Comments

મમતા કુલકર્ણી કિન્નર અખાડાની મહામંડલેશ્વર કેવી રીતે બની હતી?

મમતા કુલકર્ણી જેવી અભિનેત્રી કિન્નર ન હોવા છતાં અને સંન્યાસી પણ ન હોવા છતાં કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની ગઈ તેમાં કોઈ કૌભાંડની ગંધ આવતી હતી. લોકો કહેતાં હતાં કે ગુનાઇત ભૂતકાળ ધરાવતી મમતા કુલકર્ણી પૈસાના જોર પર કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની ગઈ હતી. કિન્નર અખાડાએ અભિનેત્રી મમતા કુલકર્ણીને દીક્ષા આપીહતી. અખાડાના આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ તેને સીધી મહામંડલેશ્વર તરીકે જાહેર કરી હતી. તેનું નામ શ્રીમાઈ મમતાનંદ ગિરિ તરીકે આપવામાં આવ્યું હતું.તેના મહામંડલેશ્વર બન્યા પછી સનાતન ધર્મના અનેક સંતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યા પછી કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે મમતા કુલકર્ણીને કિન્નર અખાડાના મહામંડલેશ્વરપદેથી હાંકી કાઢી છે અને મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરનો હોદ્દો આપનારા કિન્નર અખાડાના આચાર્ય ડો. લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને પણ તેમના હોદ્દા પરથી દૂર કર્યા છે. આ કારણે ઋષિ અજય દાસ અને ડો. ત્રિપાઠી વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો છે.

કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે જણાવ્યું કે ૨૦૧૫-૨૦૧૬ના ઉજ્જૈન કુંભમેળામાં ડૉ.લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા હતા. હું તેમને આ પોસ્ટમાંથી મુક્ત કરું છું. ટૂંક સમયમાં તેમને આ અંગે લેખિત માહિતી આપવામાં આવશે. તેમની નિમણૂક ધર્મના પ્રચાર અને ધાર્મિક વિધિઓ તેમજ કિન્નર સમુદાયના ઉત્થાન વગેરે માટે કરવામાં આવી હતી. મમતા કુલકર્ણી જેવી મહિલા રાજદ્રોહના કેસમાં સંડોવાયેલી છે.તેને સનાતન ધર્મ અને રાષ્ટ્રહિતને બાજુ પર મૂકીને સંન્યાસ આપવામાં આવી રહ્યો છે. ધાર્મિક સિદ્ધાંતો અને અખાડાની પરંપરાઓનું પાલન કરવાને બદલે ડો. લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ મમતા કુલકર્ણીને સીધા જ મહામંડલેશ્વરની પદવી અને પટ્ટાભિષેક આપ્યો છે. આ કારણથી આજે દેશ અને સમાજના હિતમાં મને ડો. ત્રિપાઠીને તેમના પદ પરથી મુક્ત કરવાની ફરજ પડી હતી.

કિન્નર અખાડાની પહેલી સમસ્યા એ હતી કે મમતા કુલકર્ણીને સીધી રીતે મહામંડલેશ્વરનું બિરુદ આપવામાં આવ્યું હતું. મમતા કુલકર્ણીએ પહેલાં ત્યાગની દિશામાં આગળ વધવું જોઈતું હતું. તેણે સાધુ બનવું જોઈતું હતું. પછી જો તેને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી હોત તો કદાચ કોઈ સમસ્યા ન હોત. કિન્નર અખાડા દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.મમતા કુલકર્ણી ફિલ્મ જગતની છે. ફિલ્મી દુનિયામાંથી આવવું એ કોઈ મોટું કારણ નહોતું. તેનું સાચું કારણ ફિલ્મોમાં તેનો બોલ્ડ અવતાર છે. તેણે ૧૯૯૦ ના દાયકામાં નગ્ન ફોટોશૂટ કરાવ્યું હતું. કિન્નર અખાડાના ઘણા લોકોને આ વાત સામે વાંધો હતો.મમતા કુલકર્ણીનું નામ અંડરવર્લ્ડ સાથે પણ જોડાયેલું હતું.મમતાએ ફિલ્મી દુનિયા છોડીને દુબઈમાં ડ્રગ માફિયા વિકી ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા.

એક તબક્કે તેની સામે ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. તેમની સામે દેશદ્રોહના આરોપો છે અને અંડરવર્લ્ડ સાથે કનેક્શનના આરોપો પણ લાગ્યા છે.અખાડાઓનો નિયમ છે કે જે વ્યક્તિ મહામંડલેશ્વર બને છે તે સન્યાસી હોવો જોઈએ અને તેણે મુંડન કરાવવું જોઈએ. મમતા કુલકર્ણી ન તો સાધુ હતી અને ન તો તેણે મુંડન વિધિ કરાવી હતી. કિન્નર અખાડાના નિયમો અનુસાર અખાડાના સાધુઓએ ગળામાં વૈજંતી માળા પહેરવાની હોય છે, પરંતુ મમતા કુલકર્ણીએ રુદ્રાક્ષની માળા પહેરી હતી. વળી મમતા કિન્નર પણ નથી. મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વરનું બિરુદ કોઈ રીતે કિન્નર અખાડાના નિયમો અનુસાર નહોતું.

સંત સમાજે પણ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરનું પદ આપવામાં આવતાં નારાજગી વ્યક્ત કરી હતી અને કિન્નર અખાડાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. ઘણા ધાર્મિક નેતાઓએ કહ્યું કે મમતા કુલકર્ણીના કિસ્સામાં ધાર્મિક પરંપરાઓની અવગણના કરવામાં આવી હતી.શાંભવી પીઠાધીશ્વર સ્વામી આનંદ સ્વરૂપે કહ્યું કે મમતા કુલકર્ણી પર અંડરવર્લ્ડ સાથે સંબંધ હોવાનો આરોપ છે. મને ખબર નથી કે મમતા કુલકર્ણી આરોપોમાંથી મુક્ત થઈ છે કે નહીં. આવા કિસ્સા પછી પણ તેને મહામંડલેશ્વર બનાવવામાં અન્યાય છે.સ્વામી આનંદ સ્વરૂપે કહ્યું કે કિન્નર અખાડા નકલી યુનિવર્સિટી છે અને તે ગેરકાયદે ડિગ્રીઓનું વિતરણ કરી રહી છે.

લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને કોઈને દીક્ષા આપવાનો અધિકાર નથી. કિન્નર અખાડા વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવવા બદલ કેસ નોંધવો જોઈએ. ભવિષ્યમાં તેમને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવશે તો અમે તેમાં ભાગ લઈશું નહીં.આ મામલે વ્યંઢળ કથાકાર જગતગુરુ હિમાંગી સાખી કહે છે કે કિન્નર અખાડા કિન્નર સમુદાય માટે બનાવવામાં આવ્યા હતા. જો તમારે નપુંસકો સિવાય મહિલાઓને મહામંડલેશ્વર બનાવવી હોય તો અખાડાનું નામ બદલીને કંઈક બીજું કરો. મમતા કુલકર્ણીને કોઈ પણ શિક્ષણ આપ્યા વિના દીક્ષા આપવામાં આવી હતી. તેને માથે મુંડન પણ કરવામાં આવ્યું નથી. માત્ર ચોટલી કાપીને તેને મહામંડલેશ્વર બનાવી દેવામાં આવી હતી.

કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર ડો. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. હવે આ મુદ્દો ચર્ચામાં છે. તેમનો જન્મ ૧૩ ડિસેમ્બર ૧૯૮૦ના રોજ મહારાષ્ટ્રના થાણેમાં થયો હતો. તેમણે મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી સ્નાતક અને ભરતનાટ્યમમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. વર્ષ ૨૦૦૨ માં તેમણે ટ્રાન્સજેન્ડરના અધિકારો માટે એક બિનલાભકારી સંસ્થા શરૂ કરી હતી. ડો. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીના પ્રયાસોને કારણે સુપ્રીમ કોર્ટે ટ્રાન્સજેન્ડરને થર્ડ જેન્ડર તરીકે માન્યતા આપી હતી.

વર્ષ ૨૦૧૫ માં તેમને કિન્નર અખાડાના પ્રથમ મહામંડલેશ્વર બનાવવામાં આવ્યાં હતાં.તેમણે કિન્નરોના શિક્ષણ, આરોગ્ય અને રોજગાર માટે ઘણી પહેલ કરી છે. તેમણે કલમ ૩૭૭ સામે પણ અવાજ ઉઠાવ્યો હતો અને LGBTQ સમુદાયના અધિકારો માટે લડત ચલાવી હતી. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ ‘મી હિજરા, હું લક્ષ્મી’ નામનું વિવાદાસ્પદ પુસ્તક પણ લખ્યું હતું. તેમણે બિગ બોસમાં ભાગ લીધો હતો. આ સિવાય તેમણે સચ કા સામના અને દસ કા દમ જેવા ટી.વી. શોમાં પણ ભાગ લીધો હતો. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સંયુક્ત રાષ્ટ્રમાં એશિયા પેસિફિકનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ છે.

કિન્નર અખાડાના સ્થાપક અજય દાસ અને આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી વચ્ચે ખુલ્લો સંઘર્ષ શરૂ થયો છે. અજય દાસે દાવો કર્યો છે કે ડો.ત્રિપાઠીને હટાવવામાં આવ્યા છે. સાથે જ ડૉ.ત્રિપાઠી કહી રહ્યા છે કે અજય દાસ કોઈ પદ પર નથી. શુક્રવારે બપોરે કિન્નર અખાડા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. મમતા કુલકર્ણી વિવાદને કારણે કિન્નર અખાડામાં લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વરના પદ પરથી હટાવવાની તૈયારીઓ ચાલી રહી હતી. આ મુદ્દે કિન્નર અખાડાના સંતો વચ્ચે હોબાળો વધુ ઉગ્ર બન્યો હતો.

અખાડાના સ્થાપક અજય દાસે લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને તેમના પદ પરથી હટાવવાની જાહેરાત કરી હતી. તેમણે સંકેત આપ્યો કે અખાડામાં આ નિર્ણય અંગે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર ડૉ.લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે કિન્નર અખાડામાં નિર્ણયો સંપૂર્ણ પારદર્શિતા સાથે લેવામાં આવશે. તેમણે અજય દાસ પર પ્રહાર કરતાં કહ્યું કે અજય દાસ પહેલા જ અખાડામાંથી બહાર ફેંકાઈ ગયા છે.કિન્નર અખાડામાં જૂથવાદ વધતો જોવા મળી રહ્યો છે. એક તરફ અજય દાસ પોતાને સંસ્થાપક ગણાવી રહ્યા છે તો બીજી તરફ ડો. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પોતાની પકડ જાળવી રહ્યા છે.          
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top