Business

નઠારા લોકો સામે પેનથી કઈ રીતે લડીને એમણે મેળવ્યું શાંતિનું સર્વોચ્ચ નોબેલ પારિતોષિક?

હમણાં આ ઉત્સવના દિવસોની સમાંતરે  બીજો પણ એક ઉત્સવ ચાલી રહ્યો છે. એ છે  વિવિધ ક્ષેત્રે અપાયેલા  પ્રદાનને ઉમંગભેર વધાવવાનો અવસર. આ અવસર ઓળખાય છે નોબેલ પ્રાઈઝ્ના એક જાદુઈ નામે.. વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત ૧૨૦ વર્ષી  આ પારિતોષિકના પૂર્વ વિજેતાનાં નામ અને એમનાં પ્રદાન વિશે વાંચીને આપણે હર્ષ અનુભવીએ-મનોમન સલામ કરીએ. એમાંય જો આપણા કોઈ સમકાલીનને નોબેલ જેવું બહુમાન મળે અને એ પણ આપણા જ પ્રોફેશન-વ્યવસાયમાં  મળે ત્યારે અનહદ આનંદ થાય એટલું જ નહીં, આપણું જ પ્રતિનિધિત્વ કરતો હોય- આપણા બધા વતી એ પારિતોષિક સ્વીકારતો હોય એવી ગદગદ લાગણી પણ ઉભરાય.

ખેર,  આમ તો બધાં જ નોબેલ ઈનામ પોતપોતાની રીતે મહત્ત્વના ગણાય. તેમ છતાં, અર્થશાસ્ત્ર અને શાંતિ માટેના નોબેલ પ્રાઈઝની એક આગવી વિશેષતા રહી છે. આ બન્ને  પારિતોષિક જગતને એક નવી જ દિશા  તરફ દોરી શકે છે. શાંતિ માટેનું પીસ પ્રાઈઝ મહદંશે  રાજકારણીઓના ફાળે જાય છે કારણ કે મોટાભાગના લોકોમાં એવી માન્યતા દ્રઢ રીતે ઘર કરી ગઈ છે કે રાજકારણીઓ જ વિશ્વશાંતિ માટે કામ કરે છે. ( હકીકતમાં તો અનેક દેશોમાં અંધાધૂંધી-અરાજક્તા-યુદ્ધ ફેલાવવામાં રાજકારણીઓ જ કારણભૂત હોય છે!) હા, ક્યારેક માનવસેવા માટે અપવાદરૂપ  મધર ટેરેસા કે પછી યુદ્ધ વખતે રેડ ક્રોસ જેવી સંસ્થાને આવું બહુમાન મળે છે ખરું.

બાકી, શાંતિ માટે ચૂંટાયેલાં રાજકારણીઓનાં મોટાભાગનાં નામ એક યા બીજો વિવાદ જગાડતાં જ રહે છે. બરાક  ઓબામા તો હજુ અમેરિકાના પ્રમુખ બન્યા એના થોડા  જ  મહિનામાં એમને નોબેલ શાંતિ પારિતોષિક મળી ગયું ત્યારે વિરોધ અને  વિવાદ જાગ્યા હતા. અમેરિકાના તોફાની પ્રેસિડન્ટ  ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ શાંતિ માટેના પારિતોષિક માટે સૂચવવામાં આવ્યું ત્યારે  જબરી કાગારોળ ગાજી પછી એ પડતું મૂકવું પડ્યું હતું. એ ન થયું હોત તો એક કર્કશ  કાગડો દહીંથરું લઈ જાત !

હમણાં એક પછી એક નોબેલ  ઍવાર્ડસ જાહેર થઈ રહ્યા છે. આ ૨૦૨૧ વર્ષના ભૌતિકથી રસાયણશાસ્ત્ર અને  તબીબીથી લઈને સાહિત્ય સુધીનાં કુલ છ પારિતોષિક જાહેર થઈ ગયાં. સામાન્ય રીતે આ સર્વોચ્ચ પારિતોષિકોમાં મહિલાના યોગદાનને સ્વીકારવામાં આવે છે પરંતુ આ વખતે ૭  ઑકટોબર સુધી એકેય મહિલા નોબેલની હક્કદાર ઠરી નહીં ત્યારે બધાને થોડી નવાઈ પણ લાગી રહી હતી. ત્યાં અચાનક શાંતિ માટેના  નોબેલ પારિતોષિક માટે  બે વ્યક્તિનાં નામ જાહેર થયાં. એ નામ રાબેતા મુજબ કોઈ રાજકારણીનાં નહીં પણ બધાના આશ્ચર્ય વચ્ચે બે પત્રકારના હતાં, જેમાં એક મહિલા હતી!

કોઈ પત્રકારને નોબેલ પીસ પ્રાઈઝ મળે તે  આ વખતે  અચરજની વાત એ માટે હતી કે છેલ્લે છેક ૧૯૩૫માં આવું પ્રતિષ્ઠિત પારિતોષિક જર્મનીના કાર્લ વૉન ઓસિટીઝકીને પ્રાપ્ત થયું હતું એ જમાનામાં નાઝી વિરુધ્ધ વાણી સ્વાતંત્રની લડત ચલાવવા માટે.  એ પહેલાં, ૧૯૦૭માં ઈટલીના પત્રકાર એર્નેસ્ટો મોનેટાને પોતાનાં લખાણ દ્વારા વિશ્વ શાંતિની ઝુંબેશ ચલાવવા માટે મળ્યું હતું. બીજી રીતે જોઈએ તો વર્ષો જૂની એ બન્ને ઘટના સાવ અપવાદરૂપ જ હતી, જેમાં કોઈ પત્રકારને નોબેલ પીસ  પ્રાઈઝ જેવું બહુમાન મળ્યું હોય. 

અને હવે આટલાં  ૮૬ વર્ષના લાંબા ગાળા બાદ ફરી એક વાર બે જર્નાલિસ્ટની પસંદગી થઈ છે, જેમાં એક  તો વળી મહિલા પત્રકાર છે. કોઈ પણ દેશમાં કોમી હુલ્લડો હોય-કોઈ વિવાદને લઈને તોફાન થયાં હોય-આંતરિક વિગ્રહ ચાલતો  કે પછી યુદ્ધના મોરચે હેવાલ લેવા જનારા પત્રકાર-તસવીરકારોનું કામ કેવું વિષમ હોય છે એ આપણે જાણીએ છીએ. ડ્રગ્સ માફિયાઓની જ્યાં જબરજ્સ્ત દાદાગીરી ચાલે છે એવા કોલંબિયા -મેક્સિકો કે અફઘાનિસ્તાન જેવા દેશમાં પત્રકારોની આડેધડ હત્યા થવી બહુ સામાન્ય ઘટના છે. આપણા બિહાર-ઝારખંડ કે પછી CM યોગીજીના શાસનમાં પ્રસરેલી ગુંડાગીરીનો અવારનવાર ભોગ આપણા પત્રકારો બને છે. 

માહોલ આવો હોય ત્યારે બહારથી ‘જનતાની સરકાર’ તરીકે ઓળખાતા પરંતુ અંદરખાનેથી સરમુખત્યાર એવા  શાસક સામે ટક્કર લેવી એ પત્રકારો માટે બહુ મુશ્કેલ અને ખેલ ખતરનાક હોય છે. આમ છતાં,આ વર્ષે શાંતિના નોબેલ પ્રાઈઝ માટે  બે પત્રકાર પસંદગી પામે એનાથી વધુ રૂડા સમાચાર બીજા ક્યા હોઈ શકે ? મજાની વાત એ છે કે આ બન્ને પત્રકાર એકમેકના નથી સાથી કે નથી એકબીજાને નામથીય ઓળખતા છતાં એ બન્ને પોતપોતાના દેશમાં શાસકોની ભૂલભરેલી નીતિ-રીતિ વિરુધ્ધ એવી  આગવી રીતે લડી રહ્યા છે કે જગત આખાએ નોંધ લેવી પડી છે. આ વર્ષના શાંતિ પારિતોષિકના એ બન્ને વિજેતા છે ફિલિપિન્સનાં ૫૮ વર્ષીય મારિયો રેસ્સા અને રશિયાના ૫૯ વર્ષી દામિત્રી મુરાતોવ.  એ બન્નેનો મકસદ – મંજિલ એક જ હતી અને છે: પ્રજા પોતાની રીતે જીવન માણે અને પોતાના મનની વાત મુક્ત રીતે  વ્યકત કરી શકે. પ્રજાના વાણીસ્વાતંત્ર્યના મૂળભૂત હક્ક માટે એ બન્ને પત્રકાર પોતાની રીતે લડત ચલાવી રહ્યા છે.

આ બન્ને વિજેતા પત્રકાર  માત્ર આમ આદમીની મુક્ત વાણીની જ વાત નથી કરતા. રાષ્ટ્રના શાસક દ્વારા ફેલાવવામાં આવતાં જુઠ્ઠાણાંને તોડી પાડી સાચી વાત- નક્કર હકીકત પર આધારિત સમાચાર જ રજૂ કરવાની આક્રમક ઝુંબેશ પણ સાથી પત્રકારો સાથે મળીને ચલાવે છે.   રશિયન પત્રકાર દામિત્રી મુરાતોવ ખુદ એક દૈનિકના પ્રમુખ તંત્રી છે. એમનું અખબાર ‘નોવાયા ગૅઝેટા’ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને આચરેલાં અંગત  ભ્રષ્ટાચાર અને એની સરકારની દમન નીતિ પર આકરા પ્રહાર કરે છે. દામિત્રી કંઈ હવામાં આક્ષેપો નથી કરતા. એ અને એમની પત્રકાર ટીમ નક્કર સબૂત-પુરાવા એકઠા કરીને રશિયન પ્રજા સામે પેશ કરે છે.

શાસક પક્ષ સામે દામિત્રીની ઝુંબેશ માત્ર ભ્રષ્ટાચાર પૂરતી સીમિત નથી. પાડોશી યુક્રેનમાં બળવો કરાવી ત્યાં અંધાધૂંધી ફેલાવી એનો કેટલોક પ્રદેશ પચાવી લેવાનાં પુતિનનાં કરતૂત પણ આ નીડર પત્રકારે દુનિયા સમક્ષ છતાં કર્યા પછી અન્ય દેશોએ પણ પુતિનની આવી વિદેશી નીતિ વખોડી કાઢી. એનાથી ગિન્નાયેલા પ્રમુખ પુતિન પત્રકાર દામિત્રી પર જાતભાતના ગુના હેઠળ કેસ કરી એને અંકુશમાં રાખવા પ્રયત્ન કરતા રહે છે.  આમ પણ રાષ્ટ્રપ્રમુખ પુતીન અને  આ સત્યનિષ્ઠ પત્રકાર વચ્ચેનો  આ ગજગ્રાહ બહુ જાણીતો છે અને સમજુ રશિયન પબ્લિક ‘સબ  જાનતી હૈ’.

અહીં  એક આડ – પણ રસપ્રદ વાત   જાણી લો.. સોવિયેટ યુનિયન ખંડિત થયું ત્યારે એના  છેલ્લા પ્રમુખ મિખાઈલ ગોર્બાચેવ હતા. એ ત્યારથી પત્રકાર દામિત્રીથી બહુ પ્રભાવિત. ગોર્બાચેવને ૧૯૯૦માં શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ મળ્યું પછી એની ઈનામી રક્મનો ખાસ્સો ભાગ એમણે દામિત્રીને મિત્રભાવે ભેટ આપેલો કારણ કે ત્યારે દામિત્રી પોતાનું એક અખબાર શરૂ કરવા ઈચ્છતો હતો …હવે કુદરતની ક્માલ જુઓ, જે ઈનામી રકમમાંથી દામિત્રીએ અખબાર ‘નોવાયા ગૅઝેટા’ શરૂ કર્યું એ જ અખબાર એને આ વર્ષનું-૨૦૨૧નું નોબેલ પારિતોષિક જીતાડવાનું નિમિત્ત બન્યું !

અત્યાર સુધીમાં દામિત્રીની ટીમના એક મહિલા સહિત છ પત્રકારો ‘ઓન ડ્યુટી’ માર્યા ગયા  છે એટલે એમની સ્મૃતિમાં તંત્રી દામિત્રીએ નોબેલ પ્રાઈઝની રક્મ વાપરવાનું નક્કી કર્યું છે. આ રકમ છે ૧.૧૪ મિલિયન ડોલર  એટલે કે  આશરે ૮ કરોડ ૫૭ લાખ રૂપિયા! બીજી બાજુ, આ વખતના નોબેલ પીસ પ્રાઈઝની બીજી વિજેતા મહિલા છે ફિલિપિન્સનાં મારિયા રેસ્સા. એ  ગજબની ડેરિંગ લેડી છે આજના યુગના જર્નાલિઝમની. નવેક વર્ષ પહેલાં મારિયાએ ‘રેપલર’ નામની એક ડિજિટલ ન્યૂઝ એજન્સી  શરૂ કરી હતી. મારિયાની એની આગવી હૈયાસૂઝથી શાસક પક્ષમાં પગપેસારો કરી ગયેલા ભ્રષ્ટાચારના ભેરુને બરાબર ઝડપ્યો. ફિલિપિન્સના રાષ્ટ્રપ્રમુખ સુધ્ધાંના ભ્રટાચારી ભવાડા  નીડરપણે છતાં કર્યા. એટલું જ નહીં, શાસક પક્ષની  ડ્રગ્સ વિરુધ્ધની નીતિના નામે થતી નિર્દોષોની હત્યાના કિસ્સા ઉઘાડા પાડીને મારિયાએ  ચોતરફ દેકારો મચાવી દીધો છે.

સોશ્યલ મીડિયા દ્વારા ફેલાતા ફેક ન્યૂઝ સામે પણ  મારિયાએ આકરી ઝુંબેશ ઉપાડી છે. મારિયા રેસ્સા પર આજે  ઢગલાબંધ કેસ ઠપકારવામાં આવ્યા છે. એક કેસમાં એને જેલની સજા થઈ છે અને અત્યારે એ જામીન પર જેલની બહાર છે…. આજે આ  બન્ને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાઓના શબ્દ અલગ છે પણ એમની અભિવ્યક્તિ એકસરખી છે.  ફિલિપિન્સની  મારિયા રેસ્સા અને રશિયાના દામિત્રી મુરાતોવ આજે પોરસાતાં કહે છે : ‘આ અમારી અંગત સિધ્ધિ નથી. અમને ગર્વ અને હર્ષ એ વાતનો છે કે સત્યની શોધમાં નીકળેલાં અમારા જેવા અનેક પત્રકારોનો માર્ગ કેટલો વિકટ છે એની નોંધ વિશ્વ આખું લઈને અમારા પ્રયાસને બિરદાવી રહ્યું છે…!’

Most Popular

To Top