ગૌરવ અને મિથ્યાભિમાન વચ્ચે ઘણો ફરક છે, પરંતુ ભારતની પ્રજા અને પોલિટિશ્યનો તે ભેદ સમજી શકતા નથી. જે સમજે છે તે ચૂપ છે. અમેરિકાએ ભારત પર ટેરિફ લાદ્યાએ પછી વારંવાર ટીવી ચેનલો, યુટ્યુબરો અને કેટલાક નેતાઓનું ગાયન વધી ગયું છે કે ભારત દુનિયાની સૌથી મોટી બજાર છે અને પશ્ચિમને તેની ખૂબ જરૂર છે. ભારતે કોઈ મીર માર્યો હોય એ રીતે મોટી બજારને ફૂલાવીને વધુ મોટી બનાવવામાં આવી રહી છે.
મોટી એટલે કેટલી મોટી? જો ખરેખર મોટી હોય તો જગત અમેરીકાની મારકેટની જેટલી પરવા અને ચિંતા કરે છે એના તસુભાર પણ ભારતની મારકેટની પરવા કરતું નથી. અન્યથા સો સો ટકા ટેરિફની વાત થતી ન હોત. એ ખરૂ કે ડોનલ્ડ ટ્રમ્પની ડાગળી ચસકી ગઈ છે અને આપણને આપણું જ નિરિક્ષણ કરવાની ફરજ પણ કોઈ મોટી વાત નથી. ચર્ચિલે એક વખત કહ્યું હતું કે, ‘સિગારેટ છોડવી એ કોઈ મોટી વાત નથી, મેં ત્રણ ત્રણ વખત છોડી છે.’એમ ભારતને આવી આત્મનિરિક્ષણ કરવાની ફરજ દશકોથી પડતી આવી છે. છેલ્લાં પંદરેક વરસમાં આપણે ચીની બનાવટનાં માલનો ત્રણ ત્રણ વખત બહિષ્કાર કરી ચૂક્યા છીએ. સોશિયલ મિડિયામાં અમૂલ્ય અભિપ્રાયો આપી ચૂક્યાં છીએ. આત્મનિર્ભર થવું કેટલું જરૂરી છે તે નુક્તાચીની વારંવાર કરી ચૂક્યા છીએ અને આજે પણ કરીએ છીએ, અને વિદેશોમાં બનેલાં પતંગ અને માંજા વાપરીએ છીએ.
વાસ્તવમાં આપણે સૌથી મોટી બજાર નથી, પણ સૌથી ખીચોખીચ બજાર છીએ જેની પાસે માણસો ઝાઝાં અને નાણાં ખૂબ ઓછાં છે. સ્વદેશી ખરીદવાની વાતો કરીએ છીએ પરંતુ સ્વદેશી ખરીદવાના નાણાં નેતાઓ, ઉદ્યોગપતિઓ અને ધાર્મિક નેતાઓ સિવાય કોની પાસે છે ? અને તેઓ વિદેશોમાં પ્રોપર્ટીઓ, ફેશનેબલ ગૂડસ ખરીદે છે. ત્યાં જઇને લગ્નો કરે છે. એ ખરૂં કે છેલ્લાં દસેક વર્ષમાં ભીરતે પ્રગતિ કરી છે અને સ્વદેશી ચીજો વધુ બનતી થઇ છે. તો પણ ભારત હજી સ્ક્રુડ્રાઇવર ટેકનોલોજીમાં જ છબછબિયાં કરે છે.
એપલના ફોન કે મોટર-કારોના છૂટક ભાગો વિદેશમાંથી આયાત કરવા પડે છે અને ભારતમાં તે એસેમ્બલ થાય છે. ભારતના તથા કથિત સમાજવાદી નેતાઓને માત્ર પોતાની જ પડી હતી. સરેરાશ બેથી અઢી ટકાની જીડીપી સાથે દેશના અર્થતંત્રને 45 વર્ષ ખાડામાં રાખ્યું અને વસતિનો બેફામ વધારો થવા દીધો, જે આજે પણ ચાલુ છે. આપણે ડેમોગ્રાફીક ડિવિડન્ડની વાતો કરીએ છીએ પરંતુ આ એક આત્મછલના છે. વસતિ વધારવા માટે ખાસ કશું કરવાનું રહેતું નથી. માત્ર આનંદ કરો. જો વસતિ વધારવાથી સુખી થવાતું હોત તો અમેરિકાએ અને યુરોપે છેલ્લાં એંસી વર્ષથી વસતિ સ્થિર ન રાખી હોત.
આખા ભારતનું 150 કરોડનું બજાર મોટું છે તો કેવડું મોટું છે ? સવા આઠ કરોડથી થોડી વધુ વસતિ ધરાવતા જર્મની જેટલું નથી. ભારતની માથાદીઠ સરેરાશ આવક લગભગ અઢી હજાર ડોલર, બે લાખ બાર હજાર રૂપિયા છે. જર્મનીની લગભગ 56 હજાર ડોલર છે. ત્યાંના નાગરિકની ખરીદશકિત સ્વાભાવિકપણે જ ખૂબ ઊંચી છે. જર્મની હાલમાં દુનિયાનું ત્રીજા ક્રમનું મોટું અર્થતંત્ર છે. અને ભારત ચોથા ક્રમનું ભારત ત્રીજા ક્રમે પહોંચશે તો પણ જર્મની કે જાપાનના નાગરિકોની ખરીદ શકિતને કયારેય આંબી શકશે.નહીં આપણી પાસે જે બજાર છે તે આપણી સિધ્ધિઓને આભારી છે તેના કરતાં વધુ વસતિને કારણે છે. પરંતુ વસતિ વધવાની એક સીમા હોય કે નહીં? એક ખોલીમાં દસ જણ સૂએ તો સુખી કે એક-બે સૂએ તો સુખી? અને વધારી વધારીને કેટલી વધવા દેશો? ક્યાંક તો અટકવું પડશે ને?
અને આપણે ત્યાં વસતિ વધે છે તો કોની વધે છે? ભણેલા ગણેલા વિદેશ જતા રહે છે અને પાછળ મિક્સ-લોટ રહી જાય છે. માટે શિક્ષણ અને વસતિને એબે બાબત પર ધ્યાન નહી અપાય તો સરેરાશ આવકમાં કોઈ અસાધારણ વધારો જોવા નહીં મળે. ભારત આઝાદ થયું તે સંખ્યા હતી તે અમેરિકાની માફક જાળવી રાખી હોત તો આજે છે તેના કરતાં ભારતના લોકો પાંચ ગણી વધુ સુખી હોત. જો આજની સરેરાશ આવક પ્રમાણે ગણીએ તો શક્ય છે કે પાંચ ગણાં કરતાં પણ અનેક ગણા સુખી હોત. અતિશય વસતિ વધારો અને તે પણ અરધા અભણોનો વધારો અનેક નેગેટિવ પરિબળોને સાથે લઈને આવે છે. દેશના ખાનગી કે જાહેર બધાં સાધનો, શક્તિઓ પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા પાછળ ખર્ચાઈ જાય છે. દેશ માટે નવાં સંસાધનો, માળખાંઓ ઊભા કરવાની ત્રેવડ રહેતી નથી. ભારતનું આજે ચાર હજાર બસ્સો અબજ ડોલરનું છે. તેમાનું મોટાભાગનું પ્રાથમિક આવક અને પ્રાથમિક ખર્ચથી જ ઊભું થાય છે.
જરૂર પડયે જાગવાની અને વળી પાછા ઊંધી જવાની વૃત્તિ છોડવી પડે. વસતિ વધે તો તેઓને એવા તૈયાર કરો કે ટકોરાબંધ હોય અને તેઓને ભારતમાં જ સારો રોજગાર મળી રહે. સરકારી બાબુઓ અને જૂની પોલીસીઓના ભરોસે સરકારી લોકોનું જ ભલું થશે. હમણાં અમેરિકાની જનરલ મોટર કંપનીએ નિવેદન આપ્યું કે ભારતમાં ધંધો શરૂ કર્યાં પછી બંધ કરવાનું આસાન નથી. હાલોલમાં કંપનીની ફેક્ટરી હતી. ધંધો આટોપવાની વિધિમાં સાત વરસ લાગી ગયાં. આ પ્રકારના નિવેદનોમાં સચ્ચાઈ છે કે નહીં તે અળગ વાત છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બિઝનેસ જગતમાં ભારતની શાખ બગડે છે. હજી જિલ્લા કક્ષાના નગરોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કલાકો સુધી વીજળી જતી રહે છે, જ્યાં એક બાજુ દસ બાર માળનાં મકાનો છે.
આજના ડિજિટલ યુગમાં ભારતમાં જાતિ પ્રમાણે વસતિ ગણતરી થઈ રહી છે. તેમાં વળી કર્ણાટકની કોંગ્રેસ સરકારે હાઈકોર્ટને જણાવ્યું છે કે લોકોને આ ગણતરીમાં સ્વેચ્છાથી જોડાઈ શકે છે. ફરજિયાત નથી. તો એવી અધૂરી ગણતરીઓથી શું હાંસલ કરવાનું છે? બિહારની ચૂંટણીમાં દેશભરના નેતાઓ એટલા વ્યસ્ત છે કે જાણે દેશ સામે બીજા કોઈ મહત્ત્વના કામો જ નથી. કોઈકને વળી છાશવારે હિન્દી અને દક્ષિણ ભારતની ભાષાઓનું ભૂત ધૂણાવે છે.
આજે નવી પરિસ્થિતિમાં પ્રજા ચિંતિત છે. નેતાઓ સભાઓ, સરઘસો, પદયાત્રાઓ બંધ કરી કામે લાગી જાય તે જરૂરી છે. પ્રજાને બધી સુખાકારીઓ પાંચ વરસ પછી જ મળવાની છે અને પાંચ વરસ આવતા નથી. વિપક્ષના નેતા એવા છે કે વર્તમાન સરકારને તેનો ડર નથી. કોંગ્રેસ વિપક્ષમાં હોય અને રાહુલ સોનિયા રોબર્ટ અને પ્રિયંકા જ તેનાં નેતાઓ રહેવાનાં હોય તો પણ દેશનું ભલું થવાતું નથી. તેઓ નથી રાજ કરવાને લાયક અને નથી વિપક્ષને લાયક. હવે શાસક પક્ષની જ જવાબદારી બને છે કે સતત સત્તા પર રહેવાથી શાસનમાં ફટીગ, નિરૂત્સાહ ઘર ન કરી જાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.