Comments

ટ્રમ્પનો પ્રમુખ તરીકેનો બીજો શાસનકાળ કેવો રહી શકે?

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બને ત્યારે રિપબ્લિકન સભ્યો રૂબીઓ સેક્રેટરી ઑફ સ્ટેટ એટલે કે વિદેશમંત્રી અને વૉલ્શ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બને તો ‘શે૨ના માથે સવાશેર’ અને ‘ચા કરતાં કિટલી ગરમ’કહેવત બંધબેસતી આવે એવું નિષ્ણાતોનું માનવું છે. રૂબીઓ અને વૉલ્શ બંને વિદેશનીતિના મુદ્દે ટ્રમ્પના કરતાં પણ બે ડગલાં આગળ એવી તેજતર્રાર વિચાસરણી ધરાવે છે. યુદ્ધને કારણે વિંખાઈ રહેલી દુનિયામાં શાંતિ સ્થાપવાની તેમની વાત પ્રથમ દૃષ્ટિએ આકર્ષક લાગે છે. અમેરિકાની દક્ષિણી સીમાએ મેક્સિકોમાંથી ઘૂસણખોરી કરતા ઇમિગ્રાન્ટ્સ માટે એણે પોતાની પહેલી ટર્મમાં જે નીતિઓ અખત્યાર કરી હતી જેમાં ‘રીમેઈન ઇન મેક્સિકો’જેવાં સૂત્રોનો સમાવેશ થાય છે તે વધુ કડકાઈભરી કરવામાં આવે એવું માની શકાય.

નવનિર્વાચિત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર બને તેટલી ઝડપથી અમેરિકામાં સરહદ પારથી ઘૂસણખોરી અટકાવવા માટે (ખાસ કરીને મેક્સિકો સાથેની દક્ષિણી સીમાએથી) પ્રતિબદ્ધ રહેશે. ઉપલા ગૃહમાં સો બેઠકોમાંથી ૫૩ના આંકડા સાથે રિપબ્લિકન પાર્ટીએ બહુમતી પ્રાપ્ત કરી છે, જ્યારે ૪૭ ડેમોક્રેટ્સ ચૂંટાયા છે. આપણે ત્યાં ભારતમાં જો આ પ્રમાણેના આંકડા હોત તો કદાચ ગમે તે ચાર કે પાંચ સભ્યોને ઊંચકી લઈને સત્તાધારી પક્ષ પોતાની બહુમતી સિદ્ધ કરી ચૂક્યું હોત પણ અમેરિકામાં એવું થતું નથી.

એક વિવાદાસ્પદ મુદ્દો ગર્ભપાતને લગતો છે, જે અમેરિકન પ્રમુખની ચૂંટણી દરમિયાન ગાજતો રહ્યો. સ્ત્રીઓનો એક વર્ગ ગર્ભપાત કરાવવાની તરફેણમાં જ્યારે બાકીના બાળકને જન્મ આપવાની તરફેણ એટલે કે ગર્ભપાતની વિરુદ્ધ હતો. હવે ડોનાલ્ડ ટ્રમ્પ વિજયી બનતાં અમેરિકાની સૌથી મોટી ગર્ભપાત માટેની દવા પૂરી પાડતી કંપની ‘એઇડ એક્સેસ’ને ૨૪ કલાકમાં ૧૦,૦૦૦ ઑર્ડર મળ્યા છે, જે સામાન્ય કરતાં ૧૭ ઘણા વધારે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ તરીકે સત્તાનાં સૂત્રો સંભાળે ત્યાર બાદ ગેરકાયદેસર ઘૂસણખોરી, ચીનમાંથી થતી આયાત પર ભારે ટેરિફ (જેનો વત્તેઓછે બીજા દેશોમાંથી થતી આયાત ઉપર પણ બોજ પડશે), એબૉર્શન એટલે કે ગર્ભપાતના અધિકાર ઉપર પ્રતિબંધ, અમેરિકાના ઘરઆંગણાના બજા૨ માટે શક્ય ત્યાં સુધી અમેરિકામાં જ ઉત્પાદન થાય તેમજ વિશ્વભરમાં યુદ્ધ નહીં શાંતિની નીતિ, ગ્રીનકાર્ડ માટેની અરજીઓમાં મોટા પાયે ભરાવો થયો છે તે ઝડપથી ઉકેલી શકાય તે માટેની સ્પષ્ટ નીતિઓ, નવી રોજગારી ઊભી થાય અને અમેરિકન યુવાનોને નોકરીઓ મળતી થાય તે માટેના સઘન પ્રયાસો, મોંઘવારી ઘટે અને જીવનધોરણ પ્રમાણમાં સસ્તું થાય તેવી નીતિઓ જેવા મુદ્દાઓ એક પછી એક અમલમાં મૂકાતા જશે.

આવનાર સમયમાં ભારતના અમેરિકા, કેનેડા તેમજ એની સાથેના બીજા ત્રણ દેશો – ઑસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને ઇંગ્લૅન્ડ સાથેના સંબંધોમાં પ્રવર્તતી શીતલહેર ઉલટાવીને પોતાની વિદેશનીતિ થકી ઉષ્માભર્યા સંબંધો કઈ રીતે પુનઃ સ્થાપિત કરવા માગે છે, તે પણ ભારતના વિદેશ મંત્રાલય માટે પડકાર સમાન બની રહેશે. બ્રિટને પોતાને ત્યાં ભારતમાંથી થતા ઇમીગ્રેશન પર રોક લગાવવા કેટલીક ખાસ જોગવાઈઓ દાખલ કરી છે જેમાં અન્ડર ગ્રેજ્યુએટ અભ્યાસ માટે જતા વિદ્યાર્થી પોતાની સાથે પત્નીને ન લઈ જઈ શકે, અભ્યાસ દરમિયાન પાર્ટટાઇમ કામ કરવા ઉપર નિયંત્રણોમાં વધારો, ભારતમાંથી બ્રિટન અભ્યાસ માટે જતા વિદ્યાર્થીની વાર્ષિક કૌટુંબિક આવક ૧૯,૦૦૦ પાઉન્ડ હતી તેમાં વધારો કરી ૨૯,૦૦૦ પાઉન્ડ અને આવતી સાલમાં ૪૦,૦૦૦ પાઉન્ડ જેવો જંગી વધારો કરીને બ્રિટને ભારતમાંથી થતા ઇમીગ્રેશનને નાથવાનો પ્રયત્ન કર્યો છે.

કેનેડાએ ચાલુ સાલે ભારતમાંથી અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓનો ક્વોટા ઘટાડીને ૩૩ ટકા કરી નાખ્યો છે. ઑસ્ટ્રેલિયા પણ કેટલાંક નિયંત્રણો લાદે તેવી શક્યતાઓ છે ત્યારે ભારતમાંથી ઑસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, કેનેડા, અમેરિકા અને બ્રિટન અભ્યાસ અને અન્ય કારણોસ૨ જતાં ભારતીયો માટે વિઝાના નિયમો કડક થઈ રહ્યા છે અને હજુ થશે. આશા રાખીએ, ટ્રમ્પનો કાર્યકાળ એમાં બળતામાં ઘી હોમવાનું કામ ના કરે.
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top