આપણા દેશમાં કર્મચારીના કામના કલાકો કેટલા હોવા જોઈએ તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. એલ એન્ડ ટીના સુબ્રહ્મણીયમે 90 કલાક કામની વાત કરી. આ અંગે અલગ અલગ અભિપ્રાયો વ્યક્ત થઇ રહ્યા છે. કોઈ કહે છે કે કામના કલાકો કરતાં જે કામ કરે છે તેની ગુણવત્તા પર ધ્યાન અપાવું જોઈએ. બધી ચર્ચા કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતાં કર્મચારીના સંદર્ભે થતી જોવા મળે છે. કામના કલાકો સંદર્ભે જ્યારે અખબારમાં હું વાંચું છું ત્યારે મને પ્રશ્ન એ થાય છે કે જે મહિલાઓ જોબ નથી કરતી પરંતુ ઘરે રહીને હાઉસવાઈફ તરીકે પોતાની ફરજ બજાવે છે તેના કામના કલાકોની તો કોઈ ચર્ચા જ નથી કરતું.
સવારે ઊઠીને જોબ પર જતા પતિદેવ માટે ટિફિન તૈયાર કરવું. બાળકો સ્કૂલે જતાં હોય તેને તૈયાર કરવાં તથા તેમના નાસ્તા તૈયાર કરવા. બાળકો સ્કૂલેથી આવે એટલે ફરીથી એની તમામ જવાબદારી શરૂ થાય છે. સંતાનના હોમવર્ક સહિતની જવાબદારી મહદંશે મમ્મીઓ ઉઠાવતી હોય છે. ઘરમાં વડીલો હોય તો સ્વાભાવિકપણે એમની જવાબદારી પણ હાઉસવાઈફે જ ઉપાડવી પડે. આ કોઈ નાનીસૂની જવાબદારી નથી. હું માનું છું કે કોઈ પણ ગૃહિણી દિવસમાં 12 કલાકથી ઓછું કામ નહીં કરતી હોય. એને સપ્તાહની એક કે બે રજા પણ નથી મળતી.
જાહેર તહેવારની રજા પણ એના નસીબમાં નથી હોતી. તે હિસાબે એ સાતે સાત દિવસ કામ કરે છે. તેથી હાઉસવાઈફના અઠવાડિયાના કામના કલાકો 84 જેટલા થઈ જાય છે. એના બદલામાં એને કોઈ વેતન પણ નથી મળતું તથા એના કામની કોઈ ખાસ નોંધ પણ નથી લેવાતી. હાઉસવાઈફના કામને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણી લેવામાં આવે છે. આ દિશામાં કોર્પોરેટના માંધાતાઓ તો ક્યારેય વિચાર કરવાના નથી. એટલીસ્ટ એના પતિદેવોએ એના પર વિચાર કરવાની અને એની કદર કરવાની તાતી આવશ્યકતા છે. ગૃહિણીઓ દ્વારા કરાતાં ઘરકામ અંગેની ચર્ચા અખબારોમાં ક્યારે થશે?
નવસારી – ડો. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઓશોનું મહાપ્રયાણ
10મી એપ્રિલ 1989 સુધી રોજ સાંજે દસ હજાર શિષ્યો, શોધકો અને પ્રેમીઓની સભામાં પ્રવચન આપતા રહ્યા અને તેમને ધ્યાનમગ્ન કરાવતા રહ્યા. 16મી જાન્યુઆરી,1990 સુધી રોજ સાંજે સાત વાગ્યાથી ઓશો સત્સંગ દર્શનમાં હાજર રહ્યા. પછી 17મી જાન્યુઆરીએ સાંજથી માત્ર નમસ્કાર કરી પાછા જતા રહ્યા. 18મી જાન્યુઆરીને દિવસે ‘વ્હાઈટ રોબ બ્રધરહૂડ’ની સંધ્યા સભામાં તેમના અંગત ચિકિત્સક સ્વામી અમૃતાએ જણાવ્યું કે ઓશોના શરીરમાં એટલો દુખાવો છે કે તેઓ આપણી વચ્ચે નથી આવી શકતા પણ તેઓ પોતાના ઓરડામાં જ સાત વાગ્યાથી આપણી સાથે ધ્યાનમાં બેસશે. બીજે દિવસે 19મી જાન્યુઆરી 1990ની સંધ્યા સભામાં ઘોષણા કરવામાં આવી કે ઓશો પોતાનું શરીર છોડી પાંચ વાગ્યે(ત્રીજે પ્રહરે) મહાપ્રયાણ કરી ગયા છે.
સુરત – ડાહ્યાભાઈ હરિભાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)