દુનિયાના અનેક દેશોની સરકારો દ્વારા રચવામાં આવેલી જાસૂસી જાળને ભેદવામાં ભારતના કેટલાક પત્રકારોનો પણ મોટો ફાળો છે. ધ વાયર નામના ન્યૂઝ પોર્ટલના તંત્રી સિદ્ધાર્થ વરદરાજન પર ગયા માર્ચ મહિનામાં સંધ્યા રવિશંકર નામની મહિલા પત્રકારનો ફોન આવ્યો. તેણે સિદ્ધાર્થને એક જ સવાલ પૂછ્યો, ‘‘શું તમારી પાસે એપલનો ફોન છે?’’ સિદ્ધાર્થ વરદરાજને હા પાડી એટલે સંધ્યાએ કહ્યું, ‘‘તો હું દિલ્હી આવીને તમને રૂબરૂ જ મળીશ; હું અત્યારે ફોન પર વાત નહીં કરું.’’સંધ્યા રવિશંકર પોતાના તંત્રી સિદ્ધાર્થ વરદરાજનને મળવા ચેન્નાઇથી દિલ્હી આવી. તે સિદ્ધાર્થના ઘરે મળવા આવી. તેણે કહ્યું, ‘‘આપણા બંનેના સ્માર્ટ ફોન સ્વિચ ઓફ કરીને આપણે બીજી રૂમમાં વાત કરવા બેસીએ.’’ સિદ્ધાર્થે પોતાનો સ્માર્ટ ફોન ઓફ કર્યો અને તેઓ વાત કરવા બેઠા. સંધ્યાએ કહ્યું, ‘‘મારી જાણકારી મુજબ આપણા ફોનની જાસૂસી થઈ રહી છે.’’
સંધ્યાએ જેની પર જાસૂસી ન કરી શકાય તેવી સલામત વીડિયો લિન્ક વડે ફ્રાન્સની મીડિયા સંસ્થા ‘ફોરબિડન સ્ટોરીઝ’ ના બે પત્રકારોનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે તેમના પાસેના રેકોર્ડના આધારે તેઓ કહી શકે છે કે તેમના ફોન પેગાસસ વડે હેક કરવામાં આવ્યા છે. ધ વાયરની ખ્યાતિ ભારત સરકારવિરોધી મીડિયા પોર્ટલ તરીકેની છે. તેમને પહેલેથી શંકા હતી કે તેમના ફોન ટેપ કરવામાં આવે છે. માટે તેઓ સામાન્ય ફોનથી વાત કરવાને બદલે વ્હોટ્સ એપ, સિગ્નલ, ફેસટાઇમ વગેરે નેટવર્કોનો ઉપયોગ ખાનગી વાતચીત માટે કરતા હતા. હવે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમના ફોનમાં જ કદાચ પેગાસસ નામનું સ્પાયવેર ઘૂસાડી દેવામાં આવ્યું છે. જેમના ફોનમાં પેગાસસ હોય તેમના ફોનનો કન્ટ્રોલ જાસૂસી કરનારી સંસ્થાના હાથમાં આવી જાય છે. તેઓ ફોનમાં સંગ્રહિત કરવામાં આવેલા તમામ સંદેશા વાંચી શકે છે, જેમાં વ્હોટ્સ એપના સાંકેતિક ભાષામાં મોકલાતા સંદેશા પણ આવી જાય છે. બંને પત્રકારો માટે આ સમાચાર ચોંકાવનારા હતા.
ધ વાયરના પત્રકારોને કહેવામાં આવ્યું હતું કે જો તેમના મોબાઇલ ઇન્સ્ટ્રુમેન્ટમાં પેગાસસ નાખવામાં આવ્યું હશે તો તેમના ફોનના માઇક્રોફોન અને કેમેરા પણ જાસૂસી કરનારી સંસ્થાના કન્ટ્રોલમાં આવી જશે. અર્થાત્ તમે તમારા ઘરમાં કે ઓફિસમાં શું વાતચીત કરી રહ્યા છો? કોને મળી રહ્યા છો? તેનું ઓડિયો રેકોર્ડિંગ અને વીડિયો રેકોર્ડિંગ પણ તેઓ દૂર રહીને કરી શકે છે. આ કારણે સંધ્યા રવિશંકર અને સિદ્ધાર્થ વરદરાજન મળ્યા ત્યારે તેમણે પોતાના મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરીને તેને બીજી રૂમમાં રાખી દીધા હતા. ફ્રાન્સના પત્રકારે તેમને કહ્યું કે તમારા ફોનમાં સ્પાયવેર નાખવામાં આવ્યું છે કે કેમ? તે જાણવાનો એક માત્ર રસ્તો ફોનની ફોરેન્સિક તપાસ કરાવવાનો છે.
સંધ્યા અને સિદ્ધાર્થ પોતાના ફોનની ફોરેન્સિક તપાસ કરાવવા તૈયાર થઈ ગયા. સંધ્યાના આઇ ફોનમાં કોઈ જાસૂસી સોફ્ટવેર નાખવામાં આવ્યું નહોતું, પણ તે માર્ચ ૨૦૨૦ સુધી જે સ્માર્ટ ફોન વાપરતી હતી તેમાં પેગાસસનું સ્પાયવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. વાયરના બીજા તંત્રી એમ.કે. વેણુએ તેમનો ફોન ફોરેન્સિક તપાસ માટે આપ્યો તો તેમાં પણ સ્પાયવેર નીકળ્યું. આ માહિતી ફોરબિડન સ્ટોરીઝ સંસ્થાને મળી હતી, જે સચોટ પુરવાર થઈ હતી. ફ્રાન્સના પત્રકારોને ધ વાયરના પત્રકારોએ પૂછ્યું કે ‘‘અમે દુનિયાભરના પત્રકારોનું ગ્રુપ બનાવીને આ જાસૂસીકાંડની તપાસ કરવા માગીએ છીએ; શું તમે તેમાં જોડાશો?’’ ધ વાયરના પત્રકારો પણ તેમાં જોડાવા તૈયાર થઈ ગયા.
દુનિયાના દસ દેશોનાં ૧૬ મીડિયા જૂથનાં ૮૦ પત્રકારો આ તપાસમાં જોડાયાં. તેમણે અંદરોઅંદર વાતચીત કરવા માટે એક લિન્ક જોડી કાઢી, જેની કોઈ જાસૂસી કરી શકે તેમ નથી. મે મહિનામાં આ કૌભાંડને છતું કરવા માટે આ બધા લોકોની પેરિસમાં મીટિંગ રાખવામાં આવી હતી. તેમાં કોવિડ-૧૯ને કારણે ભારતને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું હોવાથી ભારતના કોઈ પત્રકારો ભાગ લઈ શકે તેમ નહોતા, પણ ધ વાયરના સંવાદદાતા કબીર અગરવાલ યુરોપમાં રહેતા હોવાથી હાજર રહ્યા હતા. ભારતના પત્રકારો વીડિયો લિન્કના માધ્યમથી આ મીટિંગમાં જોડાયા હતા.
ફોરબિડન સ્ટોરીઝના હાથમાં ૫૦,૦૦૦ ફોન નંબરો આવ્યા હતા, જે પેગાસસ પાસે હતા. તેમાંના કેટલામાં સ્પાયવેર નાખવામાં આવ્યું છે, તેની ખબર નહોતી. તેમાં કેટલાક ભારતના નંબરો પણ હતા. તેની ચકાસણી કરવા દરેક ફોનની ફોરેન્સિક તપાસ કરવી જરૂરી હતી. ભારતના પત્રકારો પાસે ભારતના નંબરો આવી ગયા. તેના પરથી તેમણે નામો શોધી કાઢ્યાં, પણ તેમાં ખરેખર સ્પાયવેર નાખવામાં આવ્યું છે કે કેમ? તે જાણવા માટે ફોનની ચકાસણી કરવી જરૂરી હતી.
ધ વાયરના પત્રકારો પાસે ભારતના આશરે ૯૦૦ ફોન નંબરો આવ્યા હતા, જેમાં પેગાસસ સ્પાયવેર નાખવામાં આવ્યું હોવાની શંકા હતી. તેમણે ટ્રુ કોલરનો ઉપયોગ કરીને તેમનાં નામો મેળવવાનું શરૂ કર્યું. તેઓ મહામુસીબતે ૩૦૦ જેટલાં નામો મેળવી શક્યાં. તેને વેરિફાય કરવા માટે તેમણે કેટલીક સોશિયલ મીડિયા સાઇટની મદદ લીધી. બીજી કોઈ રીતે નંબર વેરિફાઈ ન થાય ત્યારે તેઓ સીધો ફોન જોડીને તેની વિગતો માગતા, પણ તેમાં વાત લિક થવાનું જોખમ હતું.
તેમના હાથમાં જે ૩૦૦ નંબરો આવ્યા હતા તે તમામ કોઈ મહત્ત્વના લોકોના હતા. કોઈ પત્રકાર હતા તો કોઈ રાજકારણી હતા. કોઈ પોલીસ અધિકારી હતા તો કોઈ જજ હતા. તેમણે ૩૦૦ પૈકી ૪૦ થી ૫૦ લોકોનો સંપર્ક કર્યો અને તેમને કહ્યું કે તમારા ફોન વડે તમારી જાસૂસી થઈ રહી હોવાની સંભાવના છે. તેની ખાતરી કરવા માટે તેમના મોબાઇલ ફોનની ફોરેન્સિક તપાસ કરવી જરૂરી હતી. તેમાંના ૨૧ જણા ફોરેન્સિક તપાસ કરાવવા તૈયાર થયા. તેમાંના સાતના ફોનમાં પેગાસસ સ્પાયવેર મળી આવ્યું, જ્યારે ત્રણના ફોનમાં તે સ્પાયવેર પ્લાન્ટ કરવાની કોશિષ કરવામાં આવી હતી. આ રીતે તેમણે જે તપાસ કરી તેના ૫૦ ટકાની જાસૂસીના પ્રયાસો થયા હતા.
ભારતના પત્રકારો પાસે જે દસ ફોનની માહિતી આવી તેમાં બે તો ધ વાયરના પત્રકારો જ હતા. તે સિવાય ત્રણ બીજા પત્રકારો સુશાંત સિંહ, પ્રણોય ગુહા થાકુર્તા અને એસ.એન.એમ. આબ્દીનો ફોન પણ જાસૂસી માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. રાજકીય વ્યૂહરચના કરનાર પ્રશાંત કિશોરના ફોનમાં પણ સ્પાયવેર મળી આવ્યું હતું. કાશ્મીરની આઝાદીની ચળવળ ચલાવતા બે નેતાઓ સ્વ. ગીલાની અને બિલાલ લોણેના ફોનમાંથી શંકાસ્પદ સ્પાયવેર મળી આવ્યું હતું.
ફોરબિડન સ્ટોરીઝના પત્રકારોએ જાસૂસી કૌભાંડનો ભાંડો ફોડવા માટે તા. ૧૮ જુલાઈ નક્કી કરી હતી. તેમને પ્રશાંત કિશોરનો સંપર્ક કરવામાં ડર લાગતો હતો કે વાત લિક તો નહીં થઈ જાય ને? માટે તેમણે તેમને તા. ૧૨ જુલાઈએ મળવાનું રાખ્યું હતું. તેઓ હોટેલની લોબીમાં પ્રશાંત કિશોરને મળ્યા હતા અને બધી વાત કરી હતી. તેઓ તરત જ પોતાના ફોનની ફોરેન્સિક તપાસ માટે તૈયાર થઈ ગયા હતા. બે કલાકમાં તેનું પરિણામ આવી ગયું કે તેમના ફોનમાં સ્પાયવેર છે. પછી તો ખબર પડી કે મમતા બેનરજીના ભત્રીજાનો નંબર પણ તેમના ડેટાબેઝમાં છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી જીતવા સરકારે જાસૂસીનો આશરો લીધો હતો. સરકારે કોઈ પણ ગેરકાયદે કામ કર્યું હોવાનો ઇનકાર કર્યો છે. જો કે આ કૌભાંડ ભારત સહિતના દુનિયાના દેશો માટે વોટરગેટ સાબિત થઈ રહ્યું છે.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.