કેવી રીતે ફાવ્યા ને કઈ રીતે ફસાયા?!
આપણી બે કહેવત- ઉક્તિ બહુ જાણીતી છે. એક છે: ‘ખુદા મહેરબાન તો ગધા પહેલવાન’ અને બીજી છે: ‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ.’ આ બન્નેમાં કર્તા-હીરો છે ‘ખુદા’. તાજેતરના ચારેક કિસ્સામાં ઉપરોક્ત બન્ને કહેવત યથાર્થ બંધ બેસે છે. પહેલી ઘટના જાણીએ મુંબઈ પોલીસે હમણાં હેમંત પાટીલ ઉર્ફે હેમંત સોનાવણે નામના એક યુવાનને ઝડપ્યો. એની વિરુધ્ધ કેટલીક ફરિયાદ હતી કે‘પોતે ડૉકટર છે- અચ્છો સર્જન છે’ એવી ઠસ્સેદાર રજૂઆત કરીને આ બોગસ ડિગ્રીધારી યુવાને ‘પોતે લગ્નોત્સુક’ છે એમ કહીને ઘણી બધી યુવતી-સ્ત્રીઓને પોતાની મીઠી મીઠી જબાનથી ફસાવી હતી.‘પોતે ઓર્થોપેડિક સર્જન છે’ એમ કહીને એણે મુંબઈ મહાપાલિકાની એક સરકારી હૉસ્પિટલમાં આઠેક દરદીનાં એવાં કઢંગાં ઓપરેશન કરી નાખ્યાં હતાં એ બધા હજુ પણ પથારીમાં પડ્યા છે.
આ ‘સર્જન’ હાડકાની વાઢકાપમાં ભલે ઊંટવૈદુ કરતો હતો પરંતુ હૃદયની બહુ સરસ શસ્ત્રક્રિયા કરતો. કેટલીક યુવતીઓની એણે કરેલી અશ્લીલ મજાકની ફરિયાદ પછી એ અનાયાસે ઝડપાયો ત્યારે એની જે કરમકુંડળી ખૂલી એનાથી તો ખુદ પોલીસ અવાક થઈ ગઈ. 9 જેટલી મહિલાને પટાવીને એમની સાથે લગ્ન કર્યાં પછી આ ‘ઈશ્કબાઝ’ હેંમતની 73 જેટલી તો ગર્લફ્રેન્ડ હતી, જેમાંથી ઘણા સાથે અનૈતિક સંબંધ પણ હતા.
હવે મુંબઈ-થાણાના આયુષ્ય ઉર્ફે બીજાં ત્રણ-ચાર નકલી નામ ધરાવતા એક ચાલબાજની કથા. જાણીતી મેટ્રિમોનિયલ સાઈટસ પર ‘પોતે ‘ઈસરો’-‘નાસા’નો સાયન્ટિસ્ટ છે અને તગડી સેલેરી-આવક ધરાવે છે’ એ પ્રકારની વિગતો સાથે પોતાનો પ્રોફાઈલ- પરિચય મૂકીને અનેક કન્યા-મહિલાની સાથે ઓળખાણ કરતો. આમાંથી 14-15 યુવતી સાથે લગ્નનાં વચન આપી ‘નવો વ્યવસાય શરૂ કરવો છે’ એવાં બહાનાં હેઠળ આ‘વિજ્ઞાની’એ પેલી મહિલાઓ પાસેથી આશરે કુલ રૂપિયા 1 કરોડની જંગી રકમ સિફતથી સરકાવી લીધી હતી આમાંની એકની ફરિયાદ પછી ‘પોતે સારા જીવનસાથીની શોધમાં છે’ એવી એક યુવતીના નામે છટકું ગોઠવીને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પેલા સફેદ ઠગ આયુષ્યને ઝડપી લીધો
આવી જ મોડસ ઑપરેન્ડી–કાર્યપદ્ધતિથી લગ્ન માટે 35 જેટલી યુવતીને ફસાવી પછી ચબરાકીથી સારી રકમ પડાવનારા વિશાલને પણ પોલીસે પકડી પાડ્યો હતો. આ વિશાલ ઉર્ફે અનુરાગ ચવ્હાણનો બીજો પણ એક ધંધો હતો. મોંઘી બ્રાન્ડના મોબાઈલ ફોન સસ્તામાં અપાવી દેવાની લોકોને લાલચ આપી એણે 2-3 લાખથી વધુ રકમની છેતરપિંડી કરી હતી. આ ચારેય કિસ્સામાં ખુદાની કામચલાઉ મહેરબાનીથી પેલા ચારેય ચાલબાજ શરૂઆતમાં ફાવ્યા પછી ફસાયા! હવે ખુદા ખરેખર કેવી મહેરબાની કરે છે એની વાત જાણીએ. થોડાં વર્ષ પહેલાં દેશની એક જાણીતી ફેશન બ્રાન્ડના માલિકના મુંબઈ નિવાસસ્થાને પાંચેક લૂટારુની એક ટોળકીએ ધાડ પાડીને સોનાના સિક્કા-બંગડી-સોનાની કેટલીક પાટ ઉપરાંત રોક્ડ ઈત્યાદિ કુલ મળીને રૂપિયા 13 લાખની માલમત્તાની મોટી લૂંટ કરીને પલાયન થઈ ગયા. પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા. એમની પાસેથી લૂંટાયેલી માલમત્તા પણ મળી આવતા કેસ ચાલ્યો.
પૂરતા પુરાવાના અભાવે પાછળથી ત્રણ આરોપી નિર્દોષ છૂટી પણ ગયા પણ એના બે સાથીની ભાળ ન મળી એટલે પરત મળેલો લૂંટનો માલ પોલીસ કસ્ટડીમાં જ રહ્યો. પાછળથી એ માલમત્તા પરત મેળવવા ફેશન કંપનીની વારસદારોની અપીલ પછી હમણાં મુંબઈ કોર્ટના ફરમાનથી પોલીસે આ બધી માલમત્તા વારસદારોને પાછી સોંપી દીધી છે. હવે આ આખાય કિસ્સાની રસપ્રદ વાત એ છે કે 1998માં આ લૂંટ થઈ ત્યારે માલમત્તાની કિંમત રૂપિયા 13 લાખ હતી અને હવે જ્યારે એ 22 વર્ષ બાદ પરત થઈ ત્યારે આજની તારીખે એનું મૂલ્ય છે અધધધ રૂપિયા ૮ કરોડ! ખરેખર, ખુદા દેતા હે તબ.!
આ તે કેવો ‘તારીખ પે તારીખ’ નો તમાશો ?
‘દામિની’ ફિલ્મમાં ધરમપુત્ર સની દેઓલના બે ડાયલૉગ તો સદા યાદગાર બની ગયા છે. ‘ઢીસૂમ..ઢીસૂમ’નો સીન આવે એટલે આપણને સનીનો ‘ઢાઈ કિલો કા યે હાથ જબ ..’ અને કોર્ટની વાત આવે ત્યારે સનીનો પેલો સંવાદ તો હવે દેશભરના અસીલ-ફરિયાદી-વકીલથી લઈને નામદાર ન્યાયમૂર્તિઓ સુદ્ધાંનેય કંઠસ્થ છે : ‘તારીખ પે તારીખ’. આ સંવાદ ફરી એક વાર ન્યાયક્ષેત્રના બધાયને યાદ આવી જાય એવો સિનારિયો હમણાં મુઝફરનગરની કોર્ટમાં સર્જાઈ ગયો. 1986ની સાલમાં લાઈસન્સ વગર પોતાના ઘેર ગેરકાનૂની રીતે જંતુનાશક પ્રવાહી બનાવવાના આરોપસર ધરમપાલ સિંહ નામના વેપારી સાથે બીજા બેની ઘરપકડ થઈ. કોર્ટ કેસ શરૂ થયો.૧૦ દિવસ પછી ત્રણેય આરોપીને જામીન મળ્યા અને કેસ એની બેઢંગી રફતારે ચાલતો રહ્યો. આ દરમિયાન બે આરોપી પ્રભુને પ્યારા પણ થઈ ગયા છતાં ‘તારીખ પે તારી તારીખ’નું ચક્કર ચાલતું રહ્યું. હવે ૩૫ વર્ષ બાદ આ કેસનો ચુકાદો આવી ગયો છે. કુલ 400 વાર સુનાવણી થઈ પછી પૂરતા પુરાવાના અભાવે મુખ્ય આરોપી ધરમપાલ સિંહ નિર્દોષ છૂટી ગયા છે અને આજે એમની આયુ છે 85 વર્ષ!