.

ભારત સરકાર દ્વારા આરંભાયેલો ‘સોલર એનર્જી કોર્પોરેશન ઑફ ઇન્ડિયા’ પ્રોજેક્ટ. તે પછી અદાણીએ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનો 74 % સ્ટેક મેળવ્યો. ગ્રીન એનર્જીમાં પણ અદાણી દ્વારા મસમોટું ઇન્વેસ્ટમેન્ટ થયું. આ રીતે તેમના પોર્ટફોલિયામાં બંદર, માઇન્સ, પાવર પ્લાન્ટ્સ, એરપોર્ટ, ડેટા સેન્ટર અને ડિફેન્સ સુધ્ધાં આવ્યાં. 2020-21ના વર્ષમાં માત્ર 2 વર્ષમાં અદાણી ગ્રુપે દેશના 7 એરપોર્ટના વ્યવસ્થાપનનું કાર્ય મેળવ્યું. આ એરપોર્ટ દેશના અડધાથી વધુ ટ્રાફિક વ્યસ્તતા ધરાવનારા હતા. 2021માં જ અદાણીને શ્રીલંકાના બંદરને ડેવલપ કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ ઉપરાંત દેશભરમાં ડેટા સેન્ટર નિર્માણ કરવા માટે પણ અદાણી ગ્રુપે કમર કસી હતી. ગ્રીન એનર્જી અને ડેટા સેન્ટરના રોકાણ દ્વારા અદાણી ગ્રુપે નેક્સ્ટ જનરેશનના બિઝનેસમાં ડગ માંડ્યા.

અદાણીના આ બધા જ ઇન્વેસ્ટમેન્ટમાં તેમને હજારો કરોડોની લોન પણ લેવી પડી. મતલબ કે તેમણે ધંધો કરવા માટે બેન્કો પાસેથી અને LIC પાસેથી નાણાં ઉધાર લીધા છે અને જેઓ અદાણીના ટીકાકાર છે તેમનું કહેવું એ પણ છે કે વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા એરપોર્ટના વ્યવસ્થાપન અર્થે જે નિયમો ઘડ્યા હતા તેમાં ખાસ્સી એવી રાહત આપી છે, જેના દ્વારા અદાણીને તે કોન્ટ્રાક્ટ મળી શકે. કેરળમાં એરપોર્ટના કોન્ટ્રાક્ટને તો તે કારણે પડકારવામાં પણ આવ્યો છે. 

હિડનબર્ગના રિપોર્ટ આવ્યા બાદ અદાણીનું આ સામ્રાજ્ય તૂટી પડ્યું છે અને આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે આવી રહેલા સમાચાર મુજબ અદાણી વિશ્વના ટોપ-20 શ્રીમંતોની યાદીમાંથી પણ નીકળી ચૂક્યા છે અને હવે તો ‘રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા’એ દેશની તમામ બેંકો પાસેથી અદાણી સમૂહ સાથે થયેલા તેમના વ્યવહાર અંગેનો રિપોર્ટ માંગ્યો છે. અદાણીનું સામ્રાજ્ય કેટલાક અંશે રાજકીય સંબંધોના આધારે ટકેલું હતું તેવું પણ કહેવાય છે અને તે માટે ‘મોદી-અદાણી’ની જુગલબંદી એવો શબ્દપ્રયોગ પણ ટીકાકારો કરે છે. ‘ધ પ્રિન્ટ’નામના ન્યૂઝ પોર્ટલ પર આવેલા એક અહેવાલમાં વિગત છે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા ત્યારે તેમની પ્રો-બિઝનેસ છબિને નિખારવા માટે ગૌતમ અદાણી દ્વારા પણ પ્રયાસ થયા હતા. તેઓએ ઉદ્યોગપતિ તરીકે ઘણા ખરા ઇન્વેસ્ટરોને રાજ્યમાં રોકાણ માટે સમજાવી શક્યા હતા.

હજુ ગત વર્ષે સપ્ટેમ્બરમાં ગૌતમ અદાણીની સંપત્તિનો આંકડો 141 બિલિયન ડૉલરે પહોંચ્યો હતો. તે વખતે તેઓ એશિયાના સૌથી અમીર અને વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. સંપત્તિના આ આંકડા સુધી કોઈ પણ એશિયન નહોતો પહોંચી શક્યો. એ વખતે પણ અનેક ન્યૂઝમાં તેમની રોકેટ ગતિએ સંપત્તિની ચર્ચા થઈ હતી, કારણ કે માર્ચ 2020 સુધી તેમની સંપત્તિનો આંકડો માત્ર 20 બિલિયન ડોલરનો હતો અને મુકેશ અંબાણીના રિલાયન્સની વેલ્થ તે વખતે 85 બિલિયન ડોલરની આસપાસ હતી.  આ ગ્રોથ કોઈ રીતે સામાન્ય નહોતો લાગતો. બજારના વિશ્લેષકોનું પણ માનવું હતું કે આ અસમાન્ય છે પરંતુ 2018થી અદાણી ગ્રુપની કંપનીની શેર પ્રાઇસ સતત વધતી જતી હતી.

અદાણી ગ્રુપની કંપનીઓમાં શેરમાં અદાણીનો પોતાનો અને પ્રમોટરોનો હિસ્સો 60% જેટલો હતો, અદાણી ગ્રુપના શેરના ભાવ સતત લાંબાગાળા સુધી વધતા રહ્યા તેથી પણ રોકાણકારો તેમાં ઇન્વેસ્ટ કરવા પ્રેરાયા. ઉપરાંત કેટલાંકને એવું પણ લાગ્યું કે હવે અદાણી સમૂહ એટલું જાયન્ટ બની ચૂક્યું છે કે તેના નિષ્ફળ જવાની શક્યતા ખૂબ ઓછી છે. જો કે બજારમાં જેઓ ઝીણવટભરી નજર રાખતા હોય છે તેઓને ખ્યાલ હતો કે અદાણીના શેરની વાસ્તવિકતા કરતાં વધુ કિંમત અંકાઈ રહી છે પરંતુ  વર્તમાન સરકાર સાથે અદાણી સમૂહના અનુકૂળ સંબંધના કારણે કોઈએ પણ તેની નિષ્ફળતાની આગાહી ન કરી પણ એક રિપોર્ટ માત્રથી હવે આ અદાણી સામ્રાજ્ય તૂટી ચૂક્યું છે અને તે ફરી વાર બેઠું થાય તેવું અત્યારે તો દેખાતું નથી. કસમે કમ અદાણી ગ્રુપને ફરી સર્વશ્રેષ્ઠ સ્થાન હાંસલ કરવામાં વર્ષો લાગી જશે.

Most Popular

To Top