Entertainment

સંગીતનો ઇતિહાસ ‘નૌશાદ’ યુગ વગર કેવો !!

નૌશાદની યાદ આવે તો મનમાં મધુરતા છવાઇ જાય. ભારતીય શાસ્ત્રીય સંગીતને તેમણે સિનેમા સંગીતમાં એ રીતે ઢાળ્યું કે સામાન્યજન પણ તેની શ્રેષ્ઠતાનો અનુભવ કરી શકયો. તેમણે પાર્શ્વગાયનમાં સહુથી વધુ વિશ્વાસ મોહમ્મદ રફી અને લતા મંગેશકર પર જ કર્યો તેનું કારણ પણ એજ હતું કે આપણા શાસ્ત્રીય રાગ આધારીત ગીતો તેમના સ્વરમાં શ્રેષ્ઠ રીતે પ્રગટી શકતા હતા. નૌશાદના કારણે ભારતીય સિનેમા સંગીત શાસ્ત્રીય સમૃધ્ધિ પામ્યું. તેમણે જે મહિમા રચ્યો તેના કારણે જ ઉસ્તાદ આમીર ખાં, પંડિત પલુસ્કર, ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં ફિલ્મો માટે ગાઇ શકયા. કુંદનલાલ સાયગલે મુંબઇ આવ્યા પછી જે ઉત્તમ ગીતો ગાયા તેનાં સ્વરાંકન નૌશાદ સાહેબનાં છે. નૌશાદના સંગીતમાંથી ભારતીય શાસ્ત્રીય સંગીત અને ઉત્તરપ્રદેશનાં લોક સંગીતને બાદ નહીં કરી શકો. હા, શંકર જયકિશન, સચિન દેવ બર્મન,સલીલ ચૌધરી જેવાના આધુનિક સ્વરાંકનોએ તેમને જરૂરી ફીકા પાડી દીધેલા પણ આ દરેક સંગીતકાર યુગસર્જક છે અને નૌશાદ યુગને બાદ કરીને ભારતીય સિનેમા સંગીતનો ઇતિહાસ આગળ ન વધી શકે.

નૌશાદે રફી-લતા સિવાય અનેક પાસે ગવડાવ્યું પણ તેમાં કિશોરકુમાર જેવાનું સ્થાન ન હતું. કિશોરનો સ્વર આપોઆપ આધુનિકતાનો સૂચક હતો. કિશોર જ શું તેઓ તો આશા ભોંસલેથી પણ બને તેટલા બચીને ચાલ્યા છે. તેમનો પોતાનો એક ઇલાકો હતો અને તેને તેઓ છોડવા માંગતા ન હતા. રાજેન્દ્રકુમાર-વૈજયંતીમાલા અભિનીત ‘સાથી’માં તેમણે અમુક આધુનિક વાદ્યો સાથે સંગીત આપવાનું હતું તો મનની નારાજગી સાથે તેવું કરેલું. નૌશાદને દિલીપકુમારે પોતાની કલાસિકલ એકટિંગની સાથે જોડેલા રાજકપૂરના સંગીતકાર શંકર-જયકિશન, દેવ આનંદના સચિન દેવ બર્મન તો દિલીપ સાહેબના નૌશાદ સાહેબ. દિલીપકુમારની કુલ 62 ફિલ્મોમાંથી 15માં નૌશાદનું સંગીત છે.

1948ની ‘મેલા’માં તેઓ પહેલીવાર સાથે થયા પછી ‘અંદાઝ’, ‘બાબુલ’, ‘દીદાર’, ‘આન’, ‘દાગ’, ‘અમર’, ‘ઉડન ખટૌલા’, ‘કોહીનૂર’, ‘મુગલ-એ-આઝમ’, ‘ગંગા જમના’, ‘લીડર’, ‘દિલ દિયા દર્દલિયા’, ‘રામ ઔર શ્યામ’, ‘આદમી’ અને ‘સંઘર્ષ’માં નૌશાદ છે. નૌશાદ પોતાની શૈલી બદલવા નહોતા માંગતા એટલે દિલીપકુમારની ફિલ્મોમાં સંગીતકાર બદલાઇ ગયા. જો કે દિલીપકુમાર પોતાની ફિલ્મોના નિર્માતા નહોતા એટલે નૌશાદ હતા ત્યારે પણ અનિલ બિશ્વાસ, સી. રામચંદ્ર, ગુલામ હૈદર, સચિન દેવ બર્મન, શંકર જયકિશન, ખૈયામ, ઓ.પી. નૈયર, સલીલ ચૌધરી વગેરેએ સંગીત આપ્યું છે. આર.ડી. બર્મન જેવા સંગીતકાર તો તેઓ હીરો તરીકે મટી ગયા પછી જ આવ્યા છે.

હા, તે પહેલા કલ્યાણજી આણંદજી, લક્ષમીકાંત પ્યારેલાલ તેમની ફિલ્મોના સંગીતકાર તરીકે સ્થાન પામી ચૂકેલા. દિલીપકુમારના હીરો તરીકેના સમયમાં સૌથી વધુ પ્રભાવી નૌશાદ જ છે. આપણે અહીં એવું પણ ઉમેરવું જોઇએ કે દિલીપકુમાર સિવાય તેઓ કોઇ સ્ટારના ફેવરીટ ન હતા. નૌશાદના સંગીતવાળી કેટલીક ફિલ્મો આજે કલાસિકસનો દરજ્જો પામી ચુકી છે. ચાહે તે ‘મધર ઇન્ડિયા’ હોય કે ‘મુગલ-એ-આઝમ’ કે ‘અંદાઝ’ યા ‘આન’. એ સમયમાં એવું કહેવાતું કે મુસ્લિમ નિર્માતા-દિગ્દર્શકો બને ત્યાં સુધી નૌશાદનો આગ્રહ રાખતા પણ વિજય ભટ્ટની ‘બૈજુ બાવરા’ને વિચારો તો ધારણા ખોટી પડશે. એક જમાનો હતો કે ‘દાસ્તાન’ ફિલ્મના ટ્રેલરમાં ઉંચા અવાજે ઉદ્‌ઘોષણા થતી કે ‘ચાલીસ કરોડમેં એક હી નૌશાદ’. નૌશાદ એવા સંગીતકાર હતા જેમની પ્રતિષ્ઠા ફિલ્મના હીરો, દિગ્દર્શકની સમાંતરે હતી.

તેમના ગીતો મીઠા અને સરળ હતા. લખનૌના કાંધારી બજારમાં 25 ડિસેમ્બર, 1919માં જન્મેલા નૌશાદમાં જાણે લખનવી મિજાજ હતો. તેઓ ફિલ્મોનાં સંગીત તરફ વળ્યા તે તો પછીની વાત છે. મૂંગી સિનેમાના સમયે પણ તેઓ ફિલ્મ જોવા જતા તો પરદાથી વધુ સાજિંદાઓ પર તેમના કાન રહેતા. પછી તો તેઓ ઉસ્તાદો પાસે સંગીત શીખ્યા. આજે કોઇ એ વાત માની ન શકે પણ ન્યૂ પિકચર કંપનીએ તેમને પિયાનો વાદક તરીકે મહિને ચાલીસ રૂપિયા પગારે રાખેલા ત્યારે કંપનીમાં સંગીતકાર ગુલામ મોહમ્મદ 60 રૂા. માસિક પગારે હતા.

નીનુ મઝુમદાર જેવાએ અને એકવાર કહેલું કે નૌશાદે ત્યારે જ ઉત્તમ સંગીત આપ્યું છે જયારે તેમના સહાયક સંગીતકાર ઉત્તમ હતા. ખેર! આવી ટીકા વચ્ચે ય કહેવું જોઇએ કે નૌશાદના સંગીતની અલગ ઓળખ હતી તે તો કાયમની રહી છે.નૌશાદના સંગીતની શું તાકાત હતી. શું લોકપ્રિયતા હતી તેનો એક નમૂનો પૂરતો છે. ‘રતન’ ફિલ્મની નેગેટીવની કિંમત 75000 રૂા. હતી જયારે તેના ગીતોની રોયલ્ટીથી સાડા ત્રણ લાખ રૂપિયા મળેલા. એ ફિલ્મમાં જે ઢોલક વાગે છે તે ગુલામ મોહમ્મદે વગાડેલું છે.

રેકોર્ડિંગના સમયે એક માઇક્રો ફોન સ્ટૂડિયોના ટોઇલેટમાં રખાવેલું જેથી ઇકોની અસર ઉપજે. ‘આવાઝદે કહાં હૈ’ની ધૂન તેમને મળતી જ ન હતી. થાકી હારીને તેઓ પથારીમાન સૂઇ ગયા અને તેમને સપનું આવ્યું. જેમાં તેઓ હારમોનિયમ વગાડે છે અને એક ધૂનની છાયા પસાર થઇ રહી છે. આંખ ખૂલી તો હારમોનિયમ લઇ અડધી રાતે જ પેલી ધૂન પર બેસી  ગયા અને પર્ફેકટ રીતે સપનામાં જે સાંભળેલી તે ધૂન ઊતરી આવી અને ગીત સર્જાયું. ‘આવાઝ દે કહાં હૈ’. આવા સપના નૌશાદ જેવાને જ આવી શકે. મજરુહ સુલતાનપુરીની ગીતકાર તરીકે પ્રથમ ફિલ્મ ‘શાહજહાં’ છે જેમાં સાયગલે ગીતો ગાયેલા. એ મજરુહ પછી તેમના વેવાય થયેલા.

નૌશાદ વિશે ઘણી વાતો થઇ શકે. ‘મુગલ-એ-આઝમ’નું આભિજાત્ય ભર્યું સંગીત અને ‘બૈજુ બાવરા’ પ્રેમકથાને અમરત્વ બનાવનાર સંગીત તેમનું જ છે. એમ કહી શકાય કે તેઓ પ્રેમકથાવાળી ફિલ્મોમાં યાદગાર સંગીત આપી શકયા છે. નૌશાદ હિન્દી ફિલ્મોમાં પ્રથમ સ્ટાર સંગીતકાર હતા. બાંદ્રાના નેપીયન સી રોડ પરનો તેમનો વિશાળ બંગલો તેઓ હતા તો સંગીતથી ગુંજતો રહેતો.  1981માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પ્રાપ્ત કરનારના સંગીતવાળી ફિલ્મોમાં 26 સિલ્વર જયુબિલી, 9 ગોલ્ડન જયુબિલી અને 3 ડાયમંડ જયુબિલી ફિલ્મો છે. આવા સંગીતકાર ઇતિહાસના રચનારા હોય છે. 2006ની પાંચમી મેએ તેમણે વિદાય લીધી પણ તેમનું સંગીત આપણાથી કયારેય વિદાય નહીં લેશે.

Most Popular

To Top