Columns

પ્રતિભાશાળી ક્રિકેટર વિનોદ કાંબલી કેવી રીતે બરબાદ થઈ ગયો?

ક્રિકેટની દુનિયામાં કોણ ક્યારે ફર્શથી સિંહાસન પર આવશે અને કોણ સિંહાસનથી જમીન પર ક્યારે આવશે તેની આગાહી કરી શકાતી નથી. ક્રિકેટની દુનિયામાં ઘણી વાર ખેલાડી શાનદાર પ્રદર્શન કરીને રાતોરાત સ્ટાર બની જાય છે, જ્યારે સ્ટાર બન્યા બાદ કોઈ ખેલાડીને ગુમનામીમાં જીવવું પડે છે. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના મિત્ર અને ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી સાથે પણ કંઈક આવું જ થયું છે. વિનોદ કાંબલી એક સમયે સચિન જેટલો લોકપ્રિય હતો, પરંતુ સમયનું પૈડું એવું ફર્યું કે લક્ઝરી લાઈફ જીવતો કાંબલી આજે કંગાળ બની ગયો છે.

વિનોદ કાંબલીની નેટવર્થ એક સમયે ૨૦ કરોડ રૂપિયા સુધીની હતી. જ્યારે હવે તે BCCI તરફથી દર મહિને મળતા ૩૦,૦૦૦ રૂપિયાના પેન્શન પર નિર્ભર છે. વિનોદ કાંબલીની તબિયત અચાનક બગડી હતી, જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મેડિકલ ટેસ્ટ બાદ હવે ખબર પડી છે કે વિનોદ કાંબલી મગજમાં ગઠ્ઠાથી પીડિત છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેરાત કરી છે કે શ્રીકાંત શિંદે ફાઉન્ડેશન વિનોદ કાંબલીની સારવાર માટે પાંચ લાખ રૂપિયાની સહાય આપશે. જ્યારે વિનોદ કાંબલીને આ સમાચાર મળ્યા તો તે ભાવુક થઈ ગયો હતો.

વિનોદ કાંબલીની તબિયત ઘણા સમયથી બગડી રહી હતી. ૧૧ વર્ષ પહેલાં તેણે હાર્ટ સર્જરી પણ કરાવવી પડી હતી. વિનોદ કાંબલી અને સચિન તેંડુલકર શાળાના સમયથી ખાસ મિત્રો છે. બંને ખેલાડીઓએ મુંબઈમાં એક સ્કૂલ મેચ દરમિયાન ૬૬૪ રનની રેકોર્ડ ભાગીદારી કરીને હલચલ મચાવી દીધી હતી. હાલમાં જ વિનોદ અને સચિન એક કાર્યક્રમ દરમિયાન સાથે જોવા મળ્યા હતા, પરંતુ વિનોદ કાંબલીની હાલતે બધાને ચોંકાવી દીધા હતા. વિનોદ કાંબલી ઘણી બીમારીઓથી પીડિત છે. કાર્યક્રમ દરમિયાન તે વ્હીલ ચેર પર જોવા મળ્યો હતો. સચિન તેની પાસે ગયો અને તેની તબિયત પૂછી હતી. સચિન પાસે આજે અબજોની સંપત્તિ છે. વિનોદ કાંબલી પૈસેટકે બરબાદ થઈ ગયો છે અને તેણે પોતાના આરોગ્યનો પણ દાટ વાળ્યો છે. માણસે પોતાની જિંદગી કેવી રીતે ન જીવવી જોઈએ, તેનો ખ્યાલ વિનોદ કાંબલીની જિંદગી ઉપરથી આવે છે.

સચિન તેંડુલકર સાથે પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત કરનાર વિનોદ કાંબલીની જિંદગી કોઈ ફિલ્મી કહાનીથી ઓછી નથી. વિનોદ કાંબલી સચિન તેંડુલકરનો બાળપણનો મિત્ર છે. બંનેએ મુંબઈની પ્રખ્યાત કાંગા લીગમાં સાથે પદાર્પણ કર્યું હતું. શારદાશ્રમ સ્કૂલ તરફથી રમતા તેંડુલકર અને કાંબલીએ ૬૪૪ રનની ભાગીદારી નોંધાવી હતી. કાંબલીએ આ દરમિયાન અણનમ ૩૪૯ રન બનાવ્યા હતા. આ ભાગીદારી બાદ તેંડુલકર અને કાંબલીના નામ ચર્ચામાં આવ્યાં હતાં. તેંડુલકરે ૧૯૮૮માં રણજી ટ્રોફીમાં પદાર્પણ કર્યું હતું, જ્યારે કાંબલીને એક વર્ષ પછી ૧૯૮૯માં આ તક મળી હતી.

રણજી ટીમમાં પ્રવેશ મેળવ્યાનાં ત્રણ વર્ષ બાદ તેને ટીમ ઈન્ડિયા માટે રમવાની તક મળી હતી. પ્રથમ સાત ટેસ્ટ મેચમાં તેણે ચાર સદી ફટકારીને પોતાની ક્ષમતા પુરવાર કરી હતી. તે ચાર સદીઓમાંથી બે બેવડી સદી હતી. કાંબલીએ ૧૮ નવેમ્બર ૧૯૯૪ના રોજ જે રેકોર્ડ બનાવ્યો હતો જે છેલ્લાં ૨૬ વર્ષથી અકબંધ છે. તેણે ટેસ્ટની માત્ર ૧૪ ઇનિંગ્સમાં ૧,૦૦૦ રન પૂરા કર્યા હતા. તે ભારત તરફથી ટેસ્ટમાં હજાર બનનાર સૌથી ઝડપી બેટ્સમેન છે. માત્ર ત્રણ મહાન ખેલાડીઓએ તેના કરતાં ઓછી ઇનિંગ્સમાં ૧,૦૦૦ રન પૂરા કર્યા છે. ૧૭ મેચ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર કરાયા બાદ કાંબલીના સ્ટારડમમાં ટૂંક સમયમાં જ ઘટાડો થવા લાગ્યો હતો. માત્ર ૧૭ ટેસ્ટ રમ્યા બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો ત્યારે તેની એવરેજ ૫૪ હતી.

૧૯૯૪માં પેપ્સી ઓસ્ટ્રેલિયા-એશિયા કપનું આયોજન કરવામાં આવ્યું હતું. શારજાહમાં રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. ટીમ ઈન્ડિયાએ ૨૪૫ રનના ટાર્ગેટનો પીછો કર્યો અને ૩ ઓવર બાકી હતી. આ મેચ દરમિયાન વિનોદ કાંબલીએ શેન વોર્નની એક ઓવરમાં ૨૨ રન બનાવ્યા હતા. કાંબલીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે શેન વોર્ને ઓવરનો પહેલો બોલ ફેંક્યા બાદ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો, જેનો તેણે તેના બેટથી જવાબ આપ્યો હતો. તે મેચમાં કાંબલીએ ૧૭ બોલમાં અણનમ ૨૮ રન બનાવ્યા હતા.

વિનોદ કાંબલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ પોતાની જાતને અનુકૂળ ન કરી શક્યો. ૧૯૯૪માં કર્ટની વોલ્શ જેવા બોલરોના બાઉન્સર તેના માટે કોયડા સમાન સાબિત થયા હતા. કાંબલી આ બોલને રમવા માટે કટ શોધી શક્યો ન હતો જે તેના ખભા સુધી વધુ ઝડપે આવ્યા હતા અને તેને કારણે ટેસ્ટ ક્રિકેટમાં તેના માટેના દરવાજા બંધ થઈ ગયા હતા. ૧૯૯૫માં તેની છેલ્લી ટેસ્ટ રમ્યા બાદ વિનોદ કાંબલી વન ડે ટીમની અંદર અને બહાર થતો રહ્યો હતો. તેણે ૯ વખત પુનરાગમન કર્યું, પરંતુ સચિનની જેમ તે ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શક્યો નહીં. કરિયરમાં નિષ્ફળતા મળ્યા પછી વિનોદ કાંબલી શરાબના રવાડે ચડીને પણ પાયમાલ થઈ ગયો હતો.

વિનોદ કાંબલીએ બે વાર લગ્ન કર્યાં હતાં. તેણે પહેલાં એક ખ્રિસ્તી યુવતી સાથે લગ્ન કર્યાં. નોએલા નામની છોકરી સાથેના તેમના પ્રથમ લગ્ન સફળ રહ્યાં ન હતાં. ફિલ્મી દુનિયા તરફ આકર્ષિત થયેલા કાંબલીને ફેશન મોડલ એન્ડ્રીયા હેવિટ સાથે પ્રેમ થઈ ગયો. બંનેએ લગ્ન કર્યાં અને હજુ પણ સાથે છે. જૂન ૨૦૧૦ માં એન્ડ્રીયાએ કાંબલીના પુત્ર જીસસ ક્રિસ્ટિયાનોને જન્મ આપ્યો. ૨૦૦૦માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ કેટલીક ફ્લોપ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

૨૦૦૨માં સંજય દત્ત, સુનીલ શેટ્ટી અને પ્રીતિ ઝાંગિયાની અભિનીત ફિલ્મ અનર્થ રિલીઝ થઈ હતી. રવિ દિવાન દ્વારા નિર્દેશિત તે ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. ૨૦૦૯માં કાંબલીએ ફરીથી પલ પલ દિલ નામની ફિલ્મ કરી. વીકે કુમાર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં કાંબલીના ભૂતપૂર્વ ક્રિકેટર મિત્રો અજય જાડેજા અને માહી ગિલ હતા, પરંતુ તે પણ દર્શકોનાં દિલ જીતી શકી ન હતી. કાંબલીને હાર્ટ એટેકનો ભોગ બનવું પડ્યું. તેની ફિલ્મી કરિયર ફ્લોપ થયા બાદ કાંબલીએ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો. તે લોકભારતી પાર્ટીનો સભ્ય હતો. કાંબલી ૨૦૦૯ની વિધાનસભા ચૂંટણીમાં વિક્રોલીથી ઉમેદવાર તરીકે ઊભો હતો, પરંતુ આ મોરચે પણ તે નિરાશ થયો હતો.

એક સમય એવો પણ આવ્યો જ્યારે તેના બાળપણના મિત્ર સચિનથી પણ તેનું અંતર વધી ગયું. ૨૦૦૯માં રિયાલિટી શો સચ કા સામનામાં કાંબલીએ કહ્યું હતું કે ટીમ ઈન્ડિયામાં તેની સાથે ભેદભાવ કરવામાં આવે છે. તેણે કહ્યું કે જ્યારે તે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સચિને તેની મદદ કરવી જોઈતી હતી. વિનોદ કાંબલીને આ શોમાંથી ૧૦ લાખ રૂપિયા મળ્યા હતા. આ ૧૦ લાખ રૂપિયા મળ્યા તેની સામે તેણે મિત્ર ગુમાવ્યો હતો. કાંબલીએ પાછળથી એમ પણ કહ્યું કે જ્યારે મને સચિનની સૌથી વધુ જરૂર હતી, ત્યારે તેણે મારી મદદ ન કરી, તેથી જ મેં રિયાલિટી શોમાં આવું કહ્યું હતું. ભેદભાવનો આરોપ લગાવતાં વિનોદ કાંબલીએ કહ્યું કે જો તમે તેનો રેકોર્ડ જોશો તો તમને ખબર પડશે કે તેને ભારતીય ટીમમાંથી કેમ બહાર કરવામાં આવ્યો હતો. 

એક કાર્યક્રમમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલદેવે પણ કહ્યું હતું કે વિનોદ કાંબલીની જીવનશૈલી તેની કારકિર્દીને બરબાદ કરવા માટે જવાબદાર છે. કપિલે સચિન અને કાંબલીની સરખામણી પણ કરી હતી અને કહ્યું હતું કે બંનેએ સાથે શરૂઆત કરી હતી અને બંનેમાં સમાન પ્રતિભા હતી. વિનોદ કાંબલી કદાચ વધુ પ્રતિભાશાળી હતો, પરંતુ તેની સપોર્ટ સિસ્ટમ, ઘરનું વાતાવરણ અને તેના મિત્રો કદાચ સચિનથી સાવ અલગ હતા. અમે બધા જાણીએ છીએ કે પછી શું થયું. સચિન ૨૪ વર્ષ સુધી દેશ માટે રમ્યો અને વિનોદ કાંબલી બરબાદ થઈ ગયો, કારણ કે તે તેની કારકિર્દીની શરૂઆતમાં મળેલી સફળતાની અપેક્ષાઓ પર ખરો ઊતરી શક્યો ન હતો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top