ફેસબુકે એક દિવસમાં ૨૩૨ અબજ ડોલર કેવી રીતે ગુમાવ્યા?

સોશ્યલ મીડિયાની આભાસી દુનિયામાં જે ઘટનાઓ બનતી હોય છે, તે આપણી વાસ્તવિક દુનિયામાં બનતી ઘટનાઓ કરતાં ક્યાંય વધુ અચંબાજનક હોય છે. ફેસબુકની મેટા કંપની દ્વારા હમણાં ૩-ડી અવતારની રમત બહાર પાડવામાં આવી છે, જેમાં લોકો કાલ્પનિક જગતમાં પ્રવેશ કરીને મનોરંજન પ્રાપ્ત કરતા હોય છે. લંડનમાં રહેતી ૪૩ વર્ષની મૂળ ભારતીય મહિલા નીના જૈન પટેલે પોતાના ૩-ડી અવતાર સાથે બે ઘડી મોજ માટે મેટાવર્સમાં પ્રવેશ કર્યો તેની ૬૦ સેકન્ડમાં ત્રણ-ચાર વાસનાભૂખ્યા પુરુષો દ્વારા તેની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ બળાત્કાર નીનાના ખરેખરા શરીર પર નહીં પણ તેના ૩-ડી અવતાર પર ગુજારવામાં આવ્યો હતો, પણ તેને કારણે તેના મન પર જે આઘાત લાગ્યો તે ખરેખરા બળાત્કારથી કમ નહોતો. નીનાએ તરત જ હેડફોન ઊતારીને ફેંકી દીધો હતો અને તે રિયલ દુનિયામાં પાછી ફરી હતી, પણ તેનો ગોઝારો અનુભવ વર્ચ્યુઅલ રિયાલિટીના બિહામણા પાસાને છતું કરે છે.

મેટા કંપનીએ આ ગોઝારા અનુભવ બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને મેટાવર્સમાં કેટલાંક સેફ્ટી ફીચર્સ ઉમેર્યાં છે, પણ આ માધ્યમોનો ખરાબ ઉપયોગ ભવિષ્યમાં નહીં થાય તેની કોઈ ગેરન્ટી નથી. બાળકોને પોર્નોગ્રાફીથી લઈને ડ્રગ્સના બંધાણી બનાવવા માટે અને ઓનલાઈન છેતરપિંડી માટે પણ આ માધ્યમનો ઉપયોગ થઈ શકે છે. ગુગલ, ફેસબુક અને એપલ જેવી ટેક જાયન્ટ કંપનીઓનો નફો જ લોકોને વાસ્તવિક દુનિયાથી દૂર કરીને સપનાંની દુનિયામાં જીવતા રાખવા પર નિર્ભર છે. લોકો જેટલા કલાક સોશ્યલ મીડિયામાં જીવે છે, તેટલો તેમનો નફો વધે છે. તાજેતરમાં પહેલી વખત ફેસબુકના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થતાં તેના શેરોના ભાવમાં કડાકો બોલી ગયો હતો. તેને કારણે ફેસબુક કંપનીને ૨૩૨ અબજ ડોલરનું નુકસાન થયું હતું. તેના સીઈઓ માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં પણ ૨૯ અબજ ડોલરનો કડાકો બોલી જતાં તે દુનિયાના ટોપ ટેન અમીરોની યાદીમાંથી બહાર ફેંકાઈ ગયો હતો.

આજથી ૧૮ વર્ષ પહેલાં જેનો પ્રારંભ થયો હતો તે ફેસબુક કંપનીના દુનિયામાં ૨૯૧ કરોડ માસિક સક્રિય વપરાશકારો છે. દુનિયાની વસતિના લગભગ અડધા લોકો ફેસબુકના માધ્યમથી એકબીજા સાથે જોડાયેલા છે. મેટા કંપનીનો ત્રણ મહિનાનો વકરો જ ૩૦ અબજ ડોલર જેટલો હોય છે. દુનિયાના ઘણા દેશોના જીડીપી કરતાં મેટાનું ટર્નઓવર વધારે છે. મેટા દ્વારા આપવામાં આવતી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સેવાઓ મફત હોય છે, પણ તેમની આવકનો મુખ્ય સ્રોત જાહેરખબરોની કમાણી છે. જે કંપની રોજના ૧૯૩ કરોડ લોકો સુધી પહોંચતી હોય તેમાં જાહેરખબરો આપવા સૌ કંપનીઓ આતુર હોય તે સ્વાભાવિક છે. મેટા કંપની પાસે આશરે ૩૦૦ કરોડ ગ્રાહકોનો ડેટા છે, જેને આધારે તેઓ કઈ ચીજ ખરીદી શકે તેમ છે, તેનો કંપનીને ખ્યાલ હોય છે.

જે કંપની તે ગ્રાહકને પોતાનો માલ વેચવા માગતી હોય તેને તેઓ ડેટા વેચે છે. તાજેતરમાં ફેસબુકના દૈનિક સક્રિય ગ્રાહકોની સંખ્યા ૧૯૩ કરોડથી ઘટીને ૧૯૨.૯ કરોડ પર પહોંચી ગઈ તેમાં બજારમાં એવો ભૂકંપ આવ્યો કે ફેસબુકના શેરોના ભાવમાં ૨૦ ટકા જેટલો ભારે ઘટાડો નોંધાઈ ગયો. આ ઘટના પરથી ખ્યાલ આવે છે કે કહેવાતી ટેક જાયન્ટ કંપનીઓ હકીકતમાં પેપર ટાઇગર જેવી હોય છે. તેમનો ફુગ્ગો ગમે ત્યારે ફૂટી જઈ શકે છે. ફેસબુકના ગ્રાહકોમાં દસ લાખનો ઘટાડો થવાનું મુખ્ય કારણ એ હતું કે તાજેતરમાં એપલ કંપની દ્વારા નવો સ્માર્ટ ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં એક ફીચર એવું છે કે ફોનધારક જો ફેસબુક વાપરતો હોય તો પણ મેટા કંપની તેનું ટ્રેકિંગ કરી શકે નહીં. જો એપલ કંપનીના કરોડો ગ્રાહકોને ફેસબુક ટ્રેક ન કરી શકતી હોય તો તે ગ્રાહકોને ફેસબુકની જાહેરખબરો પણ પહોંચાડી શકાય નહીં. આ ફીચરને કારણે મેટાને વાર્ષિક ૧૦ અબજ ડોલરનું નુકસાન જવાની સંભાવના છે.

તેના ઉપરથી ખ્યાલ આવે છે કે ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓ આપણું ટ્રેકિંગ કરીને કેટલી કમાણી કરી રહી છે. જો તમે ગુગલ કંપનીની જીપીએસ સિસ્ટમ વાપરતા હશો તો તમને ખ્યાલ હશે કે તમે દરરોજ ક્યાં જાઓ છો, શું કરો છો, વગેરે દરેક ગતિવિધિની જાણકારી ગુગલ રાખતું હોય છે. તમારા લોકેશનનું બટન બંધ હોય તો પણ ગુગલ તમારું ટ્રેકિંગ કરતું હોય છે. તમે પાંચ મિનિટ માટે કોઈ દુકાનની બહાર ઊભા રહો તો પણ તમને સવાલ કરવામાં આવે છે કે તે દુકાનનો તમારો અનુભવ કેવો રહ્યો? તમે જો એમેઝોન પર કોઈ પ્રોડક્ટ સર્ચ કરશો તો તરત ફેસબુક પર તેની જાહેરખબરનો મારો ચાલુ થઈ જશે. આપણા જીવનની તમામ ઘટનાઓ પર તેમની નજર હોય છે.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ દ્વારા મળતો ડેટા સ્ટોર કરવાની બાબતમાં હમણાં હમણાં મેટા કંપની અને યુરોપિયન યુનિયનના દેશો વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. ફેસબુક દ્વારા યુરોપના દેશોના ગ્રાહકોનો જે ડેટા મેળવવામાં આવે છે તેને યુરોપ ઉપરાંત અમેરિકામાં આવેલા સર્વરો પર સ્ટોર કરવામાં આવે છે. યુરોપ અને અમેરિકા વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો હોવાને કારણે તેમાં વાંધો આવે તેમ નથી; પણ ૨૦૨૦ માં અમેરિકાના તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની તમામ એપને પ્રતિબંધિત કરી ત્યારથી યુરોપના દેશો પણ વિચારમાં પડી ગયા હતા. ચીનની એપ પર પ્રતિબંધ મૂકવા માટે એ કારણ આપવામાં આવ્યું હતું કે તેઓ અમેરિકાના નાગરિકોનો ડેટા ચીનમાં સંઘરે છે, જે અમેરિકાની સલામતી માટે ખતરો બની શકે તેમ છે.

આ ઘટના પછી યુરોપિયન યુનિયનના પ્રાઇવસી રેગ્યુલેટરે ફેસબુકને નોટિસ મોકલી હતી કે તેણે યુરોપના ગ્રાહકોનો ડેટા યુરોપમાં આવેલા સર્વરમાં જ સ્ટોર કરવો જોઈએ. હવે આયર્લેન્ડમાં મેટા કંપની સામે કેસ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમના નાગરિકોનો ડેટા દેશની બહાર જવો જોઈએ નહીં. જો આ કેસનો ચુકાદો મેટાની વિરુદ્ધમાં આવ્યો તો બીજા દેશો પર પણ તેનો પ્રભાવ પડી શકે છે. મેટા કંપની દ્વારા તો જાહેર કરી દેવામાં આવ્યું છે કે જો યુરોપનો કાયદો બદલાઈ જશે તો તેમને યુરોપના દેશોમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સેવાઓ બંધ કરવાની ફરજ પડશે. યુરોપમાં ફેસબુકના ૪૨.૭ કરોડ ગ્રાહકો છે. જો યુરોપમાં ફેસબુક બંધ થાય તો મેટાને જબરદસ્ત ફટકો પડી શકે છે.

જો યુરોપના દેશો ફેસબુકનો ડેટા બહારના દેશમાં ન લઈ જવાય તેવો કાયદો ઘડે તો તેમની ટેક્સની આવકમાં પણ ધરખમ વધારો થાય છે. અત્યારે મેટા કંપની પોતાનો ડેટા એવા દેશોમાં સ્ટોર કરે છે, જેમાં ડેટા સ્ટોર કરવાની સેવાઓ પર ઓછામાં ઓછો ટેક્સ હોય છે. મેટા કંપની આ નીતિ પ્રમાણે યુરોપના ડેન્માર્ક, સ્વિડન અને આયર્લેન્ડ જેવા દેશોમાં ડેટાનો સંગ્રહ કરે છે. હવે તે નેધરલેન્ડમાં પણ ડેટા સેન્ટર શરૂ કરવા જઈ રહી છે. જો જર્મની, ફ્રાન્સ અને બ્રિટન જેવા મોટા દેશો કાયદો કરે કે તેમનો ડેટા દેશની બહાર ન જવો જોઈએ, તો મેટા કંપનીએ તે દેશોમાં પણ પોતાના ડેટા સેન્ટરો ખોલવાં પડે. તેને કારણે તેમનો ટેક્સ વધી જાય અને નફો ઘટી જાય તેમ છે. ફેસબુક કંપની મેટાવર્સનું સોફ્ટવેર તૈયાર કરી રહી હોવાથી તેનો નફો ઘટી ગયો છે. તે કદાચ ખોટ ખાવાને બદલે યુરોપિયન યુનિયન છોડી દેવાનું પસંદ કરે. આ વિવાદ પરથી ખ્યાલ આવે છે કે ભારતની સરકાર દ્વારા તો ટેક જાયન્ટ કંપનીઓને ડેટાનું માઇનિંગ કરવાનો છૂટો દોર આપી દેવામાં આવ્યો છે.

Most Popular

To Top