Comments

શિક્ષકોનું મહત્ત્વ આપણને વેકેશનમાં સમજાય એ કેવુ઼ં?

અલ્યા આ લોકો તો સ્કૂલે જાય એ જ સારા વેકેશન શરૂ થતાં જ બાળકોવાળા તમામ ઘરોમાં મોટેભાગે આ વાક્ય સાંભળવા મળે જ! શિક્ષકનું મહત્ત્વ આમ તો શાળા શરૂ હોય ત્યારે છે. બાળકની કેળવણી અને ઘડતરનો આધાર અભ્યાસુ શિક્ષકો પર છે. પણ આજના સમયમાં શિક્ષકોનું મહત્ત્વ વેકેશનમાં પણ સમજાય છે. જે બાળકને આપણે બે-ત્રણ કલાક સતત સહન નથી કરી શકતા તેને શિક્ષકો રોજ પાંચ-છ કલાક સાચવે છે અને શિખવાડે પણ છે. ખાસ તો પ્રાથમિક અને માધ્યમિકના બાળકોના કિસ્સામાં શિક્ષકોનું વિશેષ મહત્ત્વ છે.
ઔદ્યોગીકરણ અને શહેરીકરણ બાદ વિકસેલી સમાજ વ્યવસ્થામાં શાળાઓ એ બાળકના ઘડતરની સંસ્થાની સાથે જ બાળકોને સાચવનારી સંસ્થા પણ છે. વેકેશનમાં આ બાળકોની ઘરમાં સતત હાજરી અનેક પ્રશ્નો સર્જે છે.
આજે શહેરોમાં મેદાનો નથી. એક-કે બે રૂમ રસોડાના મકાનોમાં મધ્યમવર્ગીય પરિવારો સાંકડે-માંકડે જીવન વ્યતિત કરે છે. ગ્રામિક વિસ્તારોમાં હોય તેવી મોકળાશ હવે નાના નગરોમાં પણ નથી. એટલે મારા દિકરામાં ઠાંસીને ભર્યુ છે તોફાન મને આપ્યુ છે એક રૂમ રસોડાનું મકાન! પલંગીયાને કુંડામાં કેટલું ફાવે? જેવા પ્રશ્નો પ્રત્યેક માતા-પિતા સામે આવી ઊભા રહે છે. વળી પ્રશ્ન માત્ર મેદાન કે જગ્યાની મોકળાશનો નથી. ઉનાળુ વેકેશનમાં ઘરની સંકડાશ સાથે બળબળતી બપોરના તાપનો પ્રશ્ન હોય છે. 45 ડીગ્રીમાં બાળકો જાય તો પણ ક્યાં? રમે તો પણ શું?
મોબાઇલ અને કોમ્પ્યુટર ગેમની વ્યાપક અસરો વચ્ચે બળાકો ઘરમાં બેસીને રમવાની રમતો જ ભૂલી ગયા છે. આ રમતો તેમને બતાવો તો પણ તેમને રમવી નથી. મોબાઇલ ગેમ હવે અનિવાર્ય અનિષ્ઠ છે. આ તાપમાં ક્યાં જાય? એવા પ્રશ્ન સાથે મા-બાપ જ મોબાઇલને આશિર્વાદ માની બાળકને તેને હવાલે કરી દે છે.
આ નવી સામાજીક વ્યવસ્થા સર્જાયાને વર્ષો થયા. પણ આપણને ના તો નગર આયોજનના સમયે કે નતો સમાજ શાસ્ત્રીય, માનસશાત્રીય ચર્ચઓમાં આ પ્રશ્ન કદી વિચાર્યો જ નથી. કે બાળકોનું વેકેશનમા કરવું શું.
થોડાક ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારો બાળકને શાળાના વિકલ્પો ટ્યૂશનક્લાસ, ચિત્રના કલાસ, સ્કેટીંગ, સમર કેમ્પમાં વ્યસ્ત કરી નાખે છે. થોડા સંપન્ન પરિવારો અઠવાડિયા-વીસ દિવસના પ્રવાસો ગોઠવી નાખે છે. પણ એક વિશાળ સમુદાય છે. જેમના બાળકો નતો જુદા જુદા કલાસમાં રોકાય છે ન તો લાંબા વેકેશન પ્રવાસમાં જાય છે.
આ બધા જ શેરી મહોલ્લામાં દોડા-દોડ, પકડા પકડી કે મસ્તી કરતા હોય છે. હવે ગામડાની મસ્તી પણ વાર્તાઓ અને વડીલોની યાદોમાં જ રહી છે. ગામડામાં પણ અત્યારે બાળકો મોબાઇલમાં જ વ્યસ્ત છે.
મૂળમાં આપણી પાસે આયોજન જ નથી. શાળાનો વિકલ્પ જ નથી. પરિવારો પણ વિભક્ત અને એક-બે સંતાનોવાળા થતા જાય છે. એટલે બાળકોમાં વહેચીને ખાવુ, સાથે રમવું એક બીજાને સહન કરવા જતુ કરવું.
એ ગુણ વિકસતા જ નથી. ભારતમાં બાળકો અને કિશોરો નહી ખાસ પ્રકારની ફિલ્મો, નાટકો લેખો કે અન્ય મનોરંજન ઉપલબ્ધ નથી. આપણે આજે પણ સ્પાઇડરમેન, એવેન્જર્સ જેવી વિદેશી ફિલ્મો પર જ આધારિત છીએ. બાળકો પણ ટ્યુશન અને શાળા શિક્ષણમાં વ્યાપક બનેલી વેકેશન શરૂ થતા જ રિપ્રેગ ઉજળે છે. આ તોફાન-મસ્તી આમતો સહજ છે. પણ ઘર પરિવારને આની ટેવ નથી. વળી શહેરમાં જ્યાં મા-બાપ બંને નોકરી કરે છે ત્યાં મા-બાપ નોકરીએ અને બાળકો ઘરે!
એવો નવો જ પ્રશ્ન ઉદ્દભવે છે. માટે આના કરતા તો સ્કૂલ ચાલુ હોય તો સારું ની લાગણી વ્યાપક બને છે અને શિક્ષકોનું મહત્ત્વ વધારે સમજાય છે. તત્વજ્ઞનીઓ આમ તો કહે છે કે વ્યક્તિનું ખરું મહત્ત્વ તેની ગેરહાજરીમાં જ સમજાય છે. અમારા એક શિક્ષકમિત્ર ગમ્મતમાં કહે જ છે કે અમે જ્ઞાન વેચતા નથી. ભણાવીએ છીએ તો મફતમાં જ! ફી તો બાળકોને સાચવવાની લેવામાં આવે છે. ખાનગી ઇગ્લીશ મિડીયમ સ્કૂલોમાં વસુલાતી તોતીંગ ફી માટે આપણા એક નેતા બોલ્યા હતા કે આ લોકો બાળકોના નાક-સાફ કરવાની ફી બે -લાખ લે છે. એટલે એક મિત્રએ કટાક્ષામાં કહ્યું હતું. લોકોને પોતાના બાળકોને સાફ કરવાનો કંટાળો આવતો હોય ત્યાં બીજાના બાળકોના નાક સાફ કરવાના બે લાખ જ થાય.
ટૂંકમાં વેકેશન આપણને શાળાનુ મહત્ત્વ સમજાવે છે. સાથે સાથે નગર આયોજનથી માંડીને સમાજ જીવનના ઘડતરમાં બાળકો અને કિશોરોને ધ્યાનમાં રાખીને આપણને હજી ઘણુ કરવાનુ બાકી છે તે વાત તરફ પણ ધ્યાન દોરે છે.

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top