ચંબલનો કોઈ ખૂંખાર ડાકુ ભારતનો વડો પ્રધાન બની જાય તો કેવું લાગે? અફઘાનિસ્તાનમાં વર્ષો સુધી જેમને આતંકવાદી તરીકે ઓળખવામાં આવતા હતા તે તાલિબાને અમેરિકાના લશ્કરને ઉચાળા ભરવાની ફરજ પાડી અને અત્યારે તાલિબાનના ભૂતપૂર્વ આતંકવાદીઓ અફઘાનિસ્તાનની સરકાર ચલાવી રહ્યા છે. ભારતમાં પણ કોઈ સમયે જેમને માઓવાદી અને નકસલવાદી કહીને ધિક્કારવામાં આવતા હતા તે સામ્યવાદીઓને પ્રજાનો એટલો પ્રેમ મળ્યો કે તેમણે દાયકાઓ સુધી પશ્ચિમ બંગાળમાં અને કેરળમાં પોતાની સરકારો ચલાવી હતી. કેન્દ્રમાં જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે માર્ક્સવાદીઓ અને સામ્યવાદીઓ સરકારમાં પણ જોડાયા હતા. ભારતની પડોશમાં આવેલું નેપાળ કોઈ સમયે હિન્દુ રાષ્ટ્ર તરીકે ઓળખાતું હતું અને ત્યાં સદીઓથી રાજાશાહી સરકાર ચાલતી હતી. માઓવાદી નેતા પુષ્પકમલ દાહાલ ઉર્ફે ‘પ્રચંડા’ ની આગેવાની હેઠળ નેપાળમાં સશસ્ત્ર ક્રાંતિ થઈ. પ્રચંડા ૧૯૯૬થી ૨૦૦૬ સુધી જંગલોમાં ભટકીને રાજાશાહી સામે લડતા રહ્યા હતા. તેમના માથા સાટે મોટું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
પ્રચંડાએ રાજાશાહીને ઉથલાવી પાડી હતી અને નેપાળમાં લોકશાહીની સ્થાપના કરી હતી. ૨૦૦૮માં પ્રચંડા પહેલી વખત નેપાળના વડા પ્રધાન બન્યા હતા. ત્યાર પછી રાજકીય ઉથલપાથલમાં તેમણે વડા પ્રધાનપદ ગુમાવ્યું હતું. ૨૦૧૬માં પ્રચંડા બીજી વખત નેપાળના વડા પ્રધાન બન્યા હતા. બે વર્ષ પછી તેમણે રાજીનામું આપ્યું હતું અને તેઓ વિપક્ષી નેતા બન્યા હતા. આ વખતની ચૂંટણીમાં નેપાળી કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી, પણ તેને પૂર્ણ બહુમતી મળી નહોતી. બીજા નંબરે પ્રચંડાનો પક્ષ હતો, જેને ૨૭૫ સભ્યોની પ્રતિનિધિ સભાના ૭૮ સંસદસભ્યોનો ટેકો હતો. બીજા ૬ પક્ષોના ટેકાથી પ્રચંડા ૧૬૫ સભ્યોનો ટેકો મેળવીને વડા પ્રધાન બન્યા છે. બીજા ૬ પક્ષો સાથે થયેલી સમજૂતી મુજબ પ્રચંડા અઢી વર્ષ સુધી નેપાળના વડા પ્રધાન રહેશે; બાકીનાં અઢી વર્ષ અન્ય પક્ષોના વડા પ્રધાન રહેશે.
પ્રચંડાનો જન્મ નેપાળના બ્રાહ્મણ પરિવારમાં ૧૯૫૪માં થયો હતો. તેમનું બાળપણનું નામ ઘનશ્યામ દાહાલ હતું, પણ મેટ્રિકની પરીક્ષા વખતે તેમણે પોતાનું નામ બદલીને પુષ્પકમલ દાહાલ કર્યું હતું. તેમનું બચપણ ગરીબીમાં વીત્યું હોવાથી તેઓ સામ્યવાદી વિચારધારા પ્રત્યે આકર્ષાયા હતા. તેઓ ૧૯૮૧માં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળમાં જોડાઈ ગયા હતા, જેઓ ભૂગર્ભમાં રહીને રાજાશાહી સામે સશસ્ત્ર ચળવળ ચલાવતા હતા. ૧૯૮૯માં તેઓ સામ્યવાદી પક્ષના મહામંત્રી બની ગયા હતા. સામ્યવાદી પક્ષોમાં મહામંત્રીનો હોદ્દો પ્રમુખના હોદ્દા કરતાં પણ વધુ શક્તિશાળી ગણાય છે. પાછળથી તેમના પક્ષનું નામ બદલીને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (માઓવાદી) રાખવામાં આવ્યું હતું. ૧૯૯૦માં નેપાળમાં લોકશાહીની સ્થાપના થઈ તે પછી પણ તેમણે ભૂગર્ભમાં રહીને પોતાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી ત્યારે સંસદમાં તેમના સંગઠનના સભ્યો પણ હતા.
નેપાળમાં રાજાશાહી હતી ત્યારે નેપાળી કોંગ્રેસ સત્તામાં હતી, પણ અંતિમ સત્તા રાજાના હાથમાં જ રહેતી હતી. ૧૯૯૬માં નેપાળી કોંગ્રેસના શેર બહાદુર દેઉબા વડા પ્રધાન હતા ત્યારે પ્રચંડાના પક્ષ દ્વારા સરકાર સમક્ષ ૪૦ માગણીઓ કરવામાં આવી હતી. તેમાંની એક માગણી ૧૯૫૦ના ભારત-નેપાળ વચ્ચેના કરાર રદ કરવાની પણ હતી. બીજી માગણી નેપાળમાં કોઈ પણ જાતનું વિદેશી રોકાણ ન આવવું જોઈએ, તે માટેની હતી. ત્રીજી માગણી મોટા જમીનદારોની જમીન ઝૂંટવીને તેની વહેંચણી ભૂમિહીન કિસાનોમાં કરવાની હતી. નેપાળ ચીનની સરહદે આવેલું હોવાથી તેનો ટેકો પ્રચંડાની સશસ્ત્ર ક્રાંતિને મળી રહેતો હતો. ચીન તરફથી તેમને નાણાંકીય સહાય પણ મળતી હતી. નેપાળની પોલીસની ભીંસ વધે તો તેઓ ચીનની જમીન પર આશરો લેતા હતા.
વર્ષોની સશસ્ત્ર ક્રાંતિ પછી ૨૦૦૬માં નેપાળનો જનમત જ્યારે રાજાશાહીની વિરુદ્ધમાં થઈ ગયો ત્યારે માઓવાદી પ્રચંડા દ્વારા ૯૦ દિવસનો યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો હતો. આ યુદ્ધવિરામ દરમિયાન નેપાળના રાજકીય ભવિષ્ય બાબતમાં વાટાઘાટો ચલાવવામાં આવી હતી, જેનું નિયમન પ્રચંડા ભૂગર્ભમાં રહીને કરતા હતા. ૨૦૦૬ના એપ્રિલમાં કાઠમંડુમાં જોરદાર હડતાળ પડી હતી, જેને પરિણામે રાજા જ્ઞાનેન્દ્રને પોતાની સત્તાનો ત્યાગ કરવાની ફરજ પડી હતી. નેપાળનું નવું બંધારણ લખવામાં આવ્યું હતું, જેમાં તમામ સત્તા રાજાને બદલે સંસદના હાથમાં સોંપવામાં આવી હતી. ૨૦૦૮માં નેપાળમાં ચૂંટણી થઈ હતી અને સાત પક્ષોની સરકાર બની હતી, જેના નેતા પુષ્પકમલ દાહાલ ઉર્ફે પ્રચંડા હતા. પ્રચંડા વડા પ્રધાનના મહેલમાં પહોંચ્યા હતા.
ઇ.સ. ૧૯૯૦ના દાયકામાં ચીનની રાજકીય તેમ જ આર્થિક તાકાત વધતી ગઈ તેને કારણે ભારત અને નેપાળ વચ્ચે પણ તંગદિલી શરૂ થઈ હતી. ભારતે ચીન સાથેના વેપારને પ્રોત્સાહન આપવા લિપુલેખનો રસ્તો ખુલ્લો કરવાની તૈયારી બતાડી હતી. બીજી બાજુ ચીને નેપાળને મદદ કરીને તેને પોતાની તરફ ખેંચવાનો પ્રારંભ કર્યો હતો. આ દરમિયાન નેપાળમાં પણ સામ્યવાદી પક્ષની તાકાત વધી હતી. સામ્યવાદી પક્ષના નેતા પ્રચંડા જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે ચીન તેમને મદદ કરતું હતું. પ્રચંડા પછીથી નેપાળના વડા પ્રધાન પણ બન્યા હતા. ભારતે અને નેપાળે ૧૯૯૮માં સરહદી વિવાદના ઉકેલ માટે મંત્રણા શરૂ કરી હતી, જેમાં કાલાપાનીનો મુદ્દો પણ સામેલ હતો.
પુષ્પકમલ દાહાલ ઉર્ફે પ્રચંડા ભૂગર્ભમાં હતા ત્યારે ભારતમાં રહીને પણ પોતાની પ્રવૃત્તિઓ ચલાવતા હતા. ૨૦૦૬ના એપ્રિલમાં જ્યારે નેપાળમાં ચળવળ ચાલી રહી હતી ત્યારે ભારતના પંજાબ પ્રાંતમાં નેપાળના માઓવાદીઓની ખાનગી બેઠક ચાલી રહી હતી, જેના અધ્યક્ષ પ્રચંડા હતા. નેપાળની સરકાર સાથે શાંતિકરાર પર સહી કરવામાં આવી તે પછી તેઓ રક્ષોલ-બીરગંજના રસ્તે ભારતમાં પ્રવેશ્યા હતા. ૨૫ વર્ષના ભૂગર્ભવાસ પછી પ્રચંડા પહેલી વખત જાહેરમાં મંચ પર આવ્યા હતા. ત્યારે નેપાળના રાજા જ્ઞાનેન્દ્ર સત્તા છોડવા તૈયાર હતા, પણ તેઓ શોભાના ગાંઠિયા જેવા પણ રાજા તરીકે ચાલુ રહેવા માગતા હતા. પ્રચંડાનો આગ્રહ હતો કે નેપાળમાં રાજાશાહીનો મૂળમાંથી અંત આવવો જોઈએ. ૨૦૦૬ના જૂનમાં નેપાળના તત્કાલીન વડા પ્રધાન ગિરિજા પ્રસાદ કોઈરાલા ભારતની મદદ માગવા દિલ્હી ગયા હતા ત્યારે પ્રચંડાએ માગણી કરી હતી કે ભારતની જેલોમાં જે નેપાળી માઓવાદીઓ સબડી રહ્યા છે, તેમને મુક્ત કરવામાં આવે.
ગિરિજાપ્રસાદ ભારત આવ્યા તે પછી કાઠમંડુમાં તેમની અને પ્રચંડા વચ્ચે પહેલી મુલાકાત ગોઠવવામાં આવી હતી. નેપાળ સરકારનું હેલિકોપ્ટર જંગલમાં છૂપાયેલા પ્રચંડાને લેવા ગયું હતું. આ હેલિકોપ્ટર નેપાળના ગૃહ પ્રધાન પોતે ચલાવતા હતા. ગિરિજાપ્રસાદ કોઈરાલા અને પ્રચંડા વચ્ચે વાટાઘાટો થઈ હતી, જેમાં રાજાશાહીનો અંત આણીને નેપાળને પ્રજાસત્તાક જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય મુજબ નવું બંધારણ ઘડવામાં આવ્યું હતું અને નવેસરથી ચૂંટણીઓ કરવામાં આવી હતી. નેપાળમાં છેલ્લાં ૧૪ વર્ષમાં ૧૦ વખત સરકારો બદલાઈ ગઈ છે. પ્રચંડા ત્રીજી વખત નેપાળના વડા પ્રધાન બન્યા છે, પણ તેઓ તેમના ભારતવિરોધી વલણ માટે જાણીતા છે. ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ તેમણે ભારતવિરોધી વાતો કરી હતી. નેપાળ ચીનની નજીક સરકી ન જાય તેનું ધ્યાન ભારતે રાખવું પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.