અમદાવાદથી આવેલ સાહિત્યપ્રેમી એક સ્વજનને શહેરનાં વિવિધ સ્થળો પર લઈ ગયા બાદ આનંદમહલ રોડ પર અમદાવાદની જ એક પ્રકાશકની મોટી દુકાન બંધ જોઈ મને પ્રશ્ન કર્યો કે આ કેમ બંધ છે? મેં એને કહ્યું કે ત્રણેક વર્ષથી બંધ છે અને બીજી પણ બે હતી એને પણ તાળાં લાગી ગયાં છે. એક ઊંડો નિસાસો નાંખતાં એણે કહ્યું કે આખા શહેરમાં એક માત્ર સાહિત્યનાં વિવિધ સ્વરૂપોનાં પુસ્તકો વેચતી દુકાન જ નથી? મૌન રહી, નકારમાં મોઢું હલાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. સોશ્યલ મિડિયાને કારણે લોકોનું વાચન ઘટી જવાનું તો એક મોટું બહાનું છે.
તે પડતાં મૂકી એક જ બાબત લોકો અને પુસ્તક વ્યવસાય સાથે કામ પાડતા વિક્રેતાઓ માટે જણાવવી છે કે પુસ્તકના પાનાં સો પણ કિંમત દોઢસો રૂપિયા. બસો પેઈજની નવલકથાની છાપેલી કિંમત સાડા ત્રણસો રૂપિયા! આમાં માંડ દસ કે વીસ ટકાનું જેટલું વળતર ખરીદનારને અપાય. વળી એક વખત વાંચ્યા પછી બીજી વાર વાંચવાને હાથ લગાડવાનું મન થાય એવાં પુસ્તકો જ કયાં બહાર પડે છે? આના મૂળમાં મોંઘા કાગળો અને મુદ્રણ સામગ્રી જ પ્રાથમિક કારણ છે. બીજાં પણ છે. ગુજરાતને વાંચતું ને શિક્ષિત કરવું હોય તો પુસ્તક વિક્રેતા, પ્રકાશકોને સબસીડી આપવાનું પુણ્ય કાર્ય સરકારે કરવાનો સમય પાકી ગયો છે. અનેક ક્ષેત્રો માટે સબસીડી આપનાર સરકાર પ્રકાશન સંસ્થાઓને આ રીતે નહિ બચાવી લે તો એનો વખત જતાં મૃત્યુઘંટ વાગી જશે.
સુરત – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
